જીએનએ અમદાવાદ: દર્દીને ટેબલ પર સૂવાડી દેવામાં આવ્યો છે. સારવાર રૂમમાં કોઇ જ માણસ નથી. ત્યાંથી એક મશીન દર્દીની સમીપે આવતું જાય છે . તેના શરીરના જે ભાગ પર કેન્સરનું ટ્યુમર(ગાંઠ) છે તેનું નિદાન કરી રહી છે આ મશીન….વળી આ મશીન તો ૩૬૦ ડિગ્રી ફરીને દર્દીના સુક્ષ્મ ગાંઠની સારવાર કરવાની શરૂઆત પણ કરી દીધી…..ગામડેથી આવેલો આ દર્દી ત્યાં પૂછે છે ડૉક્ટર ક્યાં છે? ત્યારે તેને ખબર પડે છે કે આ તો ‘રોબોટ’ છે !!!
તાજેતરમાં જ રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ સ્થિત જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં સાઇબર નાઇફ સહિતના અન્ય અધત્તન સુવિધા યુક્ત રેડીયોથેરાપી મશીનોનો દર્દીઓના હિતાર્થે પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
જેમાંથી અંદાજીત ૪૫ કરોડના ખર્ચે વિકસાવેલું સાઇબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનાવામાં આવે છે.
આ પ્રકારનું રોબોટિક મશીન વિકસાવનારી જી.સી.આર.આઇ. હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ છે. આ રોબોટિકની ખાસિયત એ છે કે, કેન્સરગ્રસ્ત ટ્યુમરની સાથો સાથો સામાન્ય પ્રકારના ૫ મી.મી. થી ૩ સે.મી. સુધીની કદના સામાન્ય ટ્યુમરનું પણ સચોટ નિદાન કરીને તેની સારવાર સાયબર નાઇફ નામના રોબોટિક મશીન થી કરી શકાય છે.*
આવો જાણીએ સાયબર નાઇફ – રોબોટ કેવી રીતે કાર્ય કરે છે ?
કેન્સરગ્રસ્ત દર્દી કે જેને રેડિયોથેરાપી તકનીક દ્વારા રેડિએશન આપવાની જરૂરિયાત ઉદ્ભવે છે. તેવા પ્રકારના દર્દીઓ માટે સાયબર નાઇફ – રોબોટ આશીર્વાદ રૂપ છે. કેન્સરગ્રસ્ત દર્દી માટે જ્યારે રેડિએશનના ડોઝ નક્કી કરવામાં આવે છે ત્યારે સામાન્ય પ્રકારના મશીનમાં કેન્સરગ્રસ્ત ભાગ સિવાયના અન્ય ભાગ ઉપર પણ આ ડોઝની અસર થવાની સંભાવાનાઓ રહેલી હોય છે. જ્યારે સાયબર નાઇફ મશીન દ્વારા કેન્સરગ્રસ્ત ભાગ પર જ લક્ષ્ય સાધીને રેડિયોથેરાપીના ડોઝ આપવામાં આવે છે. જેના કારણે શરીરની અન્ય ટીસ્યુ(પેશીઓ) ઉપર આડઅસરની સંભાવનાઓ નહીંવત બને છે.
આ સારવારને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. જેમાં સૌપ્રથમ રેડિયોથેરાપીની જરૂરિયાત ધરાવતા દર્દીના ચહેરાના માપનું સિટી સિમ્યુલેટરની મદદથી ઓરફિટ બનાવવા માટે દર્દીના ચહેરાનું માપ લેવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ પ્લાનીંગ સિસ્ટમ દ્વારા સમગ્ર સારવાર અને ઓરફિટ તૈયાર કરીને બે દિવસ ના અંતરાલ બાદ દર્દીને રેડિયોથેરાપી માટે બોલાવવામાં આવે છે. દર્દીને સાયબર નાઇફ ટ્રીટમેન્ટમાં રૂમમાં મૂકવામાં આવેલ ટેબલ પર સૂવડાવીને કોમ્યુટર દ્વારા નક્કી કરવામાં આવેલ ડોઝ સેટ કરીને દર્દીના ચહેરા પર ઓરફિટ પહેરાવીને રોબોટિક દ્વારા સમગ્ર થેરાપીની શરૂઆત કરવામાં આવે છે. સાઇબર નાઇફની સારવાર અડધા થી પોણા કલાક સુધી ચાલે છે. જેમાં રોબોટ ૩૬૦ ડિગ્રી રોટેશન કરીને કેન્સરગ્રસ્ત ભાગ પર સચોટ રીતે સારવાર કરે છે.
આ સારવાર પધ્ધતિને સ્ટીરીયોટેક્ટિક રેડિયો સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્યતઃ અન્ય સર્જરીમાં કાપકૂપ કરીને સર્જરી કરવામાં આવે છે જ્યારે રેડિયો થેરાપી સર્જરીમાં કોઈપણ પ્રકારના શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી. મગજ કે શરીરના અન્ય ભાગમાં ૫ (પાંચ) મી.મી. થી ૩ સે.મી. જેટલી સાદી કે કેન્સરની ગાંઠની સારવાર કરવા ઉપયોગી છે.ઘણી વખત કેન્સરગ્રસ્ત કિડની, લીવર, ફેફસાના ભાગમાં સર્જરી શક્ય ન હોય તેવા ભાગમાં સર્જરીના વિકલ્પ રૂપ આ રોબોટિક મશીનના ઉપયોગથી રેડિયોથેરાપીના શેક આપીને સારવાર કરી શકાય છે.
અગાઉ એક્સ નાઇફ પ્રકારનું મશીન આ સર્જરી માટે કાર્યરત હતું.જેમાં દર્દીના માથાના ભાગમાં ફ્રેમ ફીટ કરવામાં આવતી હતી. સાઇબર નાઇફમાં ફ્રેમ લેશ પધ્ધતિનો અભિગમ અપનાવી કોમ્યુટરાઇઝ ચહેરાના માપનું ગાર્ડ બનાવીને સારવાર હાથ ધરવામાં આવે છે.
જી.સી.આર.આઇ.માં સારવાર અર્થે આવતા કેન્સર કુલ દર્દીઓના ૭૦ ટકા દર્દીઓને રેડિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. જેનાથી કેન્સરને મટાડી પણ શકાય અને આગળ વધતુ અટકાવી પણ શકાય. GCRI માં વર્ષ ૨૦૨૧ દરમિયાન રેડિયોથેરાપીના ૫૩૫૬ સેશન આપવામાં આવ્યા છે.
એક અંદાજ પ્રમાણે વિશ્વમાં અંદાજીત ૨૫૦ અને ભારતમાં ૮ જેટલા સાયબર નાઇફ મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ છે તેમ જી.સી.આર.આઇ.ના તબીબો જણાવે છે.