*“ છેલ્લો પત્ર”*માતા-પિતા અને સંતાન બધાએ આ વાર્તા વાંચવી જોઈએ…

માતા-પિતા અને સંતાન બધાએ આ વાર્તા વાંચવી જોઈએ…

અંત સુધી વાંચજો

*“ છેલ્લો પત્ર”*

ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઉભી રહી. આ એક નાનકડું રેલવે સ્ટેશનહતું.

“પરશોતમ કાનજી” એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા, સાથે બે મોટા મોટા થેલા હતાં.

ટ્રેઈનની વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરશોતમદાસ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યાં.

સામેથી જ કરશન દેખાયો.
એ દોડ્યો અને પરશોતમદાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો.

“દાસ સાહેબ, અમદાવાદ જઈ આવ્યાં.?”

“હા, ઘણાં દિવસથી ગયો નહોતો એટલે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવાજૂની છે એ કહે” પરશોતમદાસજી બોલ્યાં.

“બસ કશું જ નવીનમાં નથી,
પણ તમે તમારું મકાન વેચીને જતાં રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે”

કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો, અને પોતે રિક્ષા ચાલુ કરી અને પાછળ પરશોતમદાસજી ગોઠવાઈ ગયાં.

“એવું કોણે કીધું તને કે હું મારું મકાન વેચવા કાઢું છું”
પરશોતમદાસજી એ કરશન સામે જોઇને કહ્યું.

રિક્ષા ધીમે ધીમે ચાલતી હતી.
રસ્તામાં મળતાં પરિચિતો દાસજી સામે જોઇને સ્મિત કરતાં હતાં ને હાથ હલાવતાં.

“મને કલર કામ કરવાવાળો ટીકુડો કહેતો હતો. દાસજીનો છોકરો મકાન વેચી નાંખવાનો છે અને શહેરમાં નવું મકાન લેશે અને દાસજીને ત્યાં લઇ જશે.”

પરશોતમદાસકાનજી ને આ ગામમાં બધાં “દાસજી” કહેતાં હતાં. ગામની ત્રણ પેઢીને ભણાવીને એ છેલ્લાં ચાર વરસથી નિવૃતીનું જીવન ગાળતાં હતાં.
મોટો દીકરો મયંક બાજુના શહેરમાં બેંકમાં મેનેજર હતો. આશરે ૩૦ વરસની વયે છેલ્લે છેલ્લે મયંકને નોકરી મળી હતી. અને બે વરસ પછી તો મયંક પરણી ગયો હતો. અને આજે મયંકને ત્યાં બે સંતાનો પણ હતાં.

બે વરસ પહેલાં જ દાસજીના પત્ની અવસાન પામ્યા હતાં અને દાસજી સાવ એકલા અટુલા પડી ગયાં હતાં. નાના એવા નગરનાં એક જાણીતાં વિસ્તારમાં દાસજીનું ઘર આવ્યું એટલે ઓટો રિક્ષા ઉભી રહી. અને એ રિક્ષામાંથી ઉતરીને પોતાના ઘરનાં દરવાજા પાસે ગયાં અને ડોરબેલ વગાડી. કરશન બંને થેલા મુકીને જતો રહ્યો. મયંકની પત્ની વનિતાએ બારણું ખોલ્યું. અને દાસજી પોતાના મકાનમાં પ્રવેશ્યાં.

મયંકનો નાનો દીકરો કિશન દોડ્યો.

“દાદાજી આવ્યા, દાદાજી આવ્યા…દાદાજી મારે માટે શું લાવ્યાં”?

અને પરશોતમદાસ નો બધો જ થાક કિશનને જોઈને ઉતરી ગયો.

એ જેવો કિશનને તેડવા જાય છે ત્યાં વનીતાનો અવાજ સંભળાયો.

“કિશન, હોમવર્ક બાકી છે એ કોણ કરશે.? અને ડોકટરે ના પાડી છે ને કે ચોકલેટ ના ખાવાની, દાંતમાં કીડા પડી જાય છે, કેટલી વાર કીધું કે તારે હોમવર્ક કર્યા સિવાય ક્યાંય નથી જવાનું, તોય શરમ નથી તને.?”

અને કિશન થીજી જ ગયો. અને સાથોસાથ દાસજી પણ !

ગામ આખું જેના વખાણ કરતાં નહોતું થાકતું એ દાસજી પોતાના ઘરમાં આ જ રીતે હડધૂત થતા હતાં.

