*ઉચ્ચ અધિકારીઓએ સેવારત ડોક્ટર્સ, નર્સ પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કામદારોની સેવા સાધનાને બિરદાવી*
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. શ્રીમતી જયંતી રવિ અને આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે એ આજે સિવિલ હોસ્પિટલ સંકુલ, અમદાવાદમાં 1200 બેડની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં આઈ.સી.યુ.અને કોરોના વૉર્ડની મુલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતોથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
ડૉ.શ્રીમતી જયંતી રવિએ કોરોના વૉર્ડની મુલાકાત પછી જણાવ્યું હતું કે, કોરોના વોર્ડમાં સિવિલ હોસ્પિટલના જ નર્સ સરલાબેન મોદી સારવાર લઇ રહ્યા છે. સરલાબેન મોદીની મુલાકાત વખતે તેમણે કહ્યું કે, “મને હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મળી રહી છે અને હું જલદીથી સાજી થઈને પાછી કોવિડ હોસ્પિટલમાં જ કામ કરવા તત્પર છું.” હોસ્પિટલની નર્સના આવા પ્રતિસાદથી ડૉ. શ્રીમતી જયંતી રવિએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
ડૉ. શ્રીમતી જયંતી રવિ અને શ્રી જયપ્રકાશ શિવહરે કોરોના વૉર્ડમાં સેવારત ડોક્ટર, પ્રોફેસર, રેસીડન્ટ, ઈંન્ટર્ન, નર્સ અને સફાઈ કર્મચારીઓ; તમામને વ્યક્તિગત મળ્યા હતા અને તેમની સેવાઓને બિરદાવી હતી. તેમણે તમામને સાંભળીને વધુ સારી સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. દર્દીઓ અને સ્ટાફ સાથેની રૂબરૂ મુલાકાત વેળાએ તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા અને હૉસ્પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી.
કોરોના વૉર્ડમાં ફરજબધ્ધ ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને નર્સની શ્રેષ્ઠ કામગીરીની સરાહના કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. શ્રી જે.પી.મોદી અને અન્ય તબીબો પણ સાથે રહ્યા હતા.