કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલ દ્વારા કોવિડ-19 ઉપર માહિતીસભર ફ્રી વેબિનાર યોજાયો.

કર્ણાવતી ક્લબની વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલ દ્વારા કોવિડ-19 ઉપર માહિતીસભર ફ્રી વેબિનાર યોજાયો. વાંચો… શું મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરવામાં આવી..

અમદાવાદ: વર્તમાન સમયમાં ભારતના દરેક નાગરિક કોવિડ-19ની ઘાતક લહેરનો સામનો કરી રહ્યાં છે. દરેક રાજ્ય સરકારો, એનજીઓ, સ્વયંસેવી સંસ્થાઓ અને વ્યક્તિઓ કોવિડની અસરોને ઘટાડવા માટે પ્રયાસો કરી રહ્યાં છે તથા મૂશ્કેલ સમયમાં એકબીજાને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે.

કોરોના વાઇરસની બીજી લહેર સામે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તથા તેનો કેવી રીતે સામનો કરવો તે અંગે ઘણાં લોકો મૂંજવણ અનુભવી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં બાળકો અને પરિવારના સભ્યોને કેવી રીતે સલામત રાખી શકાય તથા કોરોના સંબંધિત ગેરમાન્યતાઓ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલ દ્વારા આત્મન ફાઉન્ડેશનના ડાયરેક્ટર પારસ શાહ અને એપ્પલ ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી લિઝા શાહના સહયોગથી એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 એપ્રિલના રોજ બપોરે 12થી2 દરમિયાન આયોજિત ફ્રી ઇન્ટરેક્ટિવ વેબીનારનું સંચાલન વી કમીટીના કો-ચેરપર્સન ડો. રિધમ પટેલ અને વી કમીટીના સદસ્ય ડો. પ્રાચિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

ફ્રી વેબીનારના આયોજન અંગે પ્રતિક્રિયા આપતાં વી કમીટી ચેરપર્સન હિતા એન. પટેલે જણાવ્યું હતું કે, “આ વેબીનાર ખૂબજ સફળ રહ્યો છે. પેનલના નિષ્ણાંતો દ્વારા મોટાભાગની ગેરમાન્યતાઓને દૂર કરવામાં આવી છે. મને ખુશી છે કે ડોક્ટર્સે આ વાઇરસને નિયંત્રણમાં લેવા શું કરવું જોઇએ તેના ઉપર વિસ્તૃત જાણકારી આપી છે. વેબીનાર દ્વારા આપણે રસી ફરજીયાતપણે લેવી જોઇએ તેવો સંદેશો અપાયો છે તથા કોવિડથી ગભરાયા વિના સલામતીના પગલાં ભરીને, યોગ્ય અભિગમ અપનાવીને આપણે સંક્રમણથી બચી શકીએ છીએ.” વેબીનારમાં નિષ્ણાંતોની પેનલમાં શહેરના જાણીતા અને અનુભવી સિનિયર કન્સલ્ટન્ટ ડો. પાર્થિવ મહેતા, પિડિયાટ્રિશિયન ડો. રાકેશ શર્મા તથા સાઇકિયાટ્રિક અને ડી-એડિક્શન સ્પેશિયાલિસ્ટ ડો. કલરવ મિસ્ત્રી સામેલ હતાં.

વેબીનારમાં નિષ્ણાંતોની પેનલના સદસ્યોએ નીચે મૂજબની વિસ્તૃત અને મહત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરી હતીઃ
1. માસ્ક પહેરવું અને સામાજિક અંતર ફરજિયાત છે
2. ખૂબજ ઓછી શારીરિક પ્રવૃત્તિઓ સાથે સંપૂર્ણ આરામ. ઓછું બોલવું અને પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી. સકારાત્મક માનસિક અભિગમ રાખવો
3. વ્યક્તિ દ્વારા છાતીના બળે ઉંધા સૂઇ જવું – યોગ્ય પોઝિશનમાં ઉંધા સૂઇ જવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવવામાં મદદ મળી રહે છે
4. દરેક કેસમાં ફેફસાંના સીટી સ્કેનની જરૂર રહેતી નથી. તમારા ડોક્ટર દ્વારા ભલામણ કરાય તો જ કરાવવો
5. ગભરાશો નહીં, તમારા મનને શાંત રાખો. તમારી જાતને વિશ્વાસ અપાવો કે તમે મૂશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ જશો
6. બાળકો નેગેટિવ અથવા પોઝિટિવ હોય તો તેમને માતા-પિતાથી અલગ કરશો નહીં
7. 14 દિવસનું આઇસોલેશન ફરજીયાત છે, પરંતુ 4—5 દિવસ સુધી લક્ષણો ન જણાય તો આરટીપીસીઆર આવશ્યક નથી
8. તમારા ડોક્ટર દ્વારા સૂચવાયેલી સારવાર અને સલાહને અનુસરો
9. રસી મૂકાવો. તે અત્યંત મહત્વપૂર્ણ છે કારણકે તેનાથી તમને કોવિડ સામે રક્ષણ મળી રહેશે
10. જ્યારે બાળકને અસર થાય ત્યારે આપણે તેમની વિશેષ કાળજી રાખવી જરૂરી છે
11. તમે ગર્ભવતી હોવ તો રસી મૂકાવવી જોઇએ નહીં