કેન્દ્રીય સંયુકત સચિવ ડી.થારા. કેવડીયા કોલોની ખાતે બેઠક યોજીને થારાએ જિલ્લાની કામગીરી-પ્રગતિની કરેલી સમીક્ષા.

એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા જિલ્લો સર્વાગી વિકાસ સાથે સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે રચનાત્મક સૂચનો સાથે ટીમ નર્મદાને આહવાન કરતા કેન્દ્રીય સંયુકત સચિવ ડી.થારા.
કેવડીયા કોલોની ખાતે બેઠક યોજીને થારાએ જિલ્લાની કામગીરી-પ્રગતિની કરેલી સમીક્ષા.
રાજપીપલા, તા. 14
કેન્દ્રીય નિતી આયોગ દ્રારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ-નર્મદા માટે નિમાયેલા પ્રભારી અધિકારીશ્રી અને કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગના સંયુકત સચિવ ડી.થારાએ નર્મદા જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રોના કુપોષિત અને અતિ કુપોષિત ભૂલકાંઓના પરિવારોને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આવાસ, સ્વરોજગારી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં સરકારશ્રી દ્રારા અમલી વિવિધ યોજનાઓ હેઠળ અપાયેલા લાભોનું ખાસ સર્વેક્ષણ હાથ ધરીને તેના મૂળ સુધી પહોંચીને તેના નિષ્કર્ષરૂપે યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કટિબધ્ધ થવા ટીમ નર્મદાને આહવાન કર્યુ હતું.
જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારી ડૅા. જીન્સી વિલીયમ, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર જેનુ દેવન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડીંડોર, જિલ્લા આયોજન અધિકારી મકવાણા સહિત જિલ્લા પ્રસાશનના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે કેવડીયા કોલોનીના સરકીટ હાઉસ ખાતે શ્રીમતી થારાના અધ્યક્ષપદે યોજાયેલી એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત કેન્દ્રીય નિતી આયોગના પેરામીટર્સ મુજબ જિલ્લામાં આ દિશામાં થયેલી કામગીરી- પ્રગતિની યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતા કેન્દ્રીય સંયુકત સચિવ શ્રીમતી થારાએ જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન અન્ય પ્રવાસન પ્રોજેકટસમાં જિલ્લાના સ્થાનિક લોકોને રોજગારીની તકો વધુ ઉપલબ્ધ બને તે હેતુથી જિલ્લાની નોડલ આઇ.ટી.આઇ. ને અહીંની સ્થાનિક જરૂરીયાત મુજબની રોજગારી માટે પ્રવાસન નિગમના પરામર્શમાં રહીને કૌશલ્યવર્ધનના જરૂરી તાલીમ વર્ગો યોજીને લોકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે જોવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય સચિવ ડી.થારાએ ઉકત બેઠકમાં જિલ્લા માં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-સિંચાઇ, પશુપાલન, ફાઇનાન્સીયલ ઇન્કલુઝન, કૌશલ્યવર્ધન અને માળખાગત સુવિધાઓ વગેરે જેવા ક્ષેત્રોમાં આજપર્યત થયેલી કામગીરી- પ્રગતિની સમીક્ષા કરી હતી અને જે તે ક્ષેત્રમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધિની નજીક પહોંચેલા નર્મદા જિલ્લામાં કામગીરી ઝડપથી આગળ ધપાવીને બાકી લક્ષ્યાંક પૂર્તિ થકી નર્મદા જિલ્લો સમગ્ર દેશમાં અગ્રેસર રહે તે માટે તેમણે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.


રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા