Good Morning Wednesday
હેરાફેરીમાં પરેશ રાવલ કહે છે કે ચશ્મેવાલે ચોર નહીં હોતે…સમજ્યા? ચશ્મા, લેન્સિસ કે સ્પેક્ટ પહેરવામાં ફાયદા છે. બ્રાન્ડ મેનેજમેન્ટના જાણકારો મુજબ,જો તમારે ઇમાનદાર અને વિશ્વાસુ માણસની ઇમેજ બનાવવી હોય તો ડિઝાઇનર સ્પેક્ટસ્ પહેરવા પડે. સ્ટાઇલિશ ક્રિસ્ટલ ક્લિયર ચશ્મા પહેરવાથી ઇન્ટલિજન્ટ અને ભદ્ર વર્ગમાંથી આવો છો એવો હોવાનો દેખાડો કરાય. તમે ખતરોં કે ખેલાડી છો એ ફિલ્મી સ્ટાઇલથી ડાર્ક સ્પેક્ટસ્ પહેરવાથી ઇમેજ બનાવી શકાય. તમે રીચ અને બ્રાન્ડેડ ચીજોના શોખીન જીવડા છો એવું સાબિત કરવા બ્રાન્ડેડ સ્પેક્ટસ્ પહેરવાનું ચાલુ કરી દો.
ચશ્માના ફાયદા ઝીણી આંખોવાળા ચીનાઓ પાસે શીખવા જેવા. પાંચસો સાતસો વર્ષ પહેલાં ચીનમાં ગુનેગારો આંખોનો ભાવ છૂપાવવા જજ સામે રંગીન ચશ્મા પહેરીને જતાં, ઝીણી આંખના ચીનાઓને આજેય કોઇ સમજી શક્યું છે?
વીસમી સદીના પ્રારંભ સુધી ચશ્મા મેડીસીન ગણાતા, ધીમે ધીમે ફેશન બનતાં ગયાં. સાઇઠ ગ્રામ સોનું અને એકાવન ડાઇમન્ડ સાથે ત્રણ કરોડ રૂપિયાના સ્વિસ ગોગલ્સ માર્કેટમાં અવેલેબલ છે, એમાં કંઈ અલગ દેખાતું હશે? 1930માં બનેલા Ray-ban Aviator આજે પણ સૌથી વધુ વેચાતા પોપ્યુલર ગોગલ્સ છે, વેડિંગ શુટિંગમાં જોઈ લો….
ચશ્મા પુરાણના થયેલા અભ્યાસ મુજબ એકલા અમેરિકાના 75% લોકોને ચશ્માની જરૂર છે, મોટાભાગની મહીલાઓ કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. અમેરિકામાં 35 અબજ ડોલરનું સ્પેક્ટસ્ નું માર્કેટ છે, હોય જ ને? અમેરિકનોથી વર્ષે પચાસ લાખ નંગ ચશ્મા એક યા બીજા કારણે તૂટી જાય છે.
ચશ્માના ગ્લાસ તોડીને સંશોધનો કરાય. વયસ્કોએ નજીકના અને દૂરની દ્રષ્ટિના બે ચશ્મા રાખવા પડતા, એ ત્રાસથી કંટાળીને બંનેના ટુકડા જોડીને વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલિને બાયફોકલ લેન્સ શોધી નાખ્યો. તોડજોડ કા ફન્ડા…
વ્યક્તિ એ પોતાની ઓળખ કે બ્રાન્ડ બનવા સ્પેક્ટસની સ્ટાઇલ કેવી રાખવી એ મસ્ત સબ્જેક્ટ છે, ચશ્મા અલગ ઓળખ કરાવી શકે. આપણા ગાંધી બાપુ, હેરી પોટર કે બેન્જામિન ફ્રેન્કલિન ગોળ કાચના ચશ્મા પહેરીને પ્રતિભાશાળી દેખાતાં. બિલ ગેટ્સ કે સ્ટિવ જોબ્સના ચશ્માની ડિઝાઇન દુનિયા જીતવા નીકળેલા આંતરપ્રિન્યોરની હતી. કાર્લ માર્ક્સ, આઇન્સ્ટાઇન હોય કે આપણા સુભાષબાબુની ઓળખ સાથે ચશ્મા જોડાયેલા રહ્યા.
હોલિવૂડની મેટ્રિક્સ ફિલ્મમાં બધા જ એક્ટર સનગ્લાસ પહેરીને ફરતાં, પણ એકબાજુ વાળા રાઉન્ડ ગ્લાસ રાખતાને સામી પાર્ટીના લંબચોરસ… આપણી પોલિટિકલ પાર્ટીઓએ ટોપી સાથે ચશ્માની ડિઝાઇન પર વિચારણા કરી શકાય.
વયસ્કોને વાંચવા માટે આશરે હજાર વર્ષ પહેલાં કાચના ગોળા જેવા ટુકડાનો ઉપયોગ થતો, ઇટલીના પિસામાં 1284માં લાકડા, તાંબા, હાડકા, શીંગડા વગેરેના ઉપયોગથી ભારેખમ ફ્રેમ બની, એમાં ગ્લાસ બેસાડ્યા. આ ચશ્મા ચહેરા પર સરકી જતાં. છેક સત્તરમી સદીમાં કાન નાકનો ઉપયોગ કરીને ચશ્મા બન્યા.
શરૂઆતમાં ચશ્મા સમૃદ્ધિ અને ઉચ્ચ વર્ગનું પ્રતીક હતું. અંતે ઓગણીસમી સદીથી ઔદ્યોગિક વિકાસને લીધે ચશ્મા લોકભોગ્ય બન્યા.
ચશ્માંની દુનિયામાં ભારત ક્યાં? ગુજરાતી શબ્દ ચાલીસી છે, એ ચશ્મા સાથે જોડાયેલો હતો. સંસ્કૃતમાં ચશ્મા માટે સુંદર શબ્દ છે ‘ઉપ-લોચન’. સંશોધનો મુજબ પોર્ટુગીઝ ભારતમાં ચશ્મા લાવ્યા અને પંદરમી સદીના મુઘલયુગના લઘુ ચિત્રમાં ચશ્મા જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો મુજબ પોર્ટુગીઝ ભારત આવ્યા તે પહેલા વિજયનગર સામ્રાજ્યમાં ચશ્માનો રિવાજ હતો. ચૌદમી સદીના પ્રારંભમાં આપણે ગ્લાસ એક્સપર્ટ કરતાં. કદાચ એવું પણ હોય કે દક્ષિણ ભારતથી ચશ્મા ઇરાની વેપારીઓ દ્વારા યુરોપ પહોંચ્યા હોય…. એક તથ્ય પ્રમાણે સિલોનમાં 1350ના દાયકામાં ભારતીય આર્કિટેક દેવનારાયણે ચશ્મા બનાવ્યા હતાં.
ચાલો, ચશ્મા પુરાણ ઇતિ….રાજ કપૂરનું પોપ્યુલર સોંગ, “ચશ્મા ઉતારો ફિર દેખો યારો….કીતના બડા બિઝનેસ હૈ બાબા….”
લેખન અને સંકલન
Deval Shastri🌹