મયંક તો આઠ વાગ્યે સવારે જતો રહે તે છેક સાંજના સાત વાગ્યે આવતો.

આખો દિવસ દાસજી પોતાના રૂમમાં એકલા બેસી રહેતાં.
સવારે આઠ વાગ્યે એક કપ ચા મયંકની દીકરી વૈશાલી આપી જતી. બસ પછી તો બાર વાગ્યે એક થાળી રૂમમાં આવી જતી. એ થાળીમાં જે હોય એ ખાઈ લેવાનું. જો કોઈ વસ્તુ માંગે કે રસોડામાંથી વનીતાનો અવાજ સંભાળતો.

“હવે ઘરડે ઘડપણે સ્વાદના ચટકા ઓછા કરો. માંદા પડશો તો કોણ સેવા ચાકરી કરશે ? આખી જિંદગી માસ્તરની કાઢી પણ સમજ ના આવી તે ના જ આવી. જેમ ઉંમર વધતી જાય એમ ભોજન ઓછું અને ભજન વધારે કરવું જોઈએ.આખો દિવસ ઘરે જ ટોચાયા હોય… માણસ હોય તો બે ઘડી બહાર આંટો મારી આવે”

અને દાસજી બધું જ સાંભળીને બહાર નગરમાં ફરવા ચાલ્યા જાય, જેવા બહાર નીકળે કે લોકો એમને માન સન્માન આપે. કોઈ એને ચા પીવા પણ લઇ જાય.
એનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આદર આપે ને ઘરનો કંકાસ દાસજી ભૂલી જતાં. બગીચામાં જાય, નાના ભૂલકા હોય એને વાતો કહે, કવિતા ગવરાવે, છોકરાઓને ગમવા લાગ્યા પણ પોતાના દીકરાના સંતાનોને રમાડવાની ઈચ્છા મનમાં જ રહી જાય. ક્યારેક વનિતા બહાર ગઈ હોય ત્યારે પરશોતમદાસ વૈશાલી અને કિશનને પાસે બેસાડીવહાલથી વાતો કરી લે પણ જેવી ડોરબેલ વાગે કે વનીતાની આચારસંહિતા અને પરશોતમ દાસની લાચારસંહિતા લાગી જાય.

એવું નહોતું કે એણે મયંકના કાને આ વાત નહોતી નાંખી. જયારે મયંક ને વનિતા વિષે કીધું ત્યારે મયંક એવું બોલેલો કે એમણે એ વાત બીજી વાર કરી જ નહિ.

“તમારી મતિ ભ્રષ્ટ થઇ ગઈ છે બાપુજી ! હવે તો નિવૃત થયા છો એટલે તો વેદીયાપણું મુકો ! મારી વનિતા આવું વર્તન કરે જ નહિ પણ તમારી માનસિક હાલત હવે બગડી ગઈ છે ! એવું હોય તો આપણે દવાખાને જઈ આવીએ ! તમને આટઆટલા તો સાચવીએ છીએ અને જો વનિતા એવી હોયને તો તમને ક્યારનાય વૃધ્ધાશ્રમમાં ના મોકલ્યા હોય. આ તો તમારે હવે જાતિ જિંદગીએ અમને ભૂંડા લગાડવા છે ને તમે કેટલાં દુખી છો એ સમાજને બતાવવું છે એટલે આવા નાટક તમે કરો છો ! તમે તમારા સગા દીકરાના ઘરમાં શાંતિ રહે એ જોઈ શકતા નથી ખરુંને..?”

મયંકના આ શબ્દો એના કાળજામાં ધગધગતા ખીલાની જેમ ઝખમ આપી ગયાં હતાં.

એ સમજતા હતાં કે મારા પેન્શનના વીસ હજાર આવે છે ને એટલે જ તમે મને ભેગો રાખ્યો છે,નહીં તો ક્યારનોય બહાર તગેડી મુક્યો હોત. પોતાનાં રૂમમાં ટીંગાડેલા પત્નીના ફોટા આગળ દાસજી આંસુ પાડી લેતા.

અને એમાય પંદર દિવસ પહેલા એણે વાત કરી કે જુના મિત્રોને મળવા અમદાવાદ જવું છે, તરત જ વનિતા વહુની આંખમાં ચમક આવી ગઈ હતી. બે થેલા એણે તરત જ તૈયાર કરી દીધાં હતાં. અને આજે આવ્યા ત્યારે વહુના મોઢા પર એક નફરતની લાગણી હતી.

