તટરક્ષક દળ દ્વારા પોરબંદર ખાતે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ 2021નું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ: રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાન (NOSDCP)ને અનુરૂપ પોરબંદર ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1 દ્વારા પોરબંદર ખાતે 09 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2021 દરમિયાન જિલ્લા સ્તરે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ- 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઇલ પ્રદૂષણની ઘટનાઓ માટે પ્રતિક્રિયા વ્યવસ્થાતંત્રની પુનઃચકાસણી માટે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાનને વધુ શ્રેષ્ઠ કરવા માટે ભારતીય તટરક્ષક દળને સમર્થ બનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા હેડક્વાર્ટર નંબર 1 (ગુજરાત) ના કમાન્ડર DIG એસ.કે. વર્ગીસે આ વર્કશોપનુ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરના નાયબ કમિશનર (કસ્ટમ્સ), જામનગરના નાયબ વન સંરક્ષક, ગુજરાત મેરિટાઇમ બોર્ડના બંદરો અને અન્ય ગૌણ બંદરોના અધિકારીઓ, પેટ્રોકેમિકલ ઉદ્યોગોના અધિકારીઓ અને અન્ય હિતધારકોએ ભાગ લીધો હતો. આ વર્કશોપનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. તબક્કા-1માં ઓઇલ સ્પિલની ઘટના જેવી જ આભાસી ઘટનાની ટેબલ-ટોપ કવાયત હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજા તબક્કામાં ઓઇલ સ્પિલ એટલે કે ઓઇલ ઢોળાવાની ઘટનામાં નિયંત્રણ અને ઢોળાયેલા ઓઇલને પાછુ લેવા માટે ઓનબોર્ડ ઉપલબ્ધ ઓઇલ સ્પિલ ઉપકરણોનું પ્રેક્ટિકલ પ્રદર્શન ICGS સમુદ્ર પાવક દ્વારા કરવામાં આવ્યું હતું.
તબક્કા-1 દરમિયાન, ભારતીય તટરક્ષક દળ અને હિતધારકો દ્વારા વિવિધ લેક્ચર્સ અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારપછી પોરબંદર નજીક ઓઇલના ટેન્કરમાંથી ઓઇલ ઢોળવાની ટેબલ-ટોપ કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં 700 ટન ટીઅર-I ઓઇલ ઢોળાઇને ફેલાતું હોવાની જાણ કરવામાં આવી હતી. સહભાગીઓએ આ માટે પગલાં લેવાની કવાયત હાથ ધરી હતી જેમાં ઓઇલ ઢોળાવાના અકસ્માતના કિસ્સામાં દરિયાકાંઠાના રાજ્ય, બંદરોની સુવિધા અને જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ હિતધારકોની કાર્યદક્ષતાની ખાતરી કરવામાં આવી હતી.
તબક્કા-II દરમિયાન, ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવક દ્વારા સમુદ્ર/નદી બૂમ, સાઇડ સ્વેપિંગ આર્મ્સ, સ્કિમર્સ અને સ્પિલ સ્પ્રે આર્મની કામગીરી તેમજ ઓઇલ સ્પિલના નિયંત્રણ, રિકવરી અને તેને અટકાવવા માટેની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.