જામનગરમાં ભાજપમાં ભંગાણ: પૂર્વ ડેપ્યુટી મેયર સહિત અન્ય બેએ આપ્યા રાજીનામા. પૂર્વ ડેપ્યુટી મેયર આપમાં જોડાયા.
જામનગર: મનપાની ચૂંટણી માટે યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે કેટલાય અનુભવીઓના પત્તા કપાતા તેમનામાં રોષની લાગણીઓ જોવા મળી રહી છે. જામનગર શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુર સાથે પણ અન્યાય થતા તેઓ દ્વારા બીજેપી કાર્યાલય ખાતે જઇ બીજેપીમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. છેલ્લા 5 ટર્મથી ચૂંટાઈ આવનાર ભાજપમાંથી સૌથી પ્રથમ રાજીનામુ આપનાર કરશન કરમુર વિધિવત રીતે આપમાં જોડાયા હતા. કરમુર વોર્ડ નંબર 5 માંથી છેલ્લા 25 વર્ષથી ચૂંટાતા આવે છે. ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે ચૂંટણી ભારે રસપ્રદ બની રહે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. જામનગરમાં મનપા ટિકિટની ફાળવણી ને લઈ કોર્પોરેટરોમા ભારે નારાજગી અને બળવાની આગ જોવા મળી રહી છે. કરમુરના રાજીનામાં બાદ અન્ય બીજા બે શહેર પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર દ્વારા પણ રાજીનામુ આપી દેવામાં આવતા ચૂંટણી જંગમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને ભાજપમાં ભગાભાગીનો દોર શરૂ થઈ ગયો છે અને હજુ પણ ઘણા લોકોના રાજીનામાં પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
કરશન કરમુર આહીર સમાજમાં મોભીનું સ્થાન ધરાવે છે અને છેલ્લા 5 ટર્મથી ચૂંટાતા આવે છે અને વોર્ડ નંબર 5માં પ્રજાના કામો કરવા માટે જાણીતા છે પાર્ટી દ્વારા તેમને એકદમ ટીકીટ આપવામાંથી બાકાત કરી દેતા તેમના કાર્યક્રઓમાં નારાજગી જોવા મળી હતી. તેમના જણાવ્યા મુજબ તેઓ એન્જીન બની છેલ્લા 25 વર્ષથી ચૂંટાઈ આવે છે અને મારી સાથે જોડાનાર ડબ્બાઓ પણ જીત મેળવતા હતા પરંતુ પાર્ટીએ એવો અન્યાય કર્યો છે કે જેઓ લોકો દારા બળવો કે વિરોધ કરવામાં આવ્યો તેઓના પરિવારજનોના સભ્યોને ટીકીટ આપવામાં આવી છે જ્યારે જેઓ સાચા અર્થમાં કામ કરે છે અનુભવ અને પ્રમાણિકતા ધરાવે છે તેઓને ભાજપ દ્વારા બનાવેલ નિયમોના આધારે બાકાત કરાયા છે જે યોગ્ય ન કહી શકાય. આજે મારા વોર્ડના કામો અને પ્રજાના સહિયારે જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂંટણી લડવા જઇ રહ્યો છું જેમાં મને વોર્ડની પ્રજાનો પૂર્ણ સહકાર છે અને અમારી પેનલ વિજયી બનશે તેવી આશા અમારી દ્રઢ છે.