આપણે વિશ્વના મહાન વિચારોની આસપાસ ફરીએ છીએ….વિશ્વ નાગરિક બનવા માટે….- દેવલ શાસ્ત્રી.

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ મહાન હતી. માનવજાતને વધુ સુસંસ્કૃત બનાવવો, શોધો કરવી અને નવા વિચારો આપવામાં અથાગ મહેનત કરી છે. આજે પણ આપણા ફીલોસોફર ઉપનિષદથી માંડી સોક્રેટિસ સુધી ચર્ચા કરતા હોય છે.
ગ્રીક સંસ્કૃતિમાં કહેવાતા બુદ્ધિશાળી વર્ગનું વર્ચસ્વ હતું. આ વર્ગ જાતજાતના તર્ક રજૂ કરીને પ્રજાને ભ્રમણામાં જીવવા મજબૂર રાખતો. આ વર્ગ સામે એક અવાજ આવ્યો, લોકોને બુદ્ધિશાળી વર્ગની ભ્રમણામાંથી બહાર કાઢી પોતાની રીતે વિચારવા પ્રેરણા આપી. ગ્રીક ફિલોસોફીનો પ્રારંભ થયો.
આ વ્યક્તિ હતો, સોક્રેટિસ. આશરે પચ્ચીસસો વર્ષ પૂર્વે જન્મેલો સોક્રેટીસે લોકોને પોતાના તર્ક દ્રારા સત્ય સમીપ જવા તૈયાર કર્યા. બાપ સ્કલ્પચર, માતા દાયણ અને સોક્રેટિસ સૈનિક… એથેન્સ સામે લડાઇમાં પણ વિરતાપૂર્વક ભાગ લીધો.
સોક્રેટિસ કહેતા કે લોકો મારી પાસે જ્ઞાન લેવા આવે છે, પણ હું કશું જાણતો જ નથી….પોતાની જાતને અજ્ઞાની માનતા સોક્રેટિસ પાસે શિષ્યોની વણઝાર હતી.
એવું માનવામાં આવે છે સોક્રેટિસ જાડીયો અને વિચિત્ર દેખાવ ધરાવતો હતો, લોકો તેની પાસે સત્ય અને સૌંદર્ય સમજવા આવતા. સોક્રેટિસ ખુલ્લા પગે યુવા શિષ્યો સાથે રખડતા અને એક નંબરના પીયક્કડ હતાં🥃.
સોક્રેટિસ સાથે એનિટસ નામની વ્યક્તિ સાથે દુશ્મની થયેલી, કેમ કે એનિટસનો પુત્ર સોક્રેટિસની ટોળીમાં સામેલ હતો. આ માણસના મહત્વના રોલને કારણે સોક્રેટિસને મૃત્યુની સજા થઈ, જેમાં ઝેર પીવાનું હતું.
મરતી વેળા પણ સોક્રેટિસ કહેતો ગયો કે જીવવું કેવી રીતે એ તો શીખવ્યું, પણ મૃત્યુની કળા પણ શીખવીને જઇશ. આપણે કોઈ રોજિંદા જીવનમાં મરતાં નથી, એટલે આપણને સૌથી વધુ ડર મૃત્યુનો લાગે છે. સોક્રેટિસ જીવનભર અનેક વાતો કહી, પણ કોઈએ લખી નહીં….
એરિસ્ટોક્વિઝ નામના સોક્રેટિસના શિષ્યએ સોક્રેટિસ ના વિચારો ને શબ્દદેહ આપ્યો. એરિસ્ટોક્વિઝ મોટી કાયા ધરાવતો, તેથી તેના શિક્ષકે પ્લેટો નામ આપ્યું.
સોક્રેટિસને જે રીતે સજા કરવામાં આવી એ જોઇ પ્લેટો આસપાસના દેશોમાં દશેક વર્ષ રખડી આવ્યો અને પછી વતનમાં એક ફિલોસોફી માટે સ્કૂલ શરૂ કરી.
પ્લેટો માનતો કે જ્ઞાનની વાતો સમજવી હોય તો કમસેકમ અપની અક્કલ લગાઓ. થોડા બુદ્ધિશાળી બનો. જે ટોળાશાહી કરે છે એ સત્ય છે એ ભ્રમણામાંથી બહાર આવો. મોટાભાગના ટોળા બેવકૂફ સમુદાય હોય છે.
પ્લેટોએ ત્રણ પુસ્તકો લખ્યા. પહેલું યુરોપિયા, જેમાં તંદુરસ્ત સમાજની કલ્પના કરી. સામાજિક કુરિવાજો દૂર કરીને વૈચારિક સમાજની રચના થાય.
પ્લેટોના બીજું પુસ્તક રિપબ્લિક હતું, જેમાં રાજ્ય વ્યવસ્થા વિશે વાતો લખી. સારા શાસક થવા માટે તેણે સારા ફિલોસોફર બનવું જરૂરી છે. પોતાના વ્યવસાય આગળ વધારવાની વાત….😂
ત્રીજું પુસ્તક અધુરું રહ્યું ને પ્લેટો નિધન પામ્યા, જેનું નામ હતું લૉજ. તંદુરસ્ત રાષ્ટ્ર અને સમાજ માટે કાયદાની ચર્ચા કરી હતી, જેમાં તમામ નાગરિકોને સમાન અધિકાર મળવા જોઈએ. આ વાત એકવીસમી સદીમાં સામાન્ય લાગે પણ એ યુગમાં ક્રાન્તિ હતી. આ પ્રકારના વિચારો પરથી તો આધુનિક સમાજની રચના થઈ હશે.
પ્લેટો મૃત્યુ પામ્યાના બીજા વર્ષે એરિસ્ટોટલ પેદા થયા, જેણે સિકંદરને શિક્ષણ આપ્યું હતું. એરિસ્ટોટલ દર્શન શાસ્ત્ર, કવિતાઓ, રાજનીતિ, જ્યોતિષ, ફિઝિક્સ જેવા વિષયોમાં અનુપમ જ્ઞાન પ્રદાન કર્યું. એરિસ્ટોટલ બંનેના એટલે કે સોક્રેટીસ અને પ્લેટોના વિચારોનો અભ્યાસુ હતો. પોલિટિક્સ નામના ગ્રંથમાં સરકરોની સારી અને ખરાબ બાબતો સમજાવી તો એથિક્સ નામના પુસ્તકમાં લખ્યું કે કોઈ પણ બાબતમાં અતિરેક સારો નહીં, સારા નાગરિક માટે સારો સમાજ બનાવવો પડશે. તેના વિચારોને વિશ્વભરની યુનિવર્સિટીમાં માસ્ટર્સ સુધી ભણાવવામાં આવે છે. એક ભૂલ કરી, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે…પણ કોઇક તો ફરે છે એ વિચાર આપ્યો….
આપણે વિશ્વના મહાન વિચારોની આસપાસ ફરીએ છીએ….વિશ્વ નાગરિક બનવા માટે….
(લેખન અને સંકલન)

Deval Shastri🌹