જેના દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી પુણ્ય સલિલા મા નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામે ગામ માં નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી. જેમાં નાંદોદ તાલુકાના નર્મદા તટે આવેલ ગુવાર ખાતે રામાનંદ આશ્રમ માં સાધુ સંતોની ઉપસ્થિતિમાં નર્મદે હર ના નારા સાથે અને નર્મદાષ્ટકમ સાથે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુવાર નર્મદામાં મોટી હોળીને સણગારી તેમાં મસાલા સાથે દીવડા મૂકીને 1001 દીપદાન કરી 1001 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા, તેની સાથે આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વામી અભિરામદાસ ત્યાગી જી દ્વારા સાધુ સંતોની ઉપસ્થિતિમાં નર્મદા પૂજન અને આરતી કરી નર્મદા અષ્ટકમ બોલાવાયા હતા આ પ્રસંગે ભક્તો દ્વારા ઘણી બધી સાડી, ચુંદડીઓ, નર્મદામાં ચઢાવી હતી. તેમ જ કંકુ અને ચોખા મંગળસૂત્ર તથા સાડી નર્મદામૈયા ને અર્પણ કરી નર્મદા પૂજન કર્યું હતું.
જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામે નર્મદા તટે આવેલ ધારેશ્વર મહાદેવના મંદિરે મહંત જાનકી દાસ મહારાજ, સ્વામી સદાનંદ મહારાજ તથા સાધુ સંતો તથા મંગરોલ ના ગ્રામજનોની ઉપસ્થિતિમાં નર્મદા તટે જઈને નર્મદા પૂજન કરાયું હતું અને 1100 દીવડાઓ પ્રગટાવી નર્મદામૈયા માં તરતા મૂક્યા હતા. આ પ્રસંગે નર્મદા મૈયાની ચૂંદડી અર્પણ કરાઇ હતી અને 108 કન્યાઓના પૂજન બાદ મંદિરે ભક્તો માટે ભંડારો રાખવામાં આવ્યો હતો.
એ ઉપરાંત સિસોદ્રા, ઓરી, ઉપરાંત ગરુડેશ્વર દત્ત મંદિર પાસે નર્મદા ઘાટ ગોરા આનંદ આશ્રમ, હરિધામ આશ્રમ વગેરે નર્મદા તટે નર્મદા જયંતિ ના કાર્યક્રમો ઉજવાયા હતા.આ પ્રસંગે નર્મદા જયંતિ ના પાવન અવસરે અસંખ્ય શ્રદ્ધાળુઓ એ નર્મદામાં ડુબકી લગાવી નર્મદા સ્નાનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
ધનેશ્વર મંદિર માંગરોળ ના મહંત જાનકીદાસ મહારાજે જણાવ્યું હતું કે મહારાજના જણાવ્યા અનુસાર નર્મદા તટે 74 કરોડ થવા આવેલા છે. નર્મદા સ્નાન અને પૂજન નું શાસ્ત્રોમાં વિશેષ ધાર્મિક મહત્વ છે.
નર્મદા અમરકંટક મોકલ પર્વતમાંથી નીકળી પાવનકારી નર્મદાના દર્શન માત્રથી જ પવિત્ર થવાય તેવી નર્મદા જટાશંકરી લેવા જેવા અનેક નામથી જાણીતી છે. આ પવિત્ર નર્મદા આજે ગુજરાતની ધરાને પાવર કરી રહી છે.જેના દર્શનમાત્રથી પવિત્ર થાય એવી નર્મદાનાં દર્શન અને સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. નર્મદામાં સ્નાન કરવાથી સર્વ પાપ ધોવાઇ જાય છે, નર્મદા જયંતી અને નર્મદા સ્નાન અને નર્મદા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે.