ભારતીય નેવલ શીપ સરદાર પટેલ, પોરબંદર પર દરિયાકાંઠાની સુરક્ષા અંગે વર્કશોપ યોજાશે

અમદાવાદ: ગુજરાતમાં 1640 કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં, રાજ્યમાં 102 મુખ્ય સૂચિત લેન્ડિંગ પોઇન્ટ્સ છે. અહીંના માછીમારો નિયમિત સુયોજિત દરિયાકાંઠાના સમુદાયોની બહાર સૌથી મોટો ‘દરિયાખેડૂ’ સમુદાય બનાવે છે અને દરિયાકાંઠાની સુરક્ષા માટે તેમને આપવામાં આવેલી ‘આંખ અને કાન’ તરીકે ઓળખ ખરેખરમાં યોગ્ય છે.

ગુજરાતના સંવેદનશીલ ભૌગોલિક સ્થાન અને માછીમારો દ્વારા અવારનવાર અજાણતા IMBL ઓળંગવામાં આવતી હોવાની બાબતને ધ્યાનમાં રાખતા, માછીમારો જ્યારે માછલીઓ પકડવા માટે બહાર જાય ત્યારે તેમણે શું કરવું અને શું ના કરવું તે વિશે સમજણ આપવાની ઘણી જરૂરિયાત લાગતી હતી. તેમજ, તમામ હિતધારકો વચ્ચે તાલમેલ બેસાડવા માટે અને સુરક્ષા એજન્સીઓ સાથે માછીમારો સંવાદ કરી શકે તે માટે તેમને એક પ્લેટફોર્મ આપવા અને રાજ્યના દરિયાકાંઠાની સુરક્ષાને વધુ વેગ આપવા માટે 09 માર્ચ 2021ના રોજ INS સરદાર પટેલ પોરબંદર ખાતે ભારતીય નૌસેના દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા વર્કશોપ (CSW)નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દરિયાકાંઠાની સુરક્ષા સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો એટલે કે, ભારતીય નૌસેના, તટરક્ષક દળ, સમુદ્રી પોલીસ અને કસ્ટમ્સ તેમજ આ કાર્યક્રમ માટે પ્રાથમિકરૂપે લક્ષિત પ્રેક્ષકો એવા સ્થાનિક માછીમારો ભાગ લેશે.
આ કાર્યક્રમ દરમિયાન, ગુજરાતમાં દરિયાકાંઠા પ્રદેશની સુરક્ષા જાળવવા માટે તમામ એજન્સીઓ દ્વારા અમલમાં મુકવામાં આવેલા વિવિધ પગલાં દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વાર્તાલાપ પણ કરવામાં આવશે જેથી સ્થાનિક માછીમારોને સમયસર માહિતી આપવામાં/પ્રાપ્ત થવામાં સુરક્ષા એજન્સીઓ સાથે સહયોગ કરવામાં જે સમસ્યાઓ પડતી હોય તેની પણ ચર્ચા થઇ શકે. વધુમાં, ભારતીય નૌસેનાની ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ તેમજ દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા શસ્ત્રોથી પણ માછીમારોને પરિચિત કરવામાં આવશે.