ચેમ્બરની ચૂંટણીના મુદ્દે ઉમેદવાર કૈલાસ ગઢવીની PIL પણ રીટમાં રૂપાંતરિત કરાઈ, આજે સુનાવણી.

અમિત લાલચંદ શાહ અને કૈલાસદાન ગઢવીએ કોરોનામા ચેમ્બરની ચૂંટણી યોજવા અંતર્ગત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી

વિવાદો વચ્ચે ચેમ્બરની ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ શરૂ

વિવાદનો પર્યાય બની રહેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની ચૂંટણી અંતર્ગત ઉમેદવાર કૈલાશ ગઢવીએ હાઇકોર્ટમાં કરેલી PIL માન્ય રાખવામાં આવી નહોતી. જેને પગલે તેને રિટમાં રૂપાંતરિત કરવામાં આવી છે. અન્ય ઉમેદવાર અમિત લાલચંદ શાહ અને કૈલાસ ગઢવી ની રિટ અંગેની સુનાવણી બુધવારે હાથ ધરાશે. હવે જોવાનું એ રહ્યું કે કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી યોજવી કે કેમ તે મુદ્દે હાઇકોર્ટ શું આદેશ આપે છે?. ચેમ્બરની ચૂંટણી રદ થાય તેના માટે ચોક્કસ સભ્યો અને ઉમેદવારો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે જ હવે ચેમ્બરની ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી છે. માટે ચેમ્બર ની ટીમ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ચેમ્બરની ચૂંટણી જો કોરોનાની મહામારી વચ્ચે કરવામાં આવે તો ઘણા સભ્ય મતદારોને કોરોના નું સંક્રમણ થવાની સંભાવના છે.આ પરિસ્થિતિમાં કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા ચૂંટણી માટે મંજૂરી કેમ આપવામાં આવી આ બાબતને લઈને એક ઉમેદવાર અમિત લાલચંદ શાહ અને બીજા ઉમેદવાર કૈલાશ ગઢવીએ હાઇકોર્ટમાં જુદી-જુદી PIL કરી હતી.

PIL અંતર્ગત હાઇકોર્ટ દ્વારા બંને ઉમેદવારોની PIL અમાન્ય રાખી હતી.જેને પગલે બન્ને ઉમેદવારો એ આજ મુદ્દે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. જે અંગેની સુનાવણી બુધવારે હાથ ધરાશે. હવે તમામ ઉમેદવારો અને ચેમ્બરના સભ્યોની નજર હાઇકોર્ટના આદેશ ઉપર છે. હજુ પણ કેટલાક ઉમેદવારો દ્વારા ચૂંટણી રદ થાય તેના માટેના છેલ્લી ઘડીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ચેમ્બરના એક ચોક્કસ જૂથ અને પ્રગતિ પેનલના ઉમેદવારોને દલીલ છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી નવી ટીમલી હાથમાં ચેમ્બર નું સુકાન સોંપવું જોઇએ કેમ કે વર્તમાન પરિસ્થિતિમાં વેપારીઓનું મજબૂત અને યોગ્ય પ્રતિનિધિત્વ થાય એ ખૂબ જ જરૂરી છે. ત્યારે બીજી તરફ ચોક્કસ જૂથ અને હરીફ ઉમેદવારો કોરોનાની મહામારી વચ્ચે કોઈ પણ હિસાબે ચૂંટણી ટાળવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચેમ્બરની ટીમ અને વર્તમાન હોદ્દેદારો દ્વારા પાંચમી સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે રીતની તૈયારીઓ ચાલી રહી છે તે જોતા ચેમ્બરના હોદ્દેદારો કોઈપણ ભોગે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાના મૂડમાં છે.હવે જોવાનું એ રહ્યું કે જો કોરોના કાર વચ્ચે ચૂંટણી થાય તો બહારગામના મતદારો મતદાન કરવા આવે છે કે કેમ?.