શીર્ષક સાંભળતા જ લાગે કે આ શું? શેની વાત કરવા માંગીએ છીએ? શિર્ષક દ્વારા લેખક શું પ્રતીતિ કરાવે છે? પ્રાપ્તિની પ્રાપ્તિ એટલે શું? સામાન્ય રીતે જે વસ્તુ આપણને પ્રથમથી જ કે મૂળભૂત રીતે પ્રાપ્ય જ હોય તે ફરી મેળવવી એટલે પ્રાપ્તિની પ્રાપ્તિ. જે માટે પ્રથમ ત્રણ પ્રકારના શરીરની વિભાવના સમજીએ. શાસ્ત્રો પ્રમાણે આપણે માત્ર સ્થૂળ શરીરના માલિક નથી અન્ય બે પ્રકારના શરીર એટલે સૂક્ષ્મ અને કારણશરીર પણ ધરાવીએ છીએ. સ્થૂળશરીર પંચમહાભૂતો ( જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ) નું બનેલું છે, સૂક્ષ્મશરીર મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે જયારે કારણશરીર સત-ચિત-આનંદનું બનેલું છે. આ કારણશરીર જન્મ-મરણની અનંત યાત્રામાં સતત આપણી સાથે રહે છે. કારણશરીરનું પ્રથમ તત્વ સત્ એટલે સત્ય એટલે એવું અવિનાશી તત્વ જેના વિષે કશું કહી ન શકાય કેમ કે વાણીનો આકાર ધારણ કરતા જ તેની નિરાકાર પ્રભુતા ખતમ થઇ જાય, એટલે જ તો શાસ્ત્રોમાં પરમાત્મા વિષેની રજૂવાતમાં નેતિ- નેતિ શબ્દ પ્રયોગ જોવા મળે છે (એટલે આ નહિ આ નહિ) કેમ કે સત્યનું અવિનાશી તત્વ માત્ર પરમાત્મા સાથે મેળ ખાય છે એ દ્રષ્ટિએ સત્ય એટલે પરમાત્મા. કારણશરીરનું બીજું તત્વ ચિત્ એટલે અંતઃકરણ અથવા આંતરિક સમજણ જેને સામાન્ય રીતે આપણે જ્ઞાન તરીકે ઓળખીયે છીએ, જેનો અખૂટ ભંડાર એટલે પરમાત્મા અને ત્રીજું તત્વ આનંદ જે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. આ દ્રષ્ટિએ આત્મા એ પરમાત્માનું જ સ્વરૂપ છે તે વાત સાચી લાગે છે કેમ કે કારણ શરીર એ બીજું કઈ નહિ પરંતુ આત્માનું સ્વરૂપ છે. એટલા માટે જ ઈશ્વરી સ્વરૂપને આપણે સચ્ચિદાનંદ તરીકે ઓળખીયે છીએ. સચિદાનંદની પ્રાપ્તિ એટલે જ મોક્ષનું સાચું સ્વરૂપ. જે મનુષ્ય જીવનનો અનન્ય ઉદેશ્ય રહ્યો છે. કદાચ એટલે જ દરેક મનુષ્ય સત્યને પસંદ (સાચું બોલનાર દરેકને ગમે છે) કરે છે, જ્ઞાન પ્રાપ્તિની ઇચ્છા ધરાવે છે(પોતાની ક્ષમતા અનુસાર અવિરત જ્ઞાનપ્રાપ્તિ કરતો જ રહે છે) અને આનંદથી આકર્ષિત રહે છે. આમ મનુષ્ય જીવનનો હેતુ સુખની શોધ નથી પરંતુ સત્યની શોધ છે. એ તો આપણે જીવનરૂપી ગાડીને અજ્ઞાનવશ ખોટા રસ્તે હંકારી રહ્યાં છીએ. સુખની શોધ જ દુખ પ્રાપ્તિમાં પરિણમે છે કેમ કે સુખની ઈચ્છા જ દુઃખનું કારણ છે. સુખ પ્રાપ્તિની દોડ અભાવગ્રંથિથી શરૂ થાય છે. વ્યક્તિની પાસે જે કંઈ છે તેનાથી તેને સંતોષ નથી, તેને તેનાથી વધારે જોઈએ છે અને એનો કોઇ અંત નથી. અભાવગ્રંથિથી પીડાતો માણસ સતત ઈચ્છાપૂર્તિમાં રચ્યોપચ્યો રહે છે અને પોતાના અસલ સ્વરૂપને એટલે કે આત્માને ભૂલી જાય છે. અસલ સ્વરૂપની પ્રાપ્તિ વગર આનંદપ્રાપ્તિ શક્ય નથી. આમ સચ્ચિદાનંદની પ્રાપ્તિમાં જ બધી ખોજની પૂર્ણાહૂતિ છે. વળી સચિદાનંદ (એટલે કે સત્ ચિત્ અને આનંદ) અભાવગ્રંથિના વિસર્જન વગર શક્ય નથી. જેથી પોતાના અસલ સ્વરૂપ કે સચ્ચિદાનંદની પ્રાપ્તિ અર્થે આ તરફ વળવું આવશ્યક છે. માનવજીવનની શોધના સાત કેન્દ્ર છે. જેની પ્રાપ્તિની દોડમાં માણસ જીવનપર્યંત પ્રયત્નશીલ રહે છે.
