ગાંધીનગર: ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું નિધન થયું છે. ધારીની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અંતિમ દર્શને પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભાજપાએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ આગેવાન આદરણીય કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થવાના લીધે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતાં. તેઓની વય 92 વર્ષની હતી. તેઓ ગુજરાતમાં ભાજપના સૌ પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતમાં ભાજપના તેઓ પાયાના પથ્થર હતા. પણ તેમની કર્મભૂમિ તો RSS હતી. તેઓ આજીવન આરએસએસના નિષ્ઠાવાન કાર્યકર રહ્યાં હતાં. તેમણે પાંચ વર્ષ સુધી ગુજરાતમાં ભાજપના શાસનની ધુરા સંભાળી હતી.
તેઓ 1995માં ભાજપના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. પછી શંકરસિંહ વાઘેલાએ બળવો કરી તેમની સરકાર ઉથલાવી હતી, પરંતુ લોકોએ શંકરસિંહના પક્ષપલટાને જાકારો આપીને 1998માં તેમને ફરીથી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ચૂંટ્યા હતા. તેના પછી તેઓ 2001 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાતમાં આવેલા ધરતીકંપ વખતે નબળી કામગીરીના લીધે તેમણે છેવટે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું.
કેશુબાપાને અગાઉ સ્ટર્લિંગમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સ્વસ્થ થતાં જ બે દિવસ પહેલાં જ તેઓને સ્ટર્લિંગમાંથી રજા અપાઈ હતી. જો કે આજે તબિયત બગડતા તેઓને ફરીથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.