કોરોનાના વધતા સંક્રમણને લઈ GCAએનો નિર્ણય: અમદાવાદમાં હવે પ્રેક્ષકો વિના રમાશે બાકીની T-20 મૅચ. ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં..

અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝની અંતિમ ત્રણ ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમાઈ રહી છે. જેમાં બે મેચ રમાઈ ચુકી છે. હવે 16, 18 અને 20 માર્ચે આગામી ત્રણ ટી20 મેચ રમાવાની છે. હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને સૌથી મોટો નિર્ણય લીધો છે. બાકીની ત્રણેય મેચ હવે બંધ બારણે રમાશે. આ મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો થઈ રહ્યો છે.

આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને 10 વાગ્યે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.