“સાંજે મયંક આવ્યો એ પોતાના ઓરડાના બાર સાખે ઉભા હતાં, મયંકે અછડતી નજર નાંખી અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.

આ આખું મકાન એણે અને એની પત્નીએ જીવ દઈને બનાવ્યું હતું.

છેલ્લા કેટલાક સમયથી મયંક અને વનિતા શહેરમાં સેટલ થવાનો વિચાર કરતાં હતાં. દર મહિનાની પહેલી તારીખે સવારમાં આઠ વાગ્યે મયંક તેના રૂમ પર આવતો એને બાઈક પર બેસાડી ને બેન્કે લઇ જતો. પેન્શનના ૨૦૦૦૦ રૂપિયા એ લઇ લેતો. પછીના બે કે ત્રણ દિવસ ઘરમાં શાંતિ રહેતી વળી પાછો વનીતાનો કકળાટ પેલી તારીખ ના આવે ત્યાં સુધી શરુ રહેતો.

દાસજીને મયંક સાથે વાત કરવી હતી.

મયંકે પોતાને પૂછ્યા વગર આ ઘર વેચવા તૈયાર થયો હતો.

અત્યારે આ મોકાના મકાનના સારા પૈસા આવે એમ હતાં અને એમાંથી એ શહેરમાં એક ફ્લેટ લેવાનો હતો એ બાબત એને વાત કરવી હતી.

જમીને મયંક બહાર જતો રહ્યો અને વળી પાછા દાસજી રાહ જોતા રહી ગયાં.

છેવટે એણે એક ફૂલ સ્કેપ કાગળ કાઢ્યો અને એમાં એક પત્ર લખ્યો.બે વાર વાંચ્યો અને પોતાની પત્નીના ફોટા સામે જોઈ રહ્યા. અગિયારેક વાગ્યા હશે ને ડોરબેલનો અવાજ આવ્યો.

પરશોતમદાસજી મક્કમ ડગલે ઉભા રહ્યા અને બોલ્યાં.

“મયંક, અહી આવ તો કામ છે તારું”

મયંકે નજર પણ ના નાખી અને બોલ્યો.

“કામ હોય તો સવારે કહેજો એક તો આખા દિવસ બેંકમાં થાકી જતાં હોઈએ અને ઘરે આવીએ ત્યાં તમારી રામાયણ ઉભી જ હોય”

પણ દાસજી મક્કમતાથી બોલ્યાં.

“સવારે મોડું થઇ જશે ! ખુબ જ મોડું એટલે જ કહું છું કે અત્યારે હું કામ પતાવી લઉં.
કામમાં બીજું તો કશું જ નથી બસ એક આ પત્ર તને આપવાનો છે, એ વાંચી લેજે બાકી મારે તારો ટાઇમ જોતો પણ નથી મયંક!! મારી પાસે તો હજુ પુષ્કળ ટાઈમ છે જ”

આટલું કહીને દાસજીએ એક પત્ર આપ્યો.

આજ એની આંખો ધારદાર હતી.

વનિતા પણ દૂર ઉભી રહીને આ બધું જોતી હતી.

આજ એને પણ સસરાજીનું વર્તન સમજમાં ના આવ્યું.

પરશોતમદાસ પત્ર આપીને પોતાના રૂમમાં જતાં રહ્યા અને સુઈ ગયાં હવે જાગવાનો વારો વનિતા અને મયંકનો હતો !

મયંકે પત્ર વાંચવાનો શરુ કર્યો. બાજુમાં વનિતા બેઠી હતી.

પ્રિય મયંક અને મારા વહાલા પૌત્રો વૈશાલી અને કિશન આપ સહુની કુશળતા ચાહું છું. આપની પાસે સમય નહોતો એટલે ના છુટકે મારે આજ પત્ર લખવો પડે છે. આ મારો છેલ્લો પત્ર છે.

હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી જીંદગીમાં તકલીફો સહન કરી છે.

મારા પિતા એક સામાન્ય ખેત મજૂર હતાં અને હું સહુથી મોટો હતો અને મારી પછી બીજા ત્રણ ભાઈ બહેનો હતાં એટલે મારું બાળપણ એકદમ સંઘર્ષમય હતું.

