રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમા અપક્ષો ની પેનલની જાહેરાતનો ફીયાસ્કો
વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવારને પૂછ્યા વગર તેના નામની જાહેરાત સોશિયલ મીડિયામા કરી દેતા વિવાદ.
ઉમેદવારે જાતે લેખિત નિવેદન આપી પોતાનુ નામ રદ કરાવતા જાહેરાતનો ફીયાસ્કો
રાજપીપળા, તા18
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં ગમે ત્યારે જાહેર થાય તેમ છે .ત્યારે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોમા ભરશિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. એક તરફ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને દરેક વોર્ડ મા ઉભા રાખવાની મથામણ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રાજપીપળા નગરમાં અપક્ષો પણ પોતાનું જોર લગાવી રહ્યા છે.જેમા કેટલાક આગેવાનો તમામ વોર્ડમા પોતાના ઉમેદવારો ઊભા રાખી અપક્ષોની આખે આખી પેનલ બનાવવા જઈ રહ્યા છે. જેમાં તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારોને ઉભા રાખવા પેનલ બનાવાઇ રહી છે .
જેમાં આજરોજ સોશિયલ મીડિયામાં કેટલાક અપક્ષ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી .જેમાં વોર્ડ નંબર ચાર (4) છ (6)અને વોર્ડ નંબર સાત(7) ના કુલ ૧૧ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જોકે વોર્ડ નંબર છ(6) માં સોશિયલ મીડિયામાં જાહેર કરેલ ઉમેદવાર નિમેષભાઈ ચંદ્રકાન્ત પંડયાનું નામ જાહેર કરાતા આ અંગે વિવાદ સર્જાયો હતો.આ અંગે નિમેશભાઈ પંડ્યાએ જાતે પોતાનું લેખિત નિવેદન સોશિયલ મીડિયામાં સામે જાહેર કરી પોતાને પૂછ્યા વગર નામ જાહેર કરી દેતા વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે સ્પષ્ટતા કરતા નિમેષભાઈ પંડ્યાએ એક લેખિત નિવેદન સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું. અને વાંધો ઉઠાવતાં જણાવ્યું હતું કે હું નિમેષ ચંદ્રકાન્ત પંડયા આજરોજ મીડિયા અને વોટ્સએપ પર જે પેનલમા અપક્ષ ઉમેદવાર તરીકે મારૂનામ જાહેર કરવામાં આવેલ છે .જે બાબતે જણાવવાનું કે હાલના સંજોગોમાં આ જાહેરાત મને યોગ્ય લાગતી નથી .તો સદર પેનલમાંથી મારું નામ રદ કરવા માટે હું જાણ કરું છું .હવે પછી મારો કોઈ પણ નિર્ણય હશે તે હું જાતે જાહેર કરીશ.એમ લેખિતમાં સોશિયલ મીડિયામાં જાણ કરી ઉમેદવારે પેનલમાંથી પોતાનું નામ રદ કરવાની જાહેરાત કરતા ચકચાર મચી જવા પામી છે .
આ અંગે નિમેષભાઈ પંડ્યાને પૂછતા તેમણે જણાવેલ કે આ અંગે મને પૂછ્યા વગર કે મને કોઈપણ જાતની જાણ કર્યા વગર સોશિયલ મીડિયામાં મારુ નામ જાહેર કર્યું છે .તેની સામે મારો વાંધો છે.
આમ પેનલ ઉમેદવારો ની જાહેરાતનો રીતસર નો ફીયાસ્કો થઇ જવા પામ્યો હતો.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા