ભાવનગરમાં કણબી વાડ, મામા કોઠા રોડ, દિવાનપરા રોડ, ભગા તળાવ, જમાદાર શેરી. પીરછલ્લા શેરી, રાણીકા, માણેકવાડી, વડવા જેવા ગામ વિસ્તારના રહેણાંક હોય કે આંબાવાડી, ઘોઘા સર્કલ, હિલ ડ્રાઈવ કૃષ્ણનગર જેવા પ્લોટ વિસ્તાર હોય, આ બધામાં કોઈ એક બાબત કોમન હોય તો તે દરેક ઘરમાં હિંચકો કે હિંડોળો હોય તે. ભાવનગરમાં હિંચકા વગરના બહુ ઓછા ઘર જોવા મળશે.
હિંચકાની શોધ આપણા દેશમાં નથી થઈ. દક્ષિણ અમેરીકાના “હેમકા” નામના ઝાડ ઉપરથી હિંચકો શબ્દ ઉતરી આવ્યો છે. અમેરીકાની જેણે શોધ કરી તે ક્રિસ્ટોફર કોલંબસ બહામા ટાપુ ઉપર ઉતર્યો ત્યાં તેણે સ્થાનિક પ્રજાને હેમકા ના બે વૃક્ષો વચ્ચે કપડું બાંધીને હિંચકતા અને સુતેલા જોયા. કોલંબસને આશ્ચર્ય થયું કે આ વળી શું ? તે આ આઈડીયા યુરોપમાં લાવ્યો. ખાસ કરીને સૈનિકો જે ભીની માટીમાં સુતા હતા તેને બદલે જંગલમાં આ પ્રકારના હિંચકા બાંધીને સુવાનું શરૂ કર્યું.
હિંચકા ઉપર ઝૂલવાથી શરીરનો થાક દૂર થઈ જતો હતો અને આરામ મળતો હતો તે વાત કોલંબસ સૈનિકોની સુધરેલી તબીયત ઉપરથી જાણી ગયો. ઉનાળાની રુતુમાં હિંચકા પર ઝૂલવાથી સૈનિકો ઝડપથી સુઈ જતા હતા. પરંતુ યુરોપના લોકોએ શોધી કાઢ્યું કે આ રીતે બાળકને સુવાડી દેવાથી લાંબા સમય સુધી રડ્યા વગર સુઈ રહેતું હોય છે. હિંચકાની સાથે દોરી બાંધી ઘડીયાળના લોલક ની જેમ બાળકોને ઝૂલાવાનું શરૂ થયું. હિંચકા ઉપર સુવાથી જમીન ઉપરના જીવ જંતુઓ કરડતા નહી, સુવા માટેની સલામતી વધી ગઈ.
હિંચકાનું વળગણ લોકોને એટલું થઈ ગયું કે ધીમે ધીમે સમગ્ર યુરોપના દેશોમાં હિંચકો ફેલાઈ ગયો. બાળકોને હિંચકો એટલો ગમવા લાગ્યો કે બગીચાઓમાં સંખ્યાબધ્ધ હિંચકા ગોઠવાવા લાગ્યા. કાપડની જગ્યાએ ત્યાર બાદ લાકડા અને લોખંડના હિંચકાનો વપરાશ શરૂ થયો કારણ કે તે ટકાઉ અને મજબૂત હતા અનેર તેમાં પણ અનેક જાતની વેરાયટી આવવા લાગી. ચકડોળ, મેરી ગો રાઉન્ડ, ઘોડા, વાઘ, સિંહ. હાથીના મૉઢાવાળા હિંચકા ઉપર બેસીને બાળકો હિંચકાની લહેજત ઉઠાવતા.
