*વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો*

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહના નેતા તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજી-દિવંગત કોરાના વોરિયર્સ-દિવંગત સભ્યોને પાઠવી શ્રદ્ધાંજલિ*
****************
*વિધાન ગૃહે મૌન પાળી શોકાંજલી આપી*
*************

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે આ શોકદર્શક ઉલ્લેખોમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી સ્વ. પ્રણવ મુખરજીના અવસાન અંગે તેમજ કોવિડ-19થી અવસાન પામેલા કોરોના વોરિયર્સ અને પ્રજાજનો તથા વિધાનસભાના પૂર્વ દિવંગત સભ્યો અને મંત્રીશ્રીઓ સ્વ.શ્રી લીલાધરભાઇ વાધેલા, પૂર્વ રાજ્યમંત્રી સ્વ. શ્રી ગીગાભાઇ ગોહિલ, પૂર્વ નાયબ મંત્રી સ્વ.શ્રી જેસાભાઇ ગોરિયા, પૂર્વ સંસદિય સચિવ સ્વ. શ્રી કુરજીભાઇ ભેંસાણિયા તથા પૂર્વ સભ્યો સ્વ. શ્રી નટુભાઇ ડાભી, સ્વ. શ્રી વસંતભાઇ પટેલ અને સ્વ. શ્રી મણીલાલ ગાંધીના અવસાન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી સદગત આત્માઓની શાંતિની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ દિવંગત સભ્યો તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. મુખરજીની જાહેર જીવનની પ્રતિભા તેમજ જનસેવા સમર્પણની સરાહના કરી હતી.
વિધાનગૃહના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વિપક્ષના નેતાશ્રી અને ધારાસભ્યોએ પણ આ દિવંગત આત્માઓને ભાવાંજલિ આપી હતી.
સભાગૃહે આ સૌ દિવંગત આત્માઓના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.
************