*ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સ્વજનો માટે સુવિધા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મંજૂશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે ડોમ શરૂ કરવામાં આવ્યો*
*સારવાર મેળવી રહેલા દર્દીઓ સાથે સ્વજનો વાતચીત કરી શકે તે માટે વિડીયો અને ઓડિયો કોલિંગ ની વ્યવસ્થા શરૂ કરાઇ*
અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટી પાસે આવેલી મંજૂશ્રી મિલ કમ્પાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે.
દર્દીઓની સાથે સાથે તેમના સ્વજનોની પણ ચિંતા કરીને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્રતયા વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે.
નવી શરૂ કરાયેલી કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીઓના સગા ને હાલાકી ભોગવવી ન પડે તે માટેની દરકાર કરી એક જ દિવસમાં ડોમ ઉભુ કરવામાં આવ્યું છે.
ઉક્ત ડોમમાં દર્દીઓના સગાને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, કુલર, ટેબલ પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોનાની સારવાર મેળવી રહેલા કોરોના ગ્રસ્ત દર્દીની સાથે તેમના સ્વજનો સરળતાપૂર્વક વાતચીત કરી શકે તે માટે વિડીયો અને ઓડીયો કોલિંગની પણ સુવિધા સ્વજનો માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી સાથે ચર્ચા કરીને સમગ્ર વ્યવસ્થા ઊભી કરવા સૂચન કર્યું હતું જેને ઘ્યાને લઈ ફક્ત એક દિવસના ટુંકા સમયગાળાની અંદર દર્દીઓના સ્વજનો માટે વિશાળકાય ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાંગલેના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રાહબરીમાં આ સુવિધા વિકસાવવાનું આયોજન કરાયું હતું..
***********************