ગાંધીનગર: ગાંધીનગર શહેરના સર્કલ પર ટ્રાફિક સંચાલન સાથે કોરોના સંક્રમણથી બચવા અંગેની નગરજનોને સતત જાગૃત્તિ આપવાનું ઉમદા કાર્ય ગાંધીનગર ટ્રાફિક પોલીસના કોન્સટેબલ શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી કરી રહ્યાં છે.
ગાંધીનગર જિલ્લા સહિત શહેરમાં લોકડાઉન થયું ત્યારેથી જિલ્લા પોલીસના જવાનો પોતાની ફરજ સાથે સાથે માનવીય અભિગમને પણ પ્રાધાન્ય આપ્યું છે. કયાંક ભૂખ્યા લોકોની જઠરઅગ્નિ ઠારી છે. તો કયાંક જરૂરિયાતમંદોની જરૂરિયાત સંતોષી છે. સમગ્ર જિલ્લા અને શહેરમાં લોક ડાઉનની કડક અમલવારી પણ કરાવી છે.
આવું જ અનોખું કાર્ય ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી કરી રહ્યાં છે. ટ્રાફિક પોલીસમાં રોડ બેરીકેટીંગની કામગીરી કરતાં ધર્મેન્દ્રસિંહ સોલંકી કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ગાંધીનગરના વિવિધ સર્કલો પર હાથમાં માઇક લઇ સતત લોકોને કોરોના વાયરસનું સંક્રમણ કેમ અટકાવી શકાય. કોરોનાથી બચવા લોકોએ શું ખાસ તકેદારી રાખવી જેવી વાતોને સતત બોલતા રહે છે. જેથી લોકોમાં આ અંગેની જાગૃત્તિ આવે.
કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સોલંકી કહે છે કે, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડાના માર્ગદર્શન હેઠળ અમારા અધિકારીઓ દ્વારા કોરોના વાયરસના હાહાકાર વચ્ચે માનવીય અભિગમ સાથે કાર્ય કરી લોકોને સતત જાગૃત કરવામાં આવે છે. અમને અમારા પોલીસ ખાતા તરફથી માઇક સિસ્ટમ આપવામાં આવી છે. આ માઇક સિસ્ટમનો ઉપયોગ મારે મારી ફરજ સાથે કરવાનો છે. પરંતુ મારી પાસે સમય હોય ત્યારે હું ગાંધીનગરના વિવિધ સર્કલો ખાતે ટ્રાફિક સિગ્નલ બંધ થાય તે બાજુ ઉભો રહી કોરોના વાયરસ અંગે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડ લાઇનથી લોકોને વાકેફ કરું છું. કોરોના વાયરસના સંક્રમણથી બચવા શું કરવું ? અને શું ન કરવું ? તેની વિસ્તૃત માહિતી આપું છું. કોઇ મને સંભાળે કે નહિ, પણ હું મારું કામ મારી ફરજની જેમ પુરી નિષ્ઠાથી અદા કરું છું. સચિવાલય, શોપીંગ સેન્ટરો અને વિવિધ સેકટરોના વિસ્તારમાં જઇને પણ આ કાર્ય કરું છે.
—————————————————-