*મણિનગરમાં ઉજવાઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ૨૩૯ મી પ્રાગટ્ય છઠ્ઠી*… *શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ મંદિરો મુંબઈ, ભૂજ, કડી, બાવળામાં પણ આ પર્વ ઉજવાયું*.

ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આજના પાવન દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો હતો. અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં તેમનું નામ ઘનશ્યામ. પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિમાતા હતું. બાળપણમાં તેમણે કાલીદત્ત જેવા અનેક અસૂરોનો નાશ કર્યો. ત્યારબાદ અનેક જીવોના ઉદ્ધારાર્થે સંસારનો ત્યાગ કરીને ૭ વર્ષ ૧૧ માસ, ૧૧ દિવસ સુધી પગપાળા તીર્થાટન કરતાં ભારતમાં આશરે ૧૨,૦૦૦ કિમીની યાત્રા કરી. ત્યારે તેઓ નીલકંઠવર્ણી નામે ઓળખાયા.
પીપલાણા મુકામે શ્રી રામાનંદ સ્વામીએ ૧૮૫૭ના કારતક સુદ અગિયારસ (તા. ૨૮ ઓક્ટોબર ૧૮૦૦)ના શુભદિને વર્ણીને ભાગવતી મહાદીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એમ બે નામો પાડ્યાં અને પોતાની સેવામાં રાખ્યા.
રામાનંદ સ્વામી અંતર્ધાન થયા તેના ચૌદમા દિવસે સહજાનંદ સ્વામીએ પોતાનું સર્વોપરી એવું ‘સ્વામિનારાયણ’ નામ પ્રસિદ્ધ કર્યું. ત્યારથી સૌ સંતો-હરિભક્તો સ્વામિનારાયણ નામનું ભજન, સ્મરણ કરવા લાગ્યા અને ત્યારથી સંપ્રદાય એ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ પામ્યો અને ત્યાર પછી તેઓ સહજાનંદજી સ્વામીને સૌ શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામથી ઓળખવા લાગ્યા.
સમાજમાં ઘર કરી ગયેલા વ્યસનોમાં ફસાયેલા લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સદુપદેશથી વ્યસનોથી મુક્ત કરી સંસ્કારી, સત્સંગી અને સાચા અર્થનમાં માનવજીવન જીવતા કર્યાં.
તે સમયના વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જનહિતાર્થના કાર્યો અને સમાજની ઉન્નતિને બિરદાવતાં કહ્યું હતું કે જનતાને વ્હેમના જાળા, કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનાદિકથી મુક્ત કરવી હોય તો દરેક ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિર બાંધવા જોઈએ. રાજ્ય કાયદાકાનૂનથી જે કાર્ય નથી કરી શક્યું તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉચ્ચ ઉપદેશો અને કાર્યો કરી શક્યાં છે. આ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને જનસમાજમાં નીચલા થરને પણ વ્યસનમુક્ત બનાવી સમાજમાં સારું સ્થાન આપ્યું અને સર્વ પ્રજા પ્રત્યે સમભાવ રાખી ઉચ્ચ-નીચના ભેદભાવ વિના સર્વને પ્રેમથી અપનાવ્યા.
લૂંટફાટથી પ્રજાને રંજાડતા અને આખાય ગુજરાતમાં કાળો કેર વર્તાવનાર ઉપલેટાના વેરાભાઈ અને વડતાલના લૂંટારા જોબન પગીને શ્રી સ્વામિનારાયણ ભગવાને સદાચારી બનાવ્યા.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનો ૨૩૯ મો પ્રાગટ્યોત્સવ તા.૨-૪-૨૦૨૦ ના શુભ દિને ઉજવવામાં આવ્યો હતો. આજે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્યની છઠ્ઠી પણ ઉજવવામાં આવી હતી. જોકે, વર્તમાન કોરોના પ્રકોપને પગલે ઘરે બેઠાં આ પર્વ-ઉત્સવની ઉજવણી થઈ હતી અને ઘરે બેઠાં આફતમાંથી સૌની રક્ષા થાય તે માટે પ્રાર્થના પણ કરાઈ હતી.
ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને લોકડાઉનને લીધે કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં
સાદાઇ અને ભક્તિસભર શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય જયંતીની છઠ્ઠીની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી તેમજ નીતિનભાઇ પટેલ તથા આપણાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે. તેઓ જે કાંઇ સૂચન કરે તે સ્વીકારી, હિંમત રાખી, આ કોરાના મહામારીનો જલ્દી નાશ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૩૯મા પ્રાગટ્ય પર્વની છઠ્ઠીની ઉજવણી પરમ ઉલ્લાસભેર શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર સિવાય મુંબઈ, ભૂજ, કડી, બાવળા વગેરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં સંતો એ કરી હતી. પ્રાગટ્ય છઠ્ઠી પર્વે પૂજનીય સંતોએ ઉત્સવ કર્યો હતો. અને થાળ ધરાવી, આરતી બાદ મહામંત્રની ધૂન સાથે આ પર્વની ઉજવણીની પૂર્ણાહુતિ કરી હતી.