નડિયાદના સમડી ચકલામાં લગભગ 125 વર્ષથી અડીખમ ઉભેલા સાક્ષરોનું સ્મૃતિમંદિર અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો આજે જન્મદિવસ

*નડિયાદના સમડી ચકલામાં લગભગ 125 વર્ષથી અડીખમ ઉભેલા સાક્ષરોનું સ્મૃતિમંદિર અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો આજે જન્મદિવસ*




નડિયાદ: આ મકાનનું નિર્માણ ગત ૨૫-૦૪-૧૮૯૮ એ શ્રી મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ કરેલું.તેઓ આ સાક્ષરભૂમિના એક પ્રકાંડ પંડિત, વિચક્ષણ રાજપુરુષ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરરત્નોના માર્ગદર્શક વડીલ હતા. તેમણે પત્ની ડાહીલક્ષ્મીની યાદમાં આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી.

જાણ મુજબ ૨૫મી એપ્રિલ, ૧૮૯૮
(વૈશાખ સુદ ચોથ, સંવત ૧૯૫૪)ના રોજ ડાહીલક્ષ્મી પુસ્તકાલય સ્થપાયું ત્યારે તેની પાછળ રૂ. ૩૦,૦૦૦નો ખર્ચ થયો હતો.

પુસ્તકાલયના પ્રથમ પ્રમુખ હતા ‘સરસ્વતીચંદ્ર’ના કર્તા તેમજ ગુજરાતીના મહાન સાક્ષર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી.સંસ્થાના પાલન-પોષણ માટે મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ પુસ્તકાલયનો વ્યાપ વધતાં એક ટ્રસ્ટ-ડીડ કર્યું. તેમણે પુસ્તકાલયના નિર્વાહ માટે રૂ. ૨૫૦૦૦ની અને પોતાનાં લખેલાં પુસ્તકોનાં પુનમુદ્રણ માટે બીજા રૂ. ૧૦૦૦૦ની પ્રોમિસરી નોટો આપી. ૧૩મી ઓગસ્ટ, ૧૯૦૫માં મળેલી સંસ્થાના સંચાલક મંડળની મિટિંગમાં સંસ્થા માટેના નિયમો(ટ્રસ્ટડીડ)ઘડી કાઢવામાં આવ્યા, જે ખુદ ગોર્વધનરામે બનાવ્યા હતા.

અંગ્રેજી રાજય દરમિયાન ડાહીલક્ષ્મી પુસ્તકાલયને ‘રજિસ્ટર્ડ લાયબ્રેરી’નો દરજ્જો મળ્યો હતો. ૧૯૪૮માં ભારત સરકારની યોજના મુજબ તેને ‘જિલ્લા પુસ્તકશાળા’ તરીકેની માન્યતા મળી.
નડિયાદની સાક્ષરનગરી તરીકેની છાપને દ્રઢ કરવામાં ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. : સોર્સ