ભારતમાં પોર્ટુગીઝ લોકોનું આગમન થયું તેની સાથે તે હિંચકો પણ લેતા આવ્યા. અને દક્ષિણ ભારતમાં સર્વ પ્રથમવાર હિંચકાનો ઉપયોગ શરૂ થયો. દક્ષિણ ભારત એટલે કેરળ, તમિલનાડું, પોંડીચેરીમાં પોર્ટુગીઝોએ મકાનની છત ઉપર બે કડા બાંધી લાકડાના પાટીયાને દોરડાથી બાંધી આજના આધુનિક હિંચકાની ભારતમાં શરૂઆત કરી. હિંચકાનો જાદુ એવો પ્રસરી ગયો હતો કે ભારતના સમૃધ્ધ જમીનદારોના ઘરોમાં તેનો વપરાશ અચૂક થવા લાગ્યો. અંગ્રેજોએ દેશમાં જ્યાં જ્યાં તેમના થાણા હતા ત્યાં કાપડવાળા હિંચકા શરૂ કર્યા હતા તેની જગ્યાએ બંગલાના વરંડા કે પોર્ચ અને સાદી ભાષામાં ઓસરીમાં લાક્ડાના કડાવાળા હિંચકા શરૂ કર્યા. જે ભારતમાં એકદમ લોકપ્રિય થઈ ગયા.
ગુજરાતમાં એક માળના મકાનો અને છુટા મકાનો હતા એટલે ગુજરાતી પ્રજાએ ઝડપથી હિંચકાને આત્મસાત કરી દીધો. હિંચકો આપણા જીવનમાં ગાઢ રીતે વણાઈ ગયો. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં હિંચકો એક આનંદનું સ્થાન બની ગયું. અમદાવાદના શ્રેષ્ઠીઓ અમે મીલમાલીકોના બંગલા/ઘરમાં હિંચકાનું એક કાયમી સરનામું થઈ ગયું હતું. હિંચકાની લોકપ્રિયતાથી તેમાં જાતજાતના હિંચકા બનવા લાગ્યા. પાછળ ટેકાવાળા, થાંભલીવાળા, બેલ્જીયમ ગ્લાસ લગાવેલા, અને હવે સનમાઈકા અને સ્ટીલના હિંચકા આવવા લાગ્યા છે.
ભાવનગરમાં દિવાનપરા રોડ ઉપર આવેલ નાગર ગૃહસ્થોના ઘરોમાં સર્વ પ્રથમ વાર હિંચકાનું આગમન થયેલું જે ધીમે ધીમે આખાય શહેરમાં ફેલાઈ ગયું. ભાવનગરના ઘરોની રચના જ એ પ્રકારની છે કે તેમાં આગલા પ્રવેશદ્વાર પાસે હિંચકાનું સ્થાન હોય. હિંચકાની આગળ જ મુખ્ય રસ્તા ઉપર પડ્તો ઑટલો હોય, તેથી કુટુમ્બના વડીલ સજ્જન અને સન્નારી હિંચકા ઉપર બેઠા હોય અને અન્ય લોકો ઑટલા ઉપર બેસી રસિક વાતો ની ઝ્યાફત ઉઠાવતા હોય.
હિંચકા પર ઝૂલવાની પણ એક કળા છે. ધીમે ધીમે પગની ઠેસીથી હિંચકાને ઘડીયાળના લોલકની જેમ ઝૂલાવાનો અને પવનની મસ્ત લહેરખી તમારા મસ્તક ઉપર સવાર થઈને તમને એક અલૌકિક દુનિયામાં લઈ જઈ આનંદ કરાવી દે તે રીતે ઝૂલવાનું. આપણા સામાજિક જીવન સાથે હિંચકો એટલો બધો વણાઈ ગયો છે કે હિંચકા વગરના ઘરની કલ્પના પણ ના થઈ શકે. હિંચકો વાતચીત કરવાનું, ચર્ચા કરવાનું, અખબાર વાંચવાનું, જમ્યા પછી આડે પડખે થવાનું કે સુવા માટેનું હાથવગું સ્થળ બની ગયેલ છે. અને સજોડે બેઠેલા પતિ પત્નિ માટે તો હિંચકો એટલે “કેવા રે મળેલા મનના મેળ” !!!