20 જાન્યુઆરીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાશે

20 જાન્યુઆરીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી શિવરાજપુર બીચ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાશે

દેવભૂમિ દ્વારકા: રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વરાકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 20 જાન્યુઆરીના રોજ બપોરે 10:00 કલાકે પ્રવાસી સુવિધાઓની કામગીરીનું ખાતમુહર્ત કરાશે.

શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત આશરે રૂ. 20 કરોડના ખર્ચે અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ઈલેક્ટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાથી 11 કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચને ‘બ્લુ ફ્લેગ બીચ’માં સ્થાન પ્રાપ્ત થયું છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં ગુજરાતના પ્રવાસનને વેગ પ્રાપ્ત થયો છે.

શિવરાજપુર બીચ સહિત ભારતના 8 બીચને પણ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે.
ડેન્માર્કમાં કાર્યરત નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ‘ધ ફાઉન્ડેશન ફોર એનવાર્યમેન્ટ એજ્યુકેશન’ દ્વારા 11 ઓક્ટોમ્બરના રોજ ‘બ્લુ ફ્લેગ બીચ’નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગએ વિશ્વનું સૌથી માન્યતા પ્રાપ્ત વોલન્ટરી ઈકો-લેબલ છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા માટે વોટર ક્વોલિટી, એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ, એન્વાર્યમેન્ટ એજ્યુકેશન એન્ડ ઈન્ફોર્મેશન, સેફ્ટી એન્ડ સર્વિસ સહિતની મુખ્ય 4 કેટેગરી અંતર્ગત 33 ક્રાઈટેરિયાને ધ્યાને લેવામાં આવે છે.
કુદરતના અદભુત સૌંદર્યનો નજારો શીવરાજપુર બીચ ખાતે જોવા મળે છે. બ્લુ કલરના પાણી સાથે ખૂબ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયાકિનારો જોઈને પ્રવાસીઓ ખુશીથી ઝુમી ઉઠે છે. આંખને શીતળતા આપતો આ બ્લુ દરિયા કિનારો ધરાવતો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે ખુબ જ સુંદર નજારો આપતું સ્થળ બની ગયો છે.
શિવરાજપુર ખાતેનો દરિયાકિનારોએ સ્વચ્છ, સલામત અને મનોહર છે. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો શિવરાજપુર બીચનો વિકાસ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પર્યટન, પર્યાવરણ અને સલામતીનાં માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક ધોરણો (બ્લુ ફ્લેગ) અનુસાર વિકાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે ગુજરાતના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઈ આહિર, જામનગરના સાંસદ શ્રીમતી પુનમબેન માડમ, ટુરિઝમ સેક્રેટરી શ્રીમતી મમતાબેન વર્મા, પ્રવાસન વિભાગના એમ.ડી શ્રી જેનુ દેવાન, દેવભૂમિ દ્વારકાના કલેક્ટરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના સહિત પ્રવાસન ક્ષેત્ર સાથે સંકાળાયેલા નાગરિકો જોડાશે.