હું નાનો હતો ત્યારથી દાડીએ જતો. આ નગરની કોઈ એવી સીમ નહિ હોય કે જ્યાં મેં મજુરી કામ નહિ કર્યું હોય. સાંજે મજૂરીએથી આવતો ત્યારે મારા નાના ભાઈ બહેનો મારા પિતાજી કે માતાજી ના ખોળામાં રમતાં હોય કે સુતાં હોય, મને પણ ઈચ્છા થતી કે મને પણ કોઈ આવા લાડ લડાવે, પણ એ ઈચ્છા હું મનમાં દાબી દેતો.

મારા ભાઈઓ અને બહેનો થોડા મોટા થયાં કે મારા પિતાજી અવસાન પામ્યા, અને માતા પણ બીમાર જ રહેતી એટલે હવે ઘરની બધી જ જવાબદારી મારા માથે આવી ગઈ હતી.

હું ઘરે બેસીને રાતે ભણતો અને દિવસે વાડીઓમાં મજૂરીએ જતો.

ભાઈઓ મોટા થતા ગયાં અને ખર્ચા વધતાં ગયાં.

બે બહેનોને પરણાવી.

મારી પહેલાં નાના
ભાઈઓને પરણાવ્યા.

બધે મારી વાહ વાહ થવા લાગી. ત્યારે શાળાંત પાસ ને શિક્ષકની નોકરી મળી જતી.

મને પણ મળી ગઈ.

ભાઈઓ પાંખો આવી એમ ઉડી ગયાં.

મનમાં થતું કે હું કોના માટે જીવું છું.

પણ પછી એમ થતું કે હવે મારા સંતાનો થશે પછી મને સુખ મળશે.

તારી મમ્મી પણ હું નિશાળે જાવ પછી ગામના કામ કરવા જતી.

અમે પાઈ પાઈ બચાવતા.

એ વખતે પગાર ટૂંકો તારો જન્મ થયાં પછી હું આ નગરમાં વેપારી પેઢીના નામાં લખતો. એમાંથી જે રકમ આવે એ હું દર મહીને પોસ્ટમાં મુકતો. કયારેય સારું લૂગડું મેં નથી પહેર્યું.

એક વખત તું આઠ વરસનો હતો અને તે જીદ કરી હતી કે મારે નવા બુટ જોઈએ છે અને હું શહેરમાં ગયેલો. બુટ તો મેં લઇ લીધેલા પણ ભાડાના પૈસા નહોતા વધ્યા. હું વિસ કિલોમીટર ચાલીને સવારે ઘરે પહોંચેલો પણ તને બુટ અપાવેલા.

ધીમે ધીમે મેં ટ્યુશન કર્યા. રકમ બચાવતો એ પોસ્ટમાં મુકતો ગયો.

અત્યારે જે આ મકાન છે એ ત્યારે સાવ છેવાડાનું ગણાતું અને આ જગ્યા સાવ સસ્તામાં મળેલી.

રાતેરાતે હું અને તારી માં આ મકાન ચણતા ! કડિયાના છોકરાને હું મફત ભણાવતો એટલે એ રાતે બાર વાગ્યા સુધી એમને એમ ચણવા આવતો, આમાં જે ઈંટ વપરાઈ છે ને તે એક એક ઈંટ મેં અને તારી માએ ઉપાડેલી ઈંટ છે. આ રીતે આખું મકાન તૈયાર થતાં સાત વરસ લાગેલા.

પછી તો પગાર વધ્યો પણ મેં કરકસર ના છોડી.

તું બી કોમ થયો, તને નોકરી મળી તારા લગ્ન કર્યા પછી મને એમ થતું હતું કે હવે સુખના દિવસો આવ્યા છે.

પણ કેવા દિવસો !

તારા સંતાનોને હું ના રમાડી શકું !

જે આખું ઘર મેં મારી મહેનતથી બનાવેલું છે એ ઘરમાં બીજે ફરવાનો પણ મને હક નહિ !

તારી પત્નીનો તિરસ્કાર મારે સહન કરવાનો !

એ બધું તો ઠીક પણ હવે તારે આ મકાન વેચીને શહેરમાં ફલેટ લેવો છે.

તે આખા ગામમાં વાત કરી પણ મને તો પૂછ્યું જ નહિ..?

હું અંદરથી હલી ગયો છું !

