દિલ્હીમાં ‘મોઢેરાનું સૂર્યમંદિર’
ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વય સમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક દિલ્લીમાં યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં જોવા મળશે. પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર લોકો નીહાળી શકશે. 26મી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડમાં રાજ્ય સરકારના ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ટેબ્લોની પરિકલ્પના અને પ્રસ્તુતિ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની સમર્પિત મહેનતથી તૈયાર કરેલો આ ટેબ્લો ગુજરાતની ઝાંખી ઉજાગર કરશે.
*સૂર્ય મંદિરનો ઈતિહાસ*
આજથી આશરે એક હજાર વર્ષ પહેલા 1026-27માં સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક પુષ્પાવતી નદીના કાંઠે આવેલું સૂર્ય મંદિર, તૈયાર કરવામાં આવ્યું છે, એવું માનવામાં આવે છે કે મોઢેરાનું સૂર્ય મંદિર ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર કરતાં પણ પહેલા બન્યું છે. મરુ-ગુર્જર શૈલીને ઉજાગર કરતાં સૂર્ય મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે. મંદિરમાં 52 નકશીદાર સ્તંભો છે, જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે.
*ટેબ્લોની વિશેષતા*
ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે. ટેબ્લો પર અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સુર્યમંદિરનું હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્ષ્ચર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શિલ્પકાર, ચિત્રકાર, કારીગરો સહિત 60 જેટલા કલાકારો અત્યારે નવી દિલ્હીમાં આ ટેબ્લોને આખરી ઓપ આપી રહ્યા છે. મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે 12 મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઉઠશે.