“બધાઈ હો…. નવી પેઢીનો માલિક અવતરિત થઈ ચુક્યો છે..”

તા. 10.12.2020 ને ગુરુવારના પુણ્યશાળી દિવસે ભારતભાગ્ય વિધાતાનો જન્મ થઇ ચુક્યો છે… આપ જો મુકેશ અંબાણીની પેઢીના હોવ તો આપના પપૌત્ર અને પપૌત્રીની જનરેશનનો માલિક જન્મી ચુક્યો છે..
ધીરુભાઈ અને કોકિલા બેનનો પપૌત્ર, મુકેશ અને નિતાબેનો પૌત્ર, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા અંબાણીનો પુત્ર અને ડાયમંડ કિગ રશેલ મહેતા અને મોના મહેતાનો નવાસો તેમજ આ મહાન રિલાયન્સ સામ્રાજ્યનો વારસદાર જન્મી ચુક્યો છે…
ભારતના ભવિષ્યને વળાંક આપનારી આ તારીખને સુવર્ણ અક્ષરે લખવા માટે ખુદ ઈતિહાસ પ્રધાનમંત્રી પાસેથી સરકીને એન્ટિલિયા પહોંચી ગયો છે…
આકાશ અને શ્લોકા આમ તો નાનપણના મિત્ર… પણ “ભારતના વિકાસને વધારે સમૃધ્ધ બનાવવા માટે, તેમજ ભારતમાં 8g લોન્ચ કરવા એક વારસદાર હોય, તો વધારે સારું…” આ પવિત્ર વિચારને અમલમાં મુકવા માટે તેઓ માર્ચ 2019મા લગ્નગ્રંથિથી જોડાયા. અને 19 મહિના ગાળામાજ આ પેઢીનો તારણહાર પેદા કરી નાંખ્યો…
આ માટે સમગ્ર ભારત આકાશ અને શ્લોકાનો નતમસ્તકે આભાર માને છે..?
મુકેશભાઈને ગ્રોથમા રસ હોય એ સ્વાભાવિક છે…
નવજાતને ગળથૂથીમા શું શું ચખાડવું? તેનું મુકેશ દાદા પાસે એ ચીજવસ્તુનુ લાંબુ લિસ્ટ હશે. છતા એને ભારતના ખેતરની માટી પણ ચખાડજો..સુંઘાંડજો.
એને રમવુ હોય તો પ્રધાનસેવક બોલાવજો…
એની માલિશ કરવા સંરક્ષણમંત્રી બોલાવજો.. ઘોડો ધોડો રમવા ગૃહમંત્રી હાજર કરજો..
છૂક છુક ગાડી રમવા રેલમંત્રી.. અને એને રમકડાંને બદલે બંધારણ આપજો.. એને નવડાવવા ધોવડાવવા મંત્રીમંડળને હાજર રાખજો.. જંગલી લોકોને પાલતું કેવી રીતે કરાય એની ખાસ તાલિમ આપજો…
શું ખાવું? કેટલું ખાવુ? કોને ખવડાવવું.. કેટલું અને કઇ રીતે ખવડાવવું. એતો માના પેટમાંથી જ શિખીને આવ્યો હશે…. કારણ કે આ સામાન્ય બાળક નથી. અવતાર છે. આવનાર વરસોનો ભાગ્યભારત વિધાતા છે…
ધણી ખમ્મા… અમારા નવા માલિક તમારુ સ્વાગત છે…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા