અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સંકલનમાં ચર્ચાયેલ લોકહિતના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના

અમરેલી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના લોકપ્રતિનિધિશ્રીઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.

બેઠકમાં કલેક્ટરશ્રીએ લોકપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી એક થી વધુ વિભાગો સાથે સંકળાયેલ પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી લોકોના પ્રશ્નો ઉકેલવા કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.

બેઠકમાં સિંચાઈ, પાણી, જમીનની ફાળવણી, વીજળી, રોડ-રસ્તા, શિક્ષણ જેવા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ ચર્ચાયેલ લોકપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ બાકી વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમ્મર, ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ, નાયબ વન સંરક્ષક સુશ્રી પ્રિયંકા ગેહલોત, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. વી. વાળા, ડીઆરડીએ નિયામક શ્રી વિશાલ સક્સેના તેમજ નાયબ કલેકટરશ્રીઓ, મામલતદારશ્રીઓ અને પોલીસ, માર્ગ અને મકાન, પંચાયત, એસ.ટી., શિક્ષણ અને આરોગ્ય જેવા વિવિધ ખાતાઓના અધિકારીશ્રીઓ તથા સંકલન અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટર:- હિરેન ચૌહાણ