જામનગર: વિશ્વ મહિલા દિવસ નારી શક્તિ માટેનો દિવસ છે જેમાં વિશ્વભરમાં નારી સન્માન માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેમને સન્માનિત કરવામાં આવે છે. વિવિધ ક્ષેત્રે વિવિધ ભાગ ભજવતી આજની નારીને નારાયણી તરીકે ઓળખાય છે પછી એ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સ્ત્રી હોય કે શાકભાજી વેચનાર મહિલા હોય. આજના યુગમાં વિવિધ ક્ષેત્રમાં હરણફાળ ભરતી નારીના જોશને વંદનીય કહી શકાય છે.
જામનગરના એડવોકેટ તેમજ વોર્ડ નંબર ૧૨ ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ્યારે મહિલાઓનું દર વર્ષે સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે જે બહેનો એજ્યુકેશન લઈ સારા હોદ્દા પર છે તે મહિલાઓ તો સન્માનીય છે જ પરંતુ માત્ર ઓફિસોમાં જ નહીં જરૂર જણાય ત્યારે ખરા તડકે રોડ ઉપર પણ કામ કરીને બતાવનારી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મહિલાઓ તેમજ જે મહિલાઓ અશિક્ષિત હોવા છતાં પુરુષ સમોવડી બની નિષવાર્થ કામ કરી રહી છે એવા રસ્તા પર રેકડીઓમાં અથવા તો પથારા કરીને શાકભાજી વેચતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું.
જેમાં 30 જેટલા શાકભાજી વેંચતા બહેનો, 4 ટ્રાફિક શાખામાં ફરજ બજાવતી પોલીસ બહેનો, પેપર વેચનાર બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. તો બીજી તરફ વડીલ બહેનો દ્વારા પણ તેમને આ કાર્ય બદલ આશિષ પાઠવવામાં આવ્યા હતા અને તેમની આ પહેલને સરાહનીય ગણાવી હતી