*લીલી હળદરનું શાક*

શિયાળાની ઋતુમાં લીલી હળદર મોટે ભાગે દરેક ઘરમાં સલાડમાં ખવાતી હોય છે, જે હેલ્થ માટે બહુ ગુણકારી છે. જેમને હળદરનો સ્વાદ પસંદ નથી, તેમને પણ હળદરનું શાક તો ભાવશે જ લીલી હળદરની પ્રકૃતિ ગરમ છે. તેથી તેનું શાક દેશી ઘીમાં જ બનાવવું. ઘીમાં બનાવેલું શાક જ વધુ સ્વાદિષ્ટ લાગે છે!
*સામગ્રી*
*250 ગ્રા. લીલી હળદર*
*1 વાટકી લીલાં વટાણા*
*1 વાટકી દેશી ઘી*
*1 વાટકી ઝીણાં ચોરસ સમારેલાં કાંદા*
*1 વાટકી સમારેલાં ટમેટાં*
*1 વાટકી લીલું લસણ લીલું લસણ ના મળે તો 10-12 કળી સૂકું લસણ ચાલશે*
*1 વાટકી દહીં*
*2 ટે.સ્પૂન આદુ-મરચાં પેસ્ટ*
*1 ટે.સ્પૂન મરચાં પાવડર*
*1 ટે.સ્પૂન ધાણાજીરું*
*1 ટે.સ્પૂન ગોળ*
*2 ટે.સ્પૂન ધોઈને ઝીણી સુધારેલી કોથમીર*
*રીતઃ હળદરને છોલીને ધોઈ લો. ત્યારબાદ હળદરને છીણી લો*
એક કઢાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે છીણેલી હળદર નાખીને 5 મિનિટ સાંતળો. ત્યારબાદ એમાં લીલું લસણ ઉમેરીને સાંતળો. 2-3 મિનિટ બાદ કાંદા તેમજ આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી દો. કાંદા થોડાં નરમ થાય એટલે વટાણા ઉમેરીને સાંતળો. ગેસની આંચ ધીમી કરી દો. વચ્ચે વચ્ચે શાકને તવેથા વડે હલાવતાં રહો, જેથી હળદર નીચે ચોંટે નહીં.વટાણા ચઢી જાય એટલે એમાં લાલ મરચું પાવડર તેમજ મીઠું ઉમેરી દો. 5 મિનિટ બાદ એમાં ટમેટાં નાખો, ટમેટાં ચઢી જાય એટલે એમાં દહીંને વલોવીને ઉમેરી દો. શાકને સરખું મિક્સ કરીને એમાં ગોળ ઉમેરી દો. ગોળ ન જોઈતો હોય તો નહીં નાખવો. ગેસને ધીમો કરીને કઢાઈ ઢાંકીને 5 મિનિટ માટે થવા દો. ગેસ બંધ કરીને ઉપર કોથમીર ભભરાવી દો.લીલી હળદરનું શાક બાજરીના રોટલા સાથે પીરસો