વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી.

હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે સીધો જંગ

અન્ય ઉમેદવારોને પણ જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે તો ઉમેદવારી પરત ખેંચવી છે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેના ત્રણ ઉમેદવારો પૈકી એક ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણી ના સમર્થનમાં પોતાની ઉમેદવારી પરત ખેંચતા હવે વાઇસ પ્રેસિડેન્ટપદ માટે કે. આઈ .પટેલ અને ભાવેશ લાખાણીએ વચ્ચે સીધો જંગ જામશે. જોકે ચેમ્બરના સિનિયર સભ્યોનું કહેવું છે કે હજુ ઘણા ઉમેદવારોને જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે તો ઉમેદવારી પરત ખેંચી છે હવે જોવાનું એ રહ્યું કે તેમની એ ઇચ્છા પૂરી થાય છે કે કેમ? એક અન્ય ઉમેદવાર અર્ચીસ શાહે એ પણ પોતાની ઉમેદવારી વિડ્રો હોવાનું જાણી શકાયું છે.

ચાલુ વર્ષે યોજાઈ રહેલી ચેમ્બરની ચૂંટણીમાં રોજેરોજ નવા સમીકરણ રચાઇ રહ્યા છે અથવા તો નવા વિવાદો ઊભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે જ્યારથી ચેમ્બરની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી યુવા ચહેરાને તક આપવાના મુદ્દે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે ઉમેદવારી કરનાર અશોક પટેલે આખરે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. અશોક પટેલે જણાવ્યું હતું કે ચેમ્બરમાં વાઇસ પ્રેસિડેન્ટ યુવાન હોવા જોઈએ કે જે ચેમ્બર માટે દોડધામ કરી શકે અને તે ચહેરો ભાવેશ લાખાણી છે માટે તેઓ પોતાના પ્રતિસ્પર્ધી ભાવેશ લાખાણીના સમર્થનમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. જેને કારણે તે બંને વચ્ચે મતોનું વિભાજન થાય નહીં.

અશોક પટેલની ઉમેદવારી પરત ખેંચાતા હવે વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેનો ત્રિપાંખિયો જંગ પૂર્ણ થઈ કે આઈ પટેલ અને ભાવેશ લાખાણીએ વચ્ચે જંગ જામશે. બીજી તરફ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે પણ પ્રગતિ પેનલના હેમંત શાહ અને સામે જયેન્દ્ર તન્ના વધુમાં વધુ મત પોતાને મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ચેમ્બર ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ અશોક પટેલ ને ઉમેદવારી પરત ખેંચ્યા બાદ એક અન્ય ઉમેદવાર અર્ચીસ શાહે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.

હવે ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે રીતે ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે તે જોતા કેટલાક સિનિયર સભ્યોના ચૂંટણી ટાળી હોદ્દેદારોને બિનહરીફ બનાવવા માટેના પ્રયાસ ધીમે ધીમે સફળ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હજુ તો અન્ય ઉમેદવારો પણ કોઈ ચોક્કસ સિનિયર સભ્ય તેમનો સંપર્ક કરે અને આગામી વર્ષે તક આપવાની ખાતરી આપે તો તેઓ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવા માટે તત્પર હોવાનું ચેમ્બર ખાતેથી જાણી શકાયું છે.