રસ્તા સુધરવાની આશા છોડો, મિત્રોને જન્મદિવસે હેલ્મેટ ગીફ્ટ કરો

અત્યારે ચારેકોર એક જ વાત ચર્ચાઇ રહી છે કે, મોટાભાગના રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા છે, અમુક જગ્યાએ તો ખાડાઓને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અખબારો અને ટીવી સમાચારમાં પણ રસ્તા પરના ખાડાઓની સમાચાર થોકબંધ પ્રગટ થઈ રહ્યા છે. પરંતુ આ માટે માર્ગ મકાન વિભાગ હોય કે અન્ય કોઈ પણ જવાબદાર સરકારી તંત્ર હોય તેને આ બધી કાગારોળની કાંઈ ઝાઝી અસર થતી હોય તેવું લાગતું નથી. આ સ્થતિમાં શું કરવું જોઈએ? વર્ષો પહેલા પંજાબમાં અમૃતસર ખાતે એક જસપાલ ભટ્ટી નામના હાસ્ય કલાકાર થઈ ગયા જે પોતાના “ફ્લોપ શો જેવા ટીવી કાર્યક્રમો થકી ખૂબ જાણીતા બન્યા હતા. તેમના કાર્યક્રમમાં હાસ્ય પાછળ બેજવાબદાર તંત્રની અણઘડ કામગીરી કે ભ્રષ્ટાચાર પર હંમેશા એક માર્મિક કટાક્ષ રહેતો હતો. આ સાથે જસપાલ ભટ્ટી પોતાની પત્ની અને મિત્રોના સહયોગથી અમૃતસરમાં એક સંસ્થા ચલાવતા હતાં જેના થકી તેઓ કોઈ પણ જાહેર સમસ્યા પ્રત્યે લોકોનું અને સરકારી તંત્રનું ધ્યાન ખેંચવા માટે ચિત્ર વિચિત્ર નુસ્ખા અજમાવતા હતા જેવા કે ક્યારેક તેઓ રસ્તા વચ્ચે ભજીયા તળવા બેસી જતાં, જ્યારે શાકભાજીના વધેલા ભાવોને કારણે જાહેરમાં પત્નીને શાકભાજીના ઘરેણાં પહેરાવતા, ક્યારેક તેઓ વારંવાર ગૂલ થતી વીજળીને કારણે રસ્તા પર હાથપંખાનું વિતરણ કરતા અથવા ભ્રષ્ટાચાર દેવતાનો વરઘોડો કાઢતાં હતા. કોઈ પંણ સમસ્યાને અલગ રીતે નિહાળી તેનું અજબ પ્રકારનું સોલ્યુશન શોધવાની તેમનામાં ગજબ આવડત હતી. આજે ઠેર ઠેર બિસ્માર રસ્તાઓ જોઇને તેમની યાદ આવે છે. શું આપણે તેમની જેમ કોઇ સમસ્યાનું સમાધાન કંઈક અલગ રીતે વિચારી ના શકીએ? ખૂબ લાંબો વિચાર કર્યા પંછી ખાડા ખાબોચીયા વાળા બિસ્માર રસ્તાઓની હાલત જોઈ એક વિચાર સૂઝ્યો છે. આમ પણ સરકારે હવે ટુવ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે જે સુરક્ષા માટે ખૂબ જરૂરી હોવા છતાં બાઈક કે સ્કૂટર ચાલકો ખાસ કરીને યુવાવર્ગ હેલ્મેટ પહેરવાથી કતરાય છે અને ઘણાં સ્કૂટર કે બાઇક ચાલકોએ તો હજુ સુધી હેલ્મેટ ખરીદી પણ નથી. આપણે આપણા કે મિત્રના જન્મદિવસની ઉજવણી માટે ઘણો ખર્ચો કરતા હોઇએ છીએ જેમકે તેના નામના અક્ષરોની અલગ-અલગ કેક લાવીએ કે વિવિધ સજાવટ કરીને ખર્ચ કરીએ છીએ. હેલ્મેટ વગર ક્યારેક જન્મદિવસની ઉજવણી મૃત્યુના માતમમાં ફેરવાઇ શકે છે તો જન્મદિવસની ઉજવણી માટે ખર્ચ કરીએ એના કરતાં તો આપણે એક નાની કેક લાવી, પૈસા બચાવી બાકીના પૈસાનું જેનો જન્મદિવસ હોય તે મિત્રને કે ફેમિલીમાં કોઇને એક હેલ્મેટ જો આપણે ગિફ્ટ આપીએ તો કેવું? શું આપણે એક જવાબદાર સ્નેહીજન કે સાચા મિત્ર બની ગીફ્ટમાં હેલ્મેટ આપી એના જીવનું રક્ષણ કરી એને જીંદગીની ભેટ ના આપી શકીએ? વિચાર અપનાવવા જેવોન લાગે તો અમલમાં મુકજો.