*અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે માહિતી પુસ્તિકાઓના વિતરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી.*

અમદાવાદ: અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે વિભિન્ન માહિતી પુસ્તિકાઓના વિતરણ માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. રાજ્ય સરકારની યોજનાઓ, વિકાસકામોની વિગતો, પ્રજાલક્ષી નિર્ણયો સાંપ્રત ઘટનાઓ અને જાહેરનિતીની માહિતી જન-જન સુધી પહોચાડવાંમાં આ પુસ્તિકાઓ અગત્યની ભૂમિકા ભજવે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા બહાર પડતુ કરંટ અફેર્સ મેગેઝીન સમાન ‘ગુજરાત’ પાક્ષિક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની પહેલી પસંદ હોય છે. આ ઉપરાંત વિભાગ દ્વારા પ્રકીર્ણ માહિતી પુસ્તિકાઓ પણ સમયાંતરે પ્રકાશિત કરવામાં આવે છે.
ઉક્ત તમામ પ્રકાશનો માહિતી ખાતાની વેબસાઇટ www.gujaratinformation.net/publication પરથી સોફ્ટ કોપીમાં અને દરેક જિલ્લા માહિતી કચેરી ખાતેથી હાર્ડ કોપીમાં વિદ્યાર્થીઓ મેળવી શકે છે.
અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે પુસ્તિકાઓના વિતરણ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઇ છે. બહોળી સંખ્યામાં યુવાનો કચેરીએથી માહિતી પુસ્તિકાઓ મેળવી રહ્યા છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને કારણે યુવાનો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક સાથે પુસ્તિકાઓ લેવા કતારબદ્ઘ જોવા મળ્યા હતા.
………