સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસર અને વિવિધ પ્રવાસન આકર્ષણ કેન્દ્રોના સર્વગ્રાહી વિકાસ અને વ્યવસ્થાપન સંચાલન માટે ૩૧૩ અધિકારી-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં સામાન્ય વહીવટ વિભાગે માળખું મંજૂર કર્યુ
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી-કેવડીયા ઓથોરિટી માટે વિવિધ સંવર્ગના કર્મયોગીઓનું મહેકમ માળખું મંજૂર થયું
તાંત્રિક-ટેક્નિકલ કામગીરી માટે બે અધિક્ષક ઇજનેર સહિત ૧૧ર જગ્યાઓ
વહીવટી કામગીરી માટે ૧ CEO સહિત ર૦૧ જગ્યાઓ
જંગલ સફારી દેખરેખ માટેના સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક સોસાયટી અને વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી બેય સોસાયટી અને બે આઇ એફ એસ અધિકારીઓ સાથેનું જરૂરી મહેકમ ઓથોરિટી માં સામેલ કરાયા
સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થવામાં વધુ વેગ આપવા સુનિશ્ચિત આયોજનોનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પ્રેરક અભિગમ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સરદાર સરોવર બંધ ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી અને વિરાટ સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેકટસના સરળ અમલીકરણ, સંચાલન, જાળવણી માટે ૩૧૩ જેટલા અધિકારીઓ-કર્મચારીઓનું અધિકારીઓ-કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ આ હેતુસર આપેલા દિશાનિર્દેશોને પગલે સામાન્ય વહીવટ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી) હેઠળ વિવિધ સંવગર્નું આ મહેકમ મંજૂર કર્યુ છે
–
રાજપીપલા,તા 23
ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ કેવડીયા અથોરીટી કાર્ય ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી, ચિલ્ડ્રન-ન્યુટ્રિશન પાર્ક, મીરર મેઝ, વેલી ઓફ ફલાવર્સ, વિશ્વ વન, કેકટસ્ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા નર્સરી, ડાઈનોટ્રેઈલ, એકતા મોલ, એકતા ફુડકોર્ટ, એકતા દ્વાર, એકતા ઓડિટોરિયમ, ખલવાણી ઈકો ટુરિઝમ, ઝરવાણી ઈકો ટુરિઝમ, ડેકોરેટિવ લાઈટીંગ, યુનિટી ગ્લો ગાર્ડન, ગરૂડેશ્વર વીયર, ગોરા બ્રીજ, નેવિગેશન ચેનલ, બે જેટ્ટી, એકતા ક્રુઝ, નૌકા વિહાર, રિવર રાફટીંગ, સાઈકલિંગ, હોમ સ્ટે, શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર સરોવર રિસોર્ટ, બીઆરજી બજેટ એકોમોડેશન, ટેન્ટ સિટી-૧ અને ટેન્ટ સિટી-૨ જેવી આવાસ સુવિધાઓનું વ્યવસ્થાપન તથા સોલાર પાવર પ્રોજેકટ, વિવિધ આનુસાંગિક માળખાકીય સુવિધાઓ તથા નાગરિક સુવિધાઓ, ટિકીટીંગ, યુનિટી સ્માર્ટ કાર્ડ, ફ્રી વાઈ-ફાઈ સેવા, વેબસાઈટ, મોબાઈલ એપ જેવી ટેકનોલોજી આધારિત સેવાઓ વગેરે જેવા વિવિધ પ્રવાસન આકર્ષણો માટેના પ્રોજેકટના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, પાર્કીગ, લાઈટ તેમજ લગભગ ૨૫ ચો.કિ.મી. ક્ષેત્રફળનો વ્યાપ ધરાવતા વિશાળ વિસ્તારમાં કરવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ વગેરેના ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ હવે પછી જરૂરિયાત મુજબની વધારાની કામગીરી હાથ ધરવાની બાબતનો સમાવેશ થશે.
આ સમગ્ર કામગીરીના સરળ સંચાલન, વ્યવસ્થાપન અને નિભાવણી માટે જરૂરી એવું તાંત્રિક-ટેક્નિકલ અને વહીવટી-એડમીનીસ્ટ્રેટીવ માળખું મંજૂર કરાયું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જેઓ સામાન્ય વહીવટ વિભાગનો પણ હવાલો ધરાવે છે તેમના દિશા સૂચનમાં પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની વિવિધ ગતિવિધિઓ વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણ બને તે દિશામાં સર્વગ્રાહી આયોજનબદ્ધ પ્રયાસો વેગવંતા બનાવવામાં આવ્યા છે.
તદઅનુસાર, સામાન્ય વહીવટ વિભાગે આ વિવિધ પ્રોજેકટસ માટેના ટેક્નિકલ-તાંત્રિક કામગીરીઓના સંચાલન, વ્યવસ્થાપન હેતુથી બે વર્તુળ કચેરીઓ બે અધિક્ષક ઇજનેરના વડપણમાં ઊભી કરી છે. જેમાં પ્રથમ વર્તુળ કચેરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલન અને જાળવણીની કામગીરી અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રેષ્ઠ ભારત ભવન, ગોરા બ્રીજ નેવીગેશન ચેનલ, બન્ને જેટ્ટી (શ્રેષ્ઠ ભારત ભવન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલી) અને મેન્ટેનંન્સની કામગીરી તથા જુદી જુદી જગ્યાએ સ્લોપ પ્રોટેક્શન માટે કરવામાં આવેલી ગેબીયનની કામગીરી સંભાળશે.
બીજી સર્કલ (વર્તુળ) કચેરી અન્ય તમામ પ્રોજેકટની ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે.
આ બેય કચેરીઓમાં બે અધિક્ષક ઇજનેર સહિત ૪, કાર્યપાલક ઇજનેર (સીવીલ) ૧, કાર્યપાલક ઇજનેર (ઇલેકટ્રીકલ) સહિત ૧૧ર વ્યક્તિઓ કામકાજ સંભાળવાના છે.
સરદાર સરોવર નર્મદા નિગમના વર્તમાન માળખામાંથી વિવિધ સંવર્ગના ૬૧ જેટલા કર્મીઓ તેમની આનુષાંગિક કચેરી સુવિધા સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટીના નિયંત્રણમાં તબદીલ કરવામાં આવ્યા છે.
અન્ય પ૧ જગ્યાઓ વિવિધ વિભાગોમાંથી તબદીલ કરીને આ ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના સમગ્ર વિસ્તારના સતત થઇ રહેલા વિકાસ તથા નજીકના ભવિષ્યની જરૂરીયાતોને પહોચી વળવા ઉપરાંત વહીવટી, હિસાબી, કાયદો વ્યવસ્થા, મહેસૂલી, તબીબી, ટાઉન પ્લાનીંગ, અગ્નિશમન-ફાયર ફાઇટીંગ-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનીટેશન જેવી તમામ બાબતોની વહીવટી કામગીરી માટે ર૦૧ જગ્યાઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે
આ વહીવટી માળખામાં એક CEO ઉપરાંત બે અધિક કલેકટર સહિતના મહેસૂલી, આરોગ્ય, પ્રવાસન, અગ્નિશમન, ટાઉન પ્લાનીંગ વગેરે વિભાગોના અધિકારી-કર્મયોગીઓનો સમાવેશ કરાયો છે.
તેવી જ રીતે કેવડીયા ખાતે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ વિવિધ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સના સંચાલન અને મેન્ટેનન્સ તેમજ વધુ વિકાસ માટે વન વિભાગ હેઠળ જંગલ સફારી પાર્ક, વેલી ઓફ ફલાવર્સ, કેકટસ્ ગાર્ડન વગેરેમાં જરૂરી અધિકારીઓ/કર્મચારીઓનું આઉટસોર્સીંગ સાથેનું જરૂરી મહેકમ પણ ઓથોરિટીને તબદીલ કરવાનું પણ ઠરાવાયું છે. ઝુઓલોજીકલ પાર્ક ના નિયામક આઇ એફ એસ અધિકારી અને કેવડીયા ના નાયબ વનસંરક્ષક ને પણ આ ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવ્યા છે.
સામાન્ય વહીવટ વિભાગે એવું પણ સૂચિત કર્યુ છે કે, કેવડીયા ખાતે જંગલ સફારીની દેખરેખ માટે સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક સોસાયટી અને વેલી ઓફ ફલાવર્સ સોસાયટીને પણ ઓથોરિટી હેઠળ તબદીલ કરવામાં આવશે.
એટલું જ નહિ, કેવડીયા ખાતે જુદા જુદા સ્થળોના વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરીના કોન્ટ્રાકટ અને એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે તેની કામગીરી અને જવાબદારીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી-કેવડીયા ઓથોરિટીમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટ હેઠળ હાથ ધરાયેલા આવા કોન્ટ્રેકટ અને એગ્રીમેન્ટ માટે પણ આ ટ્રસ્ટ દ્વારા ઓથોરિટીને અધિકૃત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે આ બધી જ થયેલી કામગીરીઓના સંકલન માટે ઓથોરિટીમાં નાણાંકીય સવલતો ઊભી કરવા ર૦ર૦-ર૧ના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ તરીકે રૂ. પ૦ કરોડની જોગવાઇ કરી છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ જગ્યાઓ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી પ્રતિનિયુક્તિના ધોરણે ભરવાની રહેશે અથવા સેવાઓ-મેનપાવર આઉટર્સોસથી મેળવવાના રહેશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગર્વનન્સ ઓથોરિટી (કેવડીયા ઓથોરિટી)ની રચના અંગેનો કાયદો ગત તા. ૧ ફેબ્રુઆરી-ર૦ર૦થી અમલમાં આવેલોછે.
તસવીર: જયોતિ જગતાપ, રાજપીપળા