હું હવે મારી રીતે જીવવા માંગુ છું,

હું જે રકમ પોસ્ટમાં મુકતો એ ડબલ થતી હતી એ રકમ પણ પાછી પોસ્ટમાં મૂકી દેતો હતો આમને આમ આ રકમ હવે એવડી થઇ ગઈ છે કે દર મહીને ૨૦૦૦૦ હજાર જેટલી રકમ મને મળે છે.

આ વાત મેં તને કદી નથી કરી. મને એમ હતું કે ક્યારેક દીકરાને સરપ્રાઈઝ આપીશ, મારું પેન્શન તો જુદુ જ આવે છે.

હું છેલ્લા પંદર દિવસ અમદાવાદમાં મારા એવા મિત્રોને મળ્યો છું કે જે મારી જેવી જ હાલાકી ભોગવે છે.

અમુક તો ઘરડાં ઘરમાં છે.

અત્યારે ઘરે આલ્શેસિયન કુતરો પોસાય પણ ગરીબ ગાય જેવા માં બાપ નથી પોસાતા અને આમાં વાંક માં બાપનો જ છે,

એ પોતાની જિંદગી પોતાના સંતાનોના જીવન પાછળ ખર્ચે છે બસ એ આશયથી કે બાકીની જિંદગી સંતાનો એની જિંદગી એમની પાછળ ગાળે એમની વાતો સાંભળે.

બસ અહી જ માં બાપ ભૂલ કરે છે.

પછી સંતાનો એની દુનિયામાં એટલા મશગુલ હોય છે કે એ બધું જ ભૂલી જાય છે અને અચાનક જ એટલા મોટા થઇ જાય છે કે માં બાપને સલાહ આપવા લાગે છે.

એટલે મેં એક નિર્ણય લીધો છે બે દિવસ પછી મારા આઠ મિત્રો અહી રહેવા આવશે. આ ઘરમાં, કારણકે આ મારું ઘર છે, મારી માલિકીનું છે.
અમે સાથે અહી રહીશું.

બે જણને રાંધતા આવડે છે એ જેવું બનાવે એવું ખાઈ લઈશું.

મારી પેન્શનની રકમ માંથી અને બચતની રકમમાંથી સરસ રીતે ઘર ચાલશે.

તમારી પાસે બે દિવસનો સમય છે. તમારી વ્યવસ્થા તમે કરી લો. ભાડે રહેવું હોય તો ભાડે રહેજો જે કરવું હોય એ પણ બે દિવસમાં તમારે જતું રહેવાનું છે મન ફાવે ત્યાં.

આ મકાન પર મેં મોટા અક્ષરે “મયંક” લખેલું છે એ કાલે જ દૂર થઇ જશે. અને ત્યાં “ખીલખીલાટ” લખાઈ જશે.

અમારે હવે વૃદ્ધ થવું જ નથી. ફરીથી નાના બાળક જેવું થવું છે.

મારા જે આઠ મિત્રો આવે છે એનામાં કોઈને કોઈ આવડત છે જ એમાં એક તો ડોકટર પણ છે. એ અમારી તબિયત પણ સાચવશે.

આ મારો ફાઈનલ નિર્ણય છે. કોઈજ વાતચીત હું કરવા માંગતો નથી. હવે હું મારા માટે જીવવા માંગુ છું. કોઈ મને તરછોડે એ પહેલા જ હું એને સંપૂર્ણ તરછોડી દઉં છું.

કારણકે જમાના પ્રમાણે સંતાનો બદલાઈ જાય તો માં બાપ શા માટે નહિ??

બસ એજ પોતાની માટે જીવવા માંગતો.

*પરશોતમદાસ કાનજી*

અને બે દિવસ પછી જ મયંક અને માલતી પોતાના સંતાનો સાથે ચાલી નીકળ્યાં.

નીકળતા પહેલા એ આશીર્વાદ લેવા ગયાં હતાં પણ દાસજીએ કીધું કે લગ્ન થયાં પછી સંતાનોને આશીર્વાદની કોઈ જ જરૂર રહેતી નથી.

એ પોતાના નિર્ણયમાં અફર રહ્યા અને આજે એ
“ખીલખીલાટ” બંગલામાં નવ વ્યક્તિઓ જીવન જીવી રહ્યા છે.

આજુબાજુના ગામોમાં ખુબ ચર્ચા થઇ પણ કોઈ આમાં પરશોતમદાસજીનો વાંક જોતું નથી.

*ગમે તો આગળ મોકલશો.*