કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા સુરતમાં ઊભી કરવામાં આવશેઃ આરોગ્ય અગ્ર સચિવ

સુરતને કોરોનામુક્ત બનાવવા અને કોરોના સામેની લડાઈને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી સિવિલ કોવિડ ૧૯ હોસ્પિટલમાં નવા ૬૦૦ બેડ અને નવા ૧૮૦ આઈ.સી.યુ.ની ફાળવણી કરવાની જાહેરાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ આજે સુરત મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કોવિડ હોસ્પિટલમાં નવી વ્યવસ્થાઓ વધારવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ થઇ ચૂક્યું છે એમ તેમણે કહ્યું હતું.

કોરોના વાયરસના સંક્રમણને ડામવા માટે રાજ્ય સરકારના સતત સહયોગથી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપતાં ડો.જયંતિ રવિએ કહ્યું કે, સુરતમાં સતત વધી રહેલા કેસોની સ્થિતિ અને તેના નિવારાત્મક પગલાઓ અંગે રાજ્ય સરકાર ગંભીર છે. શહેરીજનોની આરોગ્ય અને સુખાકારી જળવાય રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની ૩૭ જેટલી ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ૨,૦૦૦ થી પણ વધુ બેડની વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય તંત્ર ખડે પગે છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા વધુ સઘન અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે, જેના ભાગરૂપે પાટીદાર સમાજ અને વાટલીયા પ્રજાપતિ સમાજના આગેવાનો સાથે બેઠકો કરીને દેશભરમાં નવતર પહેલરૂપે આ જ્ઞાતિ સમૂહની સમાજ વાડીમાં કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર ઊભા કરવામાં આવશે, અને સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર સાથે લિંકઅપ કરાશે. આ બંને બંને સમાજના આગેવાનોએ સહમતિ દર્શાવીને જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હોવાનું આરોગ્ય સચિવશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, હોમ આઈસોલેશનનો કોન્સેપ્ટ વિશ્વમાં સ્વીકાર્ય બન્યો છે, આવા સંજોગોમાં લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરમાં આઈસોલેટ કરી શકાય અને તેમની સારવાર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તેમના ઘરમાં જ કરવામાં આવશે. આજે સુરતમાં ૩૫૦ લોકો હોમ આઇસોલેશનમાં જોડાયા છે

અગ્ર સચિવે જણાવ્યું કે, શહેરમાં લોકોજાગૃતિ માટે સેવાભાવી સામાજિક સંસ્થાઓ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી શકશે. શહેરમાં શરૂ કરાયેલાં ૧૦૫ જેટલાં ધન્વંતરિ રથમાં નોર્મલ તાવ, શરદી, ઉધરસ જેવા સામાન્ય પ્રાથમિક લક્ષણો ધરાવતા શહેરીજનોને ઘરઆંગણે નિદાન અને પ્રાથમિક સારવાર અપાશે. સાથોસાથ ૨૪ કલાક કાર્યરત ૧૦૪ ફિવર હેલ્પલાઇનમાં કોલ કરવાંથી તાવ, શરદી, ઉધરસ જેવા રોગોની ઘરે બેઠાં સારવાર આપવામાં આવશે. ૧૦૪ હેલ્પલાઇન પર કોલ કરનારનો કોર્પોરેશનની આરોગ્ય ટીમ સંપર્ક કરી તેના ઘરે આવી પ્રાથમિક તપાસ કરશે અને જરૂરી જણાશે તો વધુ સારવાર અર્થે સિવિલમાં રિફર કરાશે. શહેરીજનો જાગૃત્ત બની વિનાસંકોચે આ હેલ્થ હેલ્પલાઇનનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે એવો પણ તેમણે અનુરોધ કર્યો હતો.

નવી સિવિલ કેમ્પસની સ્ટેમસેલ બિલ્ડીંગમાં અદ્યતન પ્લાઝમા બેંક પણ સ્થાપવામાં આવશે, જેમાં કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરાશે. રાજ્યમાં મેડિકલ, ડેન્ટલ અને પેરા મેડિકલની પરીક્ષા મોકૂફ રખાઇ છે. આ પરીક્ષા અંગે કેન્દ્ર સરકારની ચોક્કસ ગાઇડલાઇન આવશે, ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એમ તેવી માહિતી ડો.જયંતિ રવિએ આપી હતી. કોન્ફરન્સમાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, ઓ.એસ.ડી. મિલિંદ તોરવણે પણ જોડાયા હતા.