રાત્રે જમ્યા બાદ શાંતિ થી ચોતરે બેઠો હતો. એક નિવૃત શિક્ષક મારી પાસે આવીને બેઠા. મે પૂછ્યું જમ્યા સાહેબ? પણ એમનું મન કઈ અલગ વિચાર કરતુ હતું એમણે મને કોઈ જ પ્રતિઉત્તર ના આપ્યો. હું પણ શાંતિથી બેસી રહયો. અચાનક સાહેબે મને પૂછ્યું “પેલુ કુતરા નું ગલુડિયું જોયું? બે દિવસ થી કઈ ખાતું પીતું નથી “.
મે જવાબ આપ્યો કે “હા સાહેબ પેલું કાળું હતું એજ ને?
ગઈ કાલે એ ધ્રુજતુ હતું. ”
સાહેબે પ્લાસ્ટિકની થેલી બતાવી કહયું કે “એના માટે જમવાનું લાવ્યો છું. ગઈ કાલે પણ લાવ્યો હતો પણ એણે ના ખાધું. ”
સાહેબે વાત ચાલુ રાખી કે આજે એમણે એ ગલૂડિયાંને સારુ થઇ જાય એ માટે ઉપવાસ રાખ્યો હતો. અને એ ગલૂડિયાંની ચિંતા એમના મુખ પર સ્પષ્ટ પણે દેખાતી હતી.
મે સાંત્વના આપી ને કહયું કે સાહેબ મારાથી પણ એનું દુઃખ નથી જોવાતું. પણ આપણે એની સંભાળ લીધા બીજું શું કરી શકીએ?
સાહેબે કહયું “આપણે એના માટે પ્રાર્થના કરી શકીએ. ”
એટલાં માં કોઈએ કહયું કે પેલું ગલુડિયું ત્યાં સૂતું છે. સાહેબ અચાનક ઉભા થઇ બાજુ ના ઘરે થી પાણી ભરી એ ગલૂડિયાં ને જમાડવા નીકળી ગયા.
હું ત્યાંજ બેઠો બેઠો એમને જોતો રહયો…
ખુશી એ વાત ની હતી કે હું એકલો જ નથી કે જે કુતરા માટે ઉપવાસ કરી એમના માટે પ્રાર્થના કરૂ છું. આજે સાહેબને મળીને ખૂબ સારુ લાગ્યું કે હું એકલો નથી.