*કીડઝી પ્રિસ્કૂલ, ગાંધીનગર ખાતે “વાર્ષિકોત્સવ” યોજાયો વિદ્યાર્થીઓનું કરાયું બહુમાન*
ગાંધીનગર, સંજીવ રાજપૂત: The Earth – Part of Universe થીમ્ પર કીડઝી પ્રિસ્કૂલ, ગાંધીનગર ખાતે વાર્ષિકોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, નાના ભૂલકાઓએ ખુબ સરસ રીતે ભારતના ઈસરોની હાલની ઉપલબ્ધિને સેલ્યુટ આપ્યું. આ ઉપરાંત બાળકોએ પ્રકૃત્તિ સાથે સંઘર્ષ નહીં પણ પ્રકૃત્તિ સાથે પ્રીતિ રાખવાની ભારતીય જીવનશૈલીના સંસ્કાર જગાડી, પર્યાવરણનું સંવર્ધન અને તેના પોષક વૃક્ષોના જતન થકી પૃથ્વીને બચાવા સુંદર મેસેજ આપ્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગાંધીનગર ભાજપ જનરલ સેક્રેટરી ગૌરાંગભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લાના પ્રભારી ચેતભાઈ ઠાકોરે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો, સાથોસાથ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા, તેમની સાથે સંવાદ કર્યો અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
ગાંધીનગર ભાજપ જનરલ સેક્રેટરી ગૌરાંગભાઈ પટેલએ આ તકે બાળકોની શિસ્ત અને સંસ્કારોની સરાહના કરતા જણાવ્યું કે, અહીં બાળકોને સંસ્કૃતિ સાથેનું શિક્ષણ આપવામાં આવે છે. જેના થકી બાળકોનો સુદ્રઢ વિકાસ થઇ યોગ્ય દિશામાં આગળ વધી શકશે. આ પ્રકારના વાર્ષિકોત્સવ વિદ્યાર્થીઓમાં રહેલી આવડત, આત્મવિશ્વાસ, કૌશલ્ય તથા ઉત્સાહને ઉજાગર કરે છે, ત્યારે ગૌરાંગભાઈએ દરેક વિદ્યાર્થીઓ પોતાના શ્રેષ્ઠ લક્ષ્યાંક પાર કરે તે માટે સખત મહેનત કરવા અનુરોધ કર્યો.
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી ચેતભાઈ ઠાકોરે સંબોધતા જણાવ્યું કે, દેશનો આ અમૃતકાળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસનો અમૃત મહોત્સવ બની રહેશે. “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ” સાથે માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દરેક સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે, ત્યારે બાળકો ઉત્તમ શિક્ષણ અને મૂલ્યવાન સંસ્કારો થકી બાળકો જીવનમાં ખુબ જ પ્રગતિ કરી શાળા, માતાપિતા અને સમાજનું નામ રોશન કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
આ વાર્ષિકોત્સવમાં શાળાના બાળકો અને તેમના માતાપિતા, શિક્ષકગણ સહિત સ્ટાફ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.