૧) શક્તિ – શારીરિક, માનસિક અને આત્મિક શક્તિની વૃદ્ધિ માટે મનુષ્ય પ્રયત્નશીલ છે.
૨) શાંતિ – મનુષ્ય માત્ર જીવનપર્યંત મનની શાંતિ ઈચ્છે છે.
3) પ્રેમ – સતત કોઈકનો પ્રેમ પામવા અને પ્રેમ આપવા મનુષ્ય પ્રયત્નશીલ રહે છે. સમગ્ર પ્રકૃતિ સ્નેહ માટે આતુર રહે છે, જે આપણે સૌ જાણીએ છીએ.
૪) સૌંદર્ય – સુંદરતા ચિત્તને આકર્ષે છે.
૫) જ્ઞાન – એટલે આપણી જિજ્ઞાસાવૃત્તિ. હું કોણ છું? મારો સર્જનહાર કોણ છે? જીવન અને મૃત્યુ શું છે? વગેરે
૬) આનંદ – સર્વ પ્રકારનાં સુખ-દુખ આનંદનું જ સ્વરૂપ છે. આપણી સુખની શોધ તે બીજું કાંઇ નહીં પરંતુ આનંદની ઝંખના છે.
૭) અમરત્વ – પોતાનું અસ્તિત્વ સતત ટકી રહે તેવી ઝંખના.
આ સાતેય કેન્દ્રોની પ્રાપ્તિ આત્માની પ્રાપ્તિ દ્વારા જ શક્ય છે. આ સાતેય કેન્દ્ર જ્યાં કેન્દ્રિત થાય છે તેવું કોઈ પરમ કેન્દ્ર હોય તો તે આત્મા છે. વાસ્તવમાં આપણા જીવનનું ચક્ર આત્માની આજુબાજુ જ ઘૂમે છે. શાશ્વત શાંતિનું એક માત્ર કેન્દ્ર આત્મા છે. એક આત્માને જાણી લેવાથી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ શક્ય બને છે. સમગ્ર શક્તિનો આદિસ્ત્રોત આત્મા જ છે. આત્મા એક માત્ર પ્રેમ સ્વરૂપ છે, તેને પ્રેમ કર્યા બાદ પ્રેમપાત્ર બદલવાની જરૂરીયાત રહેતી નથી. વ્યક્તિ જીવનપર્યંત પ્રેમપાત્ર બદલતો રહે છે. જન્મની સાથે મા ને પ્રેમ કરે છે. મોટો થાય એટલે ભાઈ-બહેન અને મિત્રોને પ્રેમ કરે છે. લગ્ન કરી પત્નીને પ્રેમ કરે છે. ત્યારબાદ સંતાનને પ્રેમ કરે છે. આમ સમગ્ર જીવન પ્રેમપાત્ર બદલતો રહે છે પરંતુ તેને ક્યાંય શાશ્વત પ્રેમની પ્રાપ્તિ થતી નથી. કેમ કે શાશ્વત પ્રેમનું કેન્દ્ર માત્ર આત્મા છે. માનવીય પ્રેમ તો માત્ર પરમ પ્રેમનો આભાસ છે. વળી સાચો આનંદ પણ સંસારમાં ક્યાંય નથી. સમગ્ર સૃષ્ટિ આનંદ સ્વરૂપ આત્મામાંથી નીકળી તેમાં જ જીવે છે. આનંદ બે પ્રકારના હોય, સાધનજન્ય આનંદ અને સ્વયંસિદ્ધ આનંદ. સાધનજન્ય આનંદ સાધન દૂર થતાં ખતમ થઈ જાય, જ્યારે સ્વયંસિદ્ધ આનંદ અવિનાશી અને અવિરત છે. જે આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. તેવી જ રીતે સુંદરતા તરફ દરેક જીવ આકર્ષાય છે. વાસ્તવમાં ગમે તેટલો સુંદર દેહ ચૈતન્ય વગર સુંદર લાગી શકે નહીં. આમ પરમ સુંદર એકમાત્ર પરમાત્મા છે. ટૂંકમાં માનવ જીવનની શોધ કે ઝંખનાના સાતેય કેન્દ્રો શક્તિ, શાંતિ, પ્રેમ, સૌંદર્ય, જ્ઞાન, આનંદ અને અમરત્વ બીજું કાંઈ નથી પરંતુ આત્માનું જ સ્વરૂપ છે. જેથી આપણે જાણે અજાણે તે તરફ આકર્ષિત થયા કરીએ છીએ. આત્માની પ્રાપ્તિ થતાં (જે આંતરિક યાત્રા દ્વારા થઇ શકે, બાહ્ય વિષયોને બદલે અંતરમુખી બની સ્વની પ્રાપ્તિ કરી શકાય) આપોઆપ શોધના સાતેય કેન્દ્રો પ્રાપ્ત થાય છે. આને કહેવાય પ્રાપ્તિની પ્રાપ્તિ. પ્રાપ્તિની પ્રાપ્તિ માટે વિશેષ પ્રયત્નોની કે નાહકના પરિશ્રમની જરૂર નથી. કારણ કે જીવન આપણી સૌથી નજીક છે અથવા કહો કે આપણે જ જીવન છીએ જેથી દૂર શોધવાની કે ત્યાં પહોચવાના માર્ગ શોધવાની જરૂર નથી. જ્યાં પહોચાવાનું છે તે ક્યાંય દૂર નથી અહી જ છે બીજે અન્યત્ર નથી. જો મારે તમારી પાસે આવવું હોય તો હું કોઈ માર્ગ પર ચાલી શકું પરંતુ જો મારે મારી પાસે જ પહોચવું હોય તો હું કયા માર્ગે ચાલુ? અને જો પોતાના સુધી પહોચવા માણસ કોઈ માર્ગે ચાલશે તો ક્યારેય પામી નહિ શકે અને ભૂલો પડશે, વળી શોધવાને કારણે પોતાને ગુમાવી બેસશે. પોતાની જાત પાસે એ જ માણસ પહોચે છે જે તમામ માર્ગો છોડીને ઉભો રહી જાય છે. આવી સાચી સમજણ સાથે દોડનો અંત આવે છે અને પ્રાપ્તિની પ્રાપ્તિ થાય છે. વાસ્તવમાં આપણે ચાલીએ એટલા માટે છીએ કે કોઈક કામના, વાસના કે ઈચ્છા આપણને ચલાવે છે. જેને સત્યની ખબર છે તે માર્ગ નથી બનાવતા, જેમને ખબર નથી તે જ નાહકની ઉપાધી વહોરે છે અને અન્યને પણ મુશીબતમાં નાખે છે. આમ વાસ્તવમાં આપણે આ દ્રષ્ટિએ પ્રાપ્તિની પ્રાપ્તિ કરવાની છે અને એ જો થઈ જાય એટલે કે ઉદ્દેશ પ્રાપ્તિમાં સફળતા મળી જાય તો સમજવું જીવન સફળ. ટૂંકમાં જે ચાલવાથી નહિ પરંતુ ઉભા રહેવાથી પહોચાડે તે માર્ગ એટલે પ્રાપ્તિની પ્રાપ્તિનો માર્ગ.