જામનગર સ્થિત બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 72મા પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી

જામનગર સ્થિત બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 72મા પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી.

જામનગર: જામનગરમાં આવેલી બાલાછડી સૈનિક શાળા દ્વારા ઑનલાઇન માધ્યમથી 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પહેલા બાલાછડી સૈનિક શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે યુદ્ધ સ્મારક શૌર્ય સ્તંભ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને ભારતનો તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રજાસત્તાક દિવસ પર આધારિત એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

ધોરણ -9ના કેડેટ ક્રિશ નિનામા અને ધોરણ -10ના કેડેટ ઋષભ વાઝાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અનુક્રમે હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અને મહાનતા વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ કેડેટ્સ તેમજ સ્ટાફે રાષ્ટ્રભક્તિના ગીતો ગાયા હતા. ધોરણ -12ના કેડેટ્સે ઑનલાઇન માધ્યમથી દેશના બહાદુર સૈનિકોના માનમાં દેશભક્તિ કવિતાઓ ગાઇ હતી. સ્કૂલ કેડેટ કેપ્ટન અમીત રૌશન અને કેડેટ દિવ્યાંગ ભાર્ગવે પાસિંગ આઉટ કોર્સ સંસ્મરણમાં તેમની સાત વર્ષની યાદો પ્રતિબિંબિત કરી હતી. ધોરણ -12ના વિદ્યાર્થીઓ દ્વારા વર્ચ્યૂઅલ માધ્યમથી કેન્ડલ પાસિંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમનું એન્કરિંગ ધોરણ -9ના કેડેટ દિવાંશુ યાદવ અને કેડેટ ક્રિશ ફ્રાન્સિસ દ્વારા કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિએ આ પ્રસંગે આપેલા સંબોધન વખતે કેડેટ્સ, સ્ટાફ અને તેમના પરિવારજનોને ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશભક્તિની ભાવના તેમજ રાષ્ટ્ર પ્રત્યે જોડાયેલા રહેવાની લાગણી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કેડેટ્સને દેશ માટે બંધારણની જરૂરિયાતને સમજવાનું કહ્યું હતું અને તેમના દૈનિક જીવનમાં બંધારણની મૂળભાવનાને આત્મસાત કરવા કહ્યું હતું. કેડેટ્સ દ્વારા શાળાના ગીતના ગાન સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.