સાતમી મે, ગઇકાલે બૌદ્ધ પૂર્ણિમા હતી, સાથે સાથે પન્નાલાલ પટેલ અને નોબેલ પુરસ્કૃત ટાગોરનો પણ જન્મદિવસ હતો. આખું સાહિત્ય જાણે જન્મદિવસ ઉજવી રહ્યું હોય એવું લાગતું હતું.
આજે બીલેટેડ બર્થડે મહાનુભવ રવિન્દ્રનાથ ટાગોરની વાત કરવી છે. જન્મ તો 1861માં, દુનિયા ઓળખે ગિતાંજલિથી. ઉપનિષદ તેમનો સૌથી ગમતો વિષય, પણ લોકકલા હોય કે લોકકથાઓ તેમના નાનપણથી દિલની નજીક. બાર તેર વર્ષની વયે તો કવિતાઓ લખવાનો પ્રારંભ કરી દીધો હતો. બનફૂલ, કવિ કાહીનિ,કવિ ઓ કોમલ, પ્રભાવ સંગીત, છબી ઓ ગાન, માનસી, સોનાર તરી, ચિત્રા… આટલા બધા કાવ્યસંગ્રહ વચ્ચે ટાગોર હમેશા માનતા કે તેઓ જન્મજાત રોમેન્ટિક સ્વભાવ ધરાવે છે, પ્રકૃતિ તેમની રગોમાં વહે છે. ઇશ્વર માટે સૌંદર્ય ભાવ તેમના શબ્દોમાં આપોઆપ સ્ફૂરતો હોય છે.
1910માં ગિતાંજલિ, 1913માં સરની ઉપાધિ અને 1919માં જલિયાંવાલા બાગ પછી એવોર્ડ પરત કરી દીધો. ગિતાંજલિ પછી પણ છેક મૃત્યુ સુધી અનેક કાવ્યસંગ્રહ આવતા ગયા. પલાતકા, પુરબી, મહુવા, આરોગ્ય, શેષલેખા….
ચોખેર બાલી, નૌકા ડૂબી, ગોરા જેવી અમરત્વ પામેલી કથાઓ, વાલ્મીકિ પ્રતિભા, માયેર ખેલા, રક્તકરબી જેવા નાટય ગીતો, નટીર પૂજા કે શ્યામા જેવી નૃત્ય નાટિકા, શારદોત્સવ, રાજા, ફાલ્ગુની જેવા નાટકો…જીવનના અંતિમ પડાવમા ચિત્ર બનાવવાના શરૂ કર્યા. આ ઉપરાંત વક્તવ્યો, નિબંધો, પ્રવાસો, સંગીત…. એક જીવનમાં મળતી તમામ ક્ષણોને ઉજવવાની કળાનું કોઈ નામ હોય તો તે રવિન્દ્રનાથ ટાગોર કહી શકાય.
આ સંગ્રહ વિષે કોરોનાને ધ્યાનમાં રાખીને લખ્યું, આપણને પણ કેટલી બધી પળો મળી છે…. જીવનને ઉત્સવ સમજીને જીવવાની પ્રેરણા ટાગોરમાંથી જ મળી શકે. આટલું વિશાળ સાહિત્ય એમણે વ્યસ્ત રહેવા નથી રચ્યું, પણ સ્વને અનુભવવા, નિરવ શાંતિ પામવા માટે લખ્યું હતું.
ટાગોરના જીવનમાં સૌથી ચર્ચાસ્પદ પ્રકરણ ગાંધી રહ્યા છે. ટાગોરની પ્રકૃતિ પ્રેમની વિચારધારા, જીવનને સમૃદ્ધ માનવાની વાત અને સામાપક્ષે ગાંધી વિચાર જેમાં સાદાઈ પહેલી આવે. એ યુગની બે અલગ અલગ વિચારધારા પર ચાલતી વૈશ્વિક વિભૂતિઓ.
ગાંધીજી છ માર્ચ, 1915ના દિવસે કસ્તુરબા સાથે શાંતિનિકેતન આવ્યા હતાં. જો કે એ પહેલાં પણ આવ્યા ત્યારે ટાગોર મળ્યા ન હતા. ગાંધીજીએ શાંતિનિકેતનમાં સ્વાશ્રયનો અમલ કરી નોકરો ઘટાડવા માટે સલાહ આપી હતી. આ સલાહનો દશ માર્ચના રોજથી અમલ કરવાનો શરૂ કર્યો પણ લાંબુ ચાલ્યું નહીં. આજે પણ શાંતિનિકેતનમાં દશ માર્ચને ગાંધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
11 માર્ચના દિવસે ગાંધી રંગૂન ગયