વિશ્વ નર્સ દિવસ – એક ઓર્થોપેડિક સર્જન તરીકે આખા વિશ્વના બધાજ નર્સ ભાઈ બહેનોને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. – ડો. શ્વેતલ ભાવસાર.

નર્સ એટલે એક માતા જે દર્દીને પોતાના બાળકની જેમ સાચવે… એક માળી જે બગીચાના પુષ્પોને કરમાઈ જતા બચાવે…

આજના આ કોરોના કાળમાં લોહીના સંબંધ ધરાવતા લોકો સ્વજનનું મોં જોવાની કે અગ્નિદાહ આપવાની પણ ના પાડી દે છે ત્યારે કોરોનાના દર્દીને સતત સારવાર આપનાર બધા જ ડૉક્ટરો , નર્સો અને વૉર્ડબોય , આયા બહેનો , સ્વીપરો , પોલિસ અને આર્મી દળો જ આપણા સૌના ખરા રક્ષકો છે એ વાતનો કોઈ અસ્વીકાર ન કરી શકે…

કોરોના ની વાત જવા દો… અન્ય દિવસોમાં પણ અમે બધા ડૉક્ટરો તો દર્દીને તપાસી દાખલ કરીને ઓપરેશન કરી દવાઓ લખી આપીએ અને ખાનપાનની પરેજી સમજાવીએ… રોજ એક કે બે વખત રાઉન્ડ પર આવીએ… પણ અમારા ગયા પછી દર્દી બે બે મિનિટે નાની મોટી તકલીફો માટે બધા નર્સ પાસે જ દોડે છે… ડૉક્ટર પાસે વારંવાર આવતા સૌ કૉઈ ડરે… અને નર્સો અને મેડિકલ ઑફિસરો જ તમારું ધ્યાન રાખે છે… અમને સમયે સમયે તમારી કંડીશનથી જાણ કરે છે…

બીજી વાત , એકદમ નજીવા પગારમાં ડબલ શીફ્ટ કરી ઘર ચલાવતા કેટલાય નર્સ ભાઈ બહેનોને હું પર્સનલી ઓળખું છું. તેઓ ખરા અર્થમાં શૂન્યમાંથી સર્જન કરનાર છે…

હોસ્પિટલમાં જોખમી ચેપી રોગો ના દર્દીઓની સારવાર કરીને ઘરે આવીને ન્હાઈ ધોઈને એમના બાળકોને મોટા પણ કરે છે… એમને ભણાવી ગણાવી ડૉક્ટર બનાવે છે… પોતે ડૉક્ટર ભલે ન બની શક્યા પણ એમના બાળકોના ડૉક્ટર બનવાના સ્વપ્નો એ લોકો સખત મહેનત કરીને પૂરા કરે છે…

બીજું ઓપીડી નર્સ ડૉક્ટરને મદદ તો કરે જ છે પણ પેશન્ટની ભીડને પણ સંભાળે છે. ભીડ વચ્ચે પણ વધુ ગંભીર દર્દીઓને એ લોકો પ્રાથમિકતા આપે છે અને એ માટે બાકીના દર્દીઓ અને સગાને એમના વારા માટે ધમાલ કરતા રોકીને શિસ્તનું પાલન કરાવે છે…

ઈંજેક્ષન , ડ્રેસિંગ , ટાંકા તોડી આપવા અને આવા બીજા કેટલાય કામ કરી આપે… ડૉક્ટરનો જમણો હાથ બની સતત કામ કર્યે જાય…. અમને કલાકે કલાકે ચા પાણી મંગાવી આપે… મોડુ થાય તો જમવાનું યાદ દેવડાવે… એમને પોતાને જમવાનો મેળ છેક બપોરે ચાર વાગ્યે પડે તો પણ ફરિયાદ ન કરે… દર્દીઓને આ બધી હકીકતની ખબર ત્યારે જ પડે જ્યારે એક ડૉક્ટર પોતાના મોઢે નર્સની હાડમારી વિશે દર્દીઓને કહે….

દાખલ થયેલા દર્દીઓને ઘણા જ જીવલેણ અને ચેપી રોગો હોય તો પણ પોતાના જીવના જોખમે મોતને વ્હેંત છેટું રાખી દર્દીઓની ખડે પગે સેવા એમના પરિવારજનો કરતાં વધારે કાળજી પૂર્વક કરે એવા નર્સ ભાઈબહેનોને “મા” કરતાં નાનો દરજ્જો કેમ આપી શકાય ?

હું અમદાવાદ , મુંબઈ સિવાય નૈનીતાલ , તેમજ ગુજરાત , વેસ્ટ યુ.પી. અને રાજસ્થાનની ઘણી હોસ્પિટલોમાં ઘૂંટણ અને થાપા બદલવાના ઓપરેશનો કરવા જતો હોઉં છું એટલે મારે તો બધે જ અલગ અલગ સ્ટાફ સાથે કામ લેવાનું થતું હોય છે….આમાં મેં એક વાત ઝીણવટ પૂર્વક જોઈ. ઓપરેશન થિયેટરના નર્સ ભાઈબહેનો ને નવા નવા ઓપરેશન જોવા અને આસીસ્ટ કરવાનો ઉત્સાહ અને ધગશ ડૉક્ટરો જેટલો જ હોય છે.
ઘણા ડૉક્ટરો નવા ઓપરેશનો વિશે મને સવાલો કરે એટલા જ ઈન્ટેલિજન્ટ સવાલો ઓપરેશન થિયેટરના નર્સોના મનમાં પણ થતા હોય છે. બસ એમની પાસે ડિગ્રી નથી એટલે નથી કરી શકતાં બાકી ઘણા નર્સ ભાઈબહેનો ને નાના નાના ઓપરેશનો કરતાં પણ આવડતું હોય છે…

ઓપરેશનો પતી જાય પછી એ જ બધા સ્ટાફની સાથે કેન્ટિન કે ડૉક્ટર રુમમાં બેસીને જે તે શહેરોની લોકલ વાનગીઓની વેરાયટી ડીશ ખાવાની મઝા મને પોલીટીશ્યન અને ખ્યાતનામ કલાકારો સાથે ગાલા ડીનર લેવા કરતાં પણ વધારે આવે છે… કેમકે એમાં એમનો પ્રેમ દેખાય છે રાજકારણ નહિં…

અમદાવાદમાં મારા દર્દીઓ મને ઘણી વખત ફરિયાદ પણ કરે કે અમુક અમુક નર્સ પૂરું ધ્યાન નથી આપતા ત્યારે મારે એમને સમજાવવું પડે કે આટલી મોટી હોસ્પીટલમાં એક ફ્લોર પર ૪૦ દર્દીઓ વચ્ચે માત્ર ૪ જ નર્સ છે…તમારે કેનેડા કે અમેરિકા જઈને ઓપરેશન કરાવી લેવાનું. ત્યાં ૨-૩ દર્દી દીઠ એક જ નર્સ હોય છે અને એ પણ એની ડ્યુટી માં આવે એટલું જ કામ કરે… કેનેડા કે અમેરિકામાં તમે નર્સને એમ કહો કે મને વાઈફાઈ પાસવર્ડ આપો તો આઈ.ટી.ડિપાર્ટમેન્ટમાં મોકલી આપે અને પરેજી કે ભોજન વિશે પૂછો તો ડાયેટિશ્યન પાસે મોકલી આપે… આપણા નર્સ ભાઈબહેનો એટલા સારા છે કે તમે મને એમના વિશે જે જે ફરિયાદ કરો છો તેમાંના ૭૦-૮૦% કામ તો માનવતાના ધોરણે જ કરે છે… ખરેખર તમે જે બાબતથી સંતુષ્ટ નથી કે ફરિયાદ કરો છો એ એમની ડ્યુટી જ નથી… અને હા સ્ટાફ ઓછો હોય એ હોસ્પિટલ ની ચૂક છે તો મેનેજમેન્ટ ને ફરિયાદ કરવી… આટલું જાણે ત્યારે જ મારા દર્દીઓને આપણા દેશના નર્સ ભાઈબહેનોની મહત્વતા સમજાય છે…

અરે હા આ તો થઈ એક સર્જન તરીકે બધાજ નર્સોના સન્માન ની વાત , પણ અચાનક જ આજે નર્સ ડે પર મને હું ૧૯૯૯ માં વાડીલાલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. યતીન જે. દેસાઈ સાહેબ ના હાથ નીચે ભણતો ત્યારે જે જે નર્સો સાથે કામ કર્યુ છે એ બધાની યાદ આવી ગઈ… અમદાવાદી સિસ્ટર, વંદના સિસ્ટર , જસુબહેન , ઉષા સિસ્ટર , કલાબહેન , કલીબહેન , ભૂરી બહેન , ટોડલે સિસ્ટર , મંજુ સિસ્ટર , પ્રભા સિસ્ટર , નીરુબહેન અને નર્સ ન હોવા છતા નર્સો જેટલું જ જાણનારા વૉર્ડ બ્રધર ચેનસિંઘ કાકા , રમણ કાકા , નારણકાકા બધાને આજે મારા તરફથી નર્સ દિવસ ની હાર્દિક શુભકામનાઓ… જ્યાં હો ત્યાં ખુશ રહો અને આ મેસેજ મળે તો મને યાદ કરજો… અન્ય ઘણા નર્સોને પણ મારી યાદ અને આજના દિવસની શુભકામનાઓ આપજો…

આભાર સહિત…

ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
સિનિયર જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન
ડૉક્ટર હાઉસ, પરિમલ અંડરપાસ
+919099091907