રયલી ગરીબ હતી એટલે પ્રમાણિક હતી. એતો ખબર નથી.. હા પણ પ્રમાણિક હતી એટલે ગરીબ હતી. એ વાત નક્કી…. જીવનમાં બધુ એણે સ્વિકારી લીધુ હતુ.. ભુખ,ગરીબી, અત્યાચાર, અન્યાય, બેવફાઈ, ખરાબ નજરો, મારઝુડ, અને છેલ્લે મહામુકિત સમાન વૈધવ્ય સુધ્ધા…
હવે એની પાસે ચાર ઘરનુ કામ હતુ. અને પોતાના ચાર છોકરા.. ત્રણ મોટીને એક નાનો ચાર વરસનો… આટલુ સંભાળીને એ બેઠી હતી…
“ચાર ઘરનુ કામ કરુ છુ” એ એના માટે ગૌરવપ્રદ વાત હતી.. એ થોડી શ્યામલી હતી.. એના હાથ કાળા હતા. પણ ચોકખા હતા.. અને એનુ કામ પણ એટલું જ ચોકખુ હતુ.. વળી કોઈ વાતની ના પાડતા એ શીખી નહોતી.. એટલે ચારેય શેઠાણીની માનિતી હતી..
કાળમૂખા કારોનાને કારણે કામ શરૂ થયે હજી માંડ દોઢ એક મહિનો થયો હતો… હજી પેમેન્ટ છુટયા નહોતા..
દયાળુ દાતાઓના ઘણાઆલબમમા રયલીના ફોટા આ ત્રણ ચાર મહિનામાં સંગ્રહાયા હતા. કીટને ગ્રહણ કરતો રયલીનો દયામણો ચહેરો આપનારની મહાનતાને હજાર ઘણી વધારી દેતો હતો.રયલીના આવા એક્સ્પ્રેશન જન્મજાત હતા.. રયલીને ક્યારેય અભિનય આવડયો નહોતો..
હવે કીટતો બાકી વધેલી કીટની સામગ્રીનુ પણ તળિયુ આવ્યુ હતુ. અને લોકોની દાતાગીરી ઉપર પણ…
જોકે હવે એને દાતાવાળી કીટની જરૂર પણ નહોતી.. કીટ લેતી વખતે એણે પોતાના મન સાથે કેટલા સમાધાન કર્યા હતા એતો એનુ મન જ જાણતુ હતુ.. પણ એ તમામ સમાધાન સાથે સમાધાન કરી ચુકી હતી… પહેલેથી જ…
” આજે એક ઘરેથી પેમેન્ટ છુટવાનુ હતુ.. એટલે આજે પોતાની હેસિયતની બહાર એ ઘરનુ કામ કર્યુ…
” હારુ મું જવ તાંણ.. ”
હા… કહીને જુવાન શેઠાણી મોબાઈલ મચેડવા બેસી ગયા.. પૈસાનુ કહેવા રયલીની જીભના ઉપડી.. દરવાજેથી વળીને એ પાછી આવી..
” મેડમ કાલે ચેટલા વાગે આવુ…”
મોબાઇલમાથી ડોકું કાઢતા શેઠાણી કહયું. ” હં…. કાલે ને? … કાલે સવારે વહેલી આવી જજે…. “કહીને શેઠાણી પાછા ફોનમા ગુંથાઈ ગયા.. રયલી હજુ ઠોયાની જેમ જ ત્યાં જ ઉભી હતી. શેઠાણીને ખ્યાલ આવ્યો કે રયલી હજુ ગઈ નથી.. શેઠાણી પામી ગયા…
” પગાર જોઈએ છે? ”
રયલીએ આશાભરી હા પાડી.. શેઠાણી કબાટ ખોલીને પૈસા લઈ આવ્યા.. આ મહિને તે ત્રણ દિવસ પાડયા એના પૈસા કાપતી નથી.. શુ સમજી? પણ હવે દિવસ ના પાડતી. શુ કહયુ? .. કહીને દયાળુ શેઠાણીએ બે પાંચસો પાંચસોની નોટો રયલીના હાથમા મુકી દીધી.
એ હજાર રુપિયા નહોતા રયલીનુ બેલેન્સ શીટ હતુ.
જમા ખાતે એક હજાર… તો ઉધાર પક્ષે એક લાબુ લચક લીસ્ટ હતુ.
400 તો હાથઉછીના જ ચુકવવાના હતા.. એની મોટીના શરીર માટે આંતર વસ્ત્રો જરુરી બન્યા હતા.. નૅના માટે ય હવે ઢંગના લુગડા નહોતા..પેલી બેય જણીના પાછા અલગ નખરાં હતા.. દવા… કરિયાણુ… લાઈટબિલ…આ હજારમાથી કોને પ્રાથમિકતા આપવી એ પ્રશ્ન હતો..
છતાંય હજાર રુપિયાની ગાંધી છાપ હૂંફ એની ઢીલી છાતીને હૂંફ આપી રહી હતી…
” એય…. માસ્ક કેમ નથી પહેર્યો….” એક કરડાકી ભર્યા અવાજે રયલી વિચારમાથી બહાર આવી…
નિકાળ હજાર રુપિયા.. નામ બોલ તારુ….
રયલી ફાટી આંખે પોલીસવાળાને જોઈ રહી. એની બેલેન્સશીટના ડાબા ભાગને પક્ષાધાત થઈ ગયો.. ધ્રૂજતા ધ્રુજતા પોતાનુ નામ કહયુ. અને રયલીએ એવાજ ધ્રુજતા હાથે પોતાના ઢીલા કબજા માથી બે પાંચસોની નોટો કાઢીને આપી દીધી. પેલાએ પાવતી ફાડીને આપી.. અને રયલીએ પાવતી સ્વીકારી લીધી..
કારણ કે રયલીને જીવનમાં બધુ સ્વીકારવાની આદત હતી.. બધા જ સમાધાન સાથે એણે સમાધાન કરી લીધુ હતુ…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા