*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું*

*કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું*

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રીક પોર્ટલ પણ આ પ્રંસગે લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ, એડીસી બેંક અને સાઇબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું આ પ્રસંગે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસે અધતન આધુનિક ટેકનોલોજીથી સજજ અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન થયું છે, જેનાથી અમદાવાદ શહેર પોલીસની એક નવી કાર્ય પદ્ધતિ આગામી સમયમાં પ્રસ્થાપિત થશે.

 

આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી વધુમાં કહ્યું કે, અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન ૧૮,૦૬૮.૬૭ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ નવનિર્મિત ભવન અદ્યતન ટેક્નોલોજીથી તેમજ પોલીસ કંટ્રોલ રૂમ, ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ નવનર્મિત ભવનમાં પોલીસકર્મીઓના ત્યાગ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદ ખાતે જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, અમદાવાદ શહેરમાં શરૂ થનાર આ જોઇન્ટ ઇન્ટ્રોગ્રેશન સેન્ટરમાં કેન્દ્રીય પોલીસ, કેન્દ્રની ઇન્વેસ્ટિગેશન ટીમ તેમજ રાજ્યની પોલીસ એકસાથે મળીને કામ કરશે. આગામી સમયમાં આ સેન્ટર થકી વૈજ્ઞાનિક ઢબે કેસ સોલ્વ કરવામાં સરળતા મળશે.

 

દેશની આંતરિક સુરક્ષા અંગે વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષામાં ખૂબ મોટું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને નક્સલવાદ પ્રભાવિત ક્ષેત્રમાં છેલ્લા દસ વર્ષમાં ૭૦ ટકા હિંસામાં ઘટાડો થયો છે જ્યારે ૭૨ ટકા મૃત્યુ પણ ઘટ્યા છે.

 

વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે અંગ્રેજો સમયના ત્રણ ક્રિમિનલ કાયદાઓમાં બારીકાઈપૂર્વક પરિવર્તનો કરીને ગત જુનથી દેશમાં નવા કાયદાઓ લાગુ કર્યા છે. ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીની અને તેની અસરોની કલ્પના કરીને આ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેના લીધે લાંબા સમય સુધી આ કાયદાઓને બદલવાની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં, ટેકનોલોજીની મદદથી ગુનાઓને શોધવા, રોકવા અને પ્રોસીકયુશન જલ્દી સમાપ્ત કરીને ગુનેગારોને ઝડપી સજા થાય એ માટેના પ્રોવિઝન પણ આ નવા કાયદામાં ઉમેરીને ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશની અર્થવ્યવસ્થા તેમજ ગુજરાત પોલીસની કામગીરી વિશે વિશે વધુમાં વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા 11મા નંબરેથી પાંચમા નંબરે પહોંચી છે અને 2027 સુધીમાં વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા સૂચક નેતૃત્વના પરિણામે રાજ્યમાં હાલની પેઢીને કર્ફ્યુ શું છે એ જ ખબર નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

 

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે ઈ-ગુજકોપ પોર્ટલ, બોડી વોર્ન કેમેરા, વિશ્વાસ પ્રોજેક્ટ સહિત ઘણા નવા ઇનીસીએટીવ હાથ ધર્યા છે. આજે દેશમાં ગુજરાત પોલીસની ઈમેજ આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ પોલીસ ફોર્સ તરીકેની છે. ગુજરાત પોલીસે નાર્કોટિક્સ અને ડ્રગ્સની બદી સામે સક્રિય કામગીરી કરીને દેશમાં ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ઇન્વેસ્ટિગેશન સાથે પ્રશંસનીય કામગીરી કરી છે. દરિયા કિનારાની સીમાથી લઈને કચ્છની સીમા સુધીની તમામ સીમાઓને ગુજરાત પોલીસે સુરક્ષિત રાખવા સક્રિય કામગીરી કરી છે.

 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિશનર કચેરીના નવનિર્મિત સંકુલ માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા કહેતા હોય છે કે વર્ક પ્લેસની વર્ક કલ્ચર પર અસર પડતી હોય છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું આ નવનિર્મિત બિલ્ડિંગ તેના વર્ક કલ્ચરને નવી ઊંચાઈ આપશે. નરેન્દ્રભાઈએ ‘શક્તિ પંચામૃત’ના આધારે ગુજરાતનો વિકાસ કર્યો છે, એમાંની એક મહત્ત્વપૂર્ણ શક્તિ રક્ષા શક્તિ છે. રક્ષા શક્તિના પ્રતિનિધિ એવા પોલીસ દળે સમય સાથે નહિ, પરંતુ સમયથી બે ડગલાં આગળ ચાલવું જરૂરી છે. રાજ્યમાં શાંતિ-સલામતી માટે પોલીસને વધુ આધુનિક, સુસજ્જ બનાવવા પર હંમેશાં ધ્યાન અપાયું છે અને પોલીસ દળનું મનોબળ સતત વધાર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગુજરાત સલામતી અને વિકાસના મોડલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહીં તેમના નેતૃત્વમાં આજે દેશની આંતરિક સુરક્ષા વધારે મજબૂત બની છે. દેશમાં આતંકવાદ, ગુનાખોરી અને અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

જરૂરી કાયદાકીય સુધારા તથા આધુનિક ટેક્નોલોજી થકી પોલીસ તંત્રને સુદૃઢ કરાયું હોવાનું જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર પોલીસને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા પ્રયત્નશીલ છે. આજે રાજ્યની પોલીસ સ્ટ્રીટ સ્પેસથી લઈને સાઇબર સ્પેસ સુધી ક્રાઇમને ડામવા વધુ સુસજ્જ બને, એવા અનેક પ્રકલ્પો કેન્દ્રીય મંત્રી અમિતભાઈના હસ્તે મળી રહ્યાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

મુખ્યમંત્રીએ નવરાત્રિના પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે રાજ્યમાં આનંદ-ઉત્સાહ અને સુરક્ષા સાથે નવરાત્રિ રંગેચંગે ઊજવાય છે, તેના મૂળમાં રાજ્યમાં શાંતિ અને શાંતિ સ્થાપવામાં પોલીસ કર્મીઓનું યોગદાન રહેલું છે. રાજ્યમાં શાંતિ-સુરક્ષાને કારણે જ વિદેશી મૂડીરોકાણ મોટા પાયે આવી રહ્યું છે તો ઉદ્યોગ-ધંધા પણ ફૂલ્યાફાલ્યા છે. ગુજરાત પોલીસના સતત પરિશ્રમ, સતર્કતા અને કાબેલિયતને કારણે જ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

 

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણે ગુજરાત એટ 2047નો રોડમેપ ઘડ્યો છે, જેમાં નાગરિકોની સલામતીને કેન્દ્રમાં રાખવામાં આવી છે. આપણું પોલીસ દળ મલ્ટિ ટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત અને સુરક્ષિત ગુજરાતની લક્ષ્યસિદ્ધિ માટે યોગદાન આપશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા અને અમિતભાઈ શાહ જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હતા ત્યારે અસામાજિક તત્વો વિરૂદ્ધ ટ્રાન્સપરન્સી અને ઝીરો ટોલરન્સથી કામ લીધું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કાયદો અને વ્યસ્વથામાં અમદાવાદ નંબર વન બન્યું છે. ગુજરાત પોલીસ નાગરિકોની શાંતિ અને સલામતી માટે સતત સક્રિય રહીને કામગીરી કરી રહી છે.

 

વધુમાં વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોલીસ વિભાગની કામગીરીમાં ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સક્રિય ઉપયોગ પર ભાર મૂક્યો છે. એ દિશામાં કામગીરી કરતા ગુજરાત પોલીસે હમણાં દાહોદ જિલ્લામાં વિઝન ડ્રોન નાઈટ કેમેરાથી ટેકનોલોજીના ઉપયોગ વડે ચોરોને પકડ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), સીસીટીવી નેટવર્ક જેવી આધુનિક ટેકનોલોજીનો સક્રિયપણે ઉપયોગ કરીને સંવેદના સાથે કામગીરી કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

વધુમાં વાત કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ડાંગના પ્રભારી મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે પ્રોજેક્ટ દેવીના માધ્યમથી ડાકણ પ્રથા દૂર કરવા કામગીરી કરીને અનેક લોકોને નવું જીવન આપવા કામગીરી કરેલી. એ જ રીતે, વર્તમાનમાં પણ ગુજરાત પોલીસ વ્યાજખોરોના ત્રાસ સામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રક્ષણ આપવામાં, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં તેમજ સાયબર ક્રાઇમ અને અન્ય આધુનિક ગુનાખોરીને ડામવા તથા નાર્કોટિક્સ અને ડ્રગ્સની ચુંગાલમાંથી યુવાનોને બચાવવા માટે પ્રશંસનીય કામગીરી કરી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

 

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધી દેશને વિકસિત ભારત બનાવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના મિશનમાં આંતરિક સુરક્ષા અને સલામતી મહત્વની બને છે ત્યારે ગુજરાત પોલીસ તમામ પડકારોનો સામનો કરવા તૈયાર છે. ગુજરાત પોલીસ આજે ટેકનોલોજીના માધ્યમથી ટ્રેડિશનલ પોલીસિંગને મજબૂત કરવા સાથે સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, દરિયાઈ સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા જેવા ક્ષેત્રે આધુનિક યુગના પડકારોને ટેકનોલોજીની મદદથી ઉકેલવા અને અસરકારક, પરિણામલક્ષી, પ્રજાલક્ષી કામગીરી કરવા પ્રતિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીનું નવનિર્મિત ભવન લગભગ રૂ. ૧૪૬ કરોડના ખર્ચે ૧૮,૦૬૮.૬૭ ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. આ સાત માળના ભવનમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ કચેરીને વીડિયો વૉલ, વીડિયો વોલ કંટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લીકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ આખા ભવનમાં વાઇફાઇ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

 

આ નવનિર્મિત ભવનમાં એક મલ્ટિપર્પઝ હોલ અને ૩ કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે 100 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે. આ સાથે પોલીસકર્મીઓની વ્યસ્ત દિનચર્યા અને તેમની આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ નવી કચેરીના ભવનના બીજા માળ પર જિમ્નેશિયમની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના આ નવા હેડક્વાર્ટરના નિર્માણથી પોલીસ કર્મચારીઓને ફક્ત કામકાજમાં જ સરળતા નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાનું કામ પણ વધુ સારી રીતે થઈ શકશે. મહત્વની વાત એ પણ છે કે, આ પોલીસ કમિશ્નરની નવનિર્મિત કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ મહિલાઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે.

 

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, લોકસભા સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, અમદાવાદના સર્વ ધારાસભ્યઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે, અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારઓ, તમામ ઝોનના ડીસીપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓઓ અને કર્મચારી તેમજ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

*******