ધન્ય છે દેશની દીકરીઓને.. “અંગદાન એ જ મહાદાન”ના મંત્રને સાર્થક કરી મૃતક માતાના અંગોનું દાન કરી માતાની યાદોને જીવંત બનાવી..
અમદાવાદ: “દિકરીઓ લગીરેય દિકરાઓથી ઉણી ઉતરતી નથી અને જરૂર પડ્યે દિકરીઓ દિકરાઓની તુલનાએ વધુ મક્કમતાથી નિર્ણય લેતી હોય છે” – આ વાતનું જ્વલંત ઉદાહરણ અમદાવાદ સિવિલમાં જોવા મળ્યું હતું.
અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનની ત્રણ દિકરીઓએ બ્રેઇનડેડ જાહેર કરાયેલી માતાને માત્ર ફોટોફ્રેમ અથવા સ્મૃતિમાં સાચવવાના બદલે તેમના અંગોનું દાન કરી અન્ય 3 દર્દીને જીવનદાન આપી સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. મીનાબહેનના સંતાનોના આ પ્રેરણાદાયી કાર્યએ ગુજરાત સરકારના અંગદાનના પ્રયાસોને વધુ બળકટ બનાવ્યાં છે.
કહેવાય છે કે જીવન એક વરદાન છે, અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવું એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. આજના સ્વાર્થભર્યાં યુગમાં કોઇની મદદ ન કરવાની હોય તેમાં હિંમત નથી જોઇતી, પણ કોઇની મદદ કરવાની હોય ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે. સામાન્ય રીતે અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનના અભાવે પુરુષો પણ જે નિર્ણય લેવાની હિંમત કરી શકતા નથી, તે અંગદાનનો નિર્ણય મીનાબહેનની ત્રણ દિકરીઓએ લઇને જે હિંમત દર્શાવી છે તે આપણા સમાજને સ્પષ્ટ સંદેશો આપે છે કે “દિકરીઓ લગીરેય દિકરાઓથી ઉણી ઉતરતી નથી અને જરૂર પડ્યે દિકરીઓ દિકરાઓની તુલનાએ વધુ મક્કમતાથી નિર્ણય લેતી હોય છે.”
અંગ દાન કરનાર મીનાબેનના પરિવારમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે. અમદાવાદ શહેર ચાણક્યપુરી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી 48 વર્ષીય મીનાબહેન ઝાલાને 19 જાન્યુઆરી, 2021ના દિવસે બ્રેઈનડેડ જાહેર કરાયા હતાં. તબીબોએ ગુજરાત સરકારના અંગદાન કાર્યક્રમ હેઠળ અંગદાન કરવા માટે મીનાબહેનના પરિવારજનોને સમજાવ્યા હતા.સિવિલના તબીબો અને કાઉન્સીલરોએ તેમના પરિવારજનોનું કાઉન્સેલીંગ કર્યુ. આખરે મીનાબહેનની ત્રણ પુત્રીઓએ માતાની યાદોને ચિરસ્મરણિય બનાવવાનો નિર્ણય લીધો હતો અને માતાના અંગોના પ્રત્યારોપણ માટે સહમતિ દર્શાવી હતી.
સ્વજનોએ સહમતિ આપ્યા બાદ અમદાવાદ સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટર ખાતે અંગોને રીટ્રાઇવ કરીને પ્રત્યારોપણ દ્વારા 3 જિંદગીમાં સ્મિત ઉમેરાયું હતું. મીનાબેનના લીવરને જામનગર જિલ્લાના 15 વર્ષના બાળકને અને બંને કિડનીનું સુરેન્દ્રનગરના 30 અને 35 વર્ષની ઉંમરના વ્યક્તિમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. મીનાબહેનના અંગો – બે કિડની અને એક લીવર દ્વારા કુલ ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિના સતત અને પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ છેલ્લા થોડા સમયમાં સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ અંગદાનની પ્રવૃત્તિનો પ્રસાર વધ્યો છે. રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદીના વડપણ હેઠળ સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની કામગીરીએ વેગ પકડ્યો છે.
સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે અમારા સિવિલ હોસ્પિટલ તંત્રની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.અમારા સિનિયર તબીબો અને કાઉન્સીલરો દ્વારા દર્દીના સગાને અંગદાન માટે પ્રેરવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે જેમાં અમારી સિવિલ હોસ્પિટલને જવલંત સફળતા મળી છે. ફક્ત એક મહિનાના ટૂંકા ગાળામાં 3 બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી છે.આ અંગદાન દ્વારા 7 વ્યક્તિઓના જીવ બચાવી શકાયા છે.
ગુજરાત સરકારે બ્રેઇનડૅડ થયેલ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કરવાનો માનવ સેવાનો જે યજ્ઞ છેડ્યો છે અને હવે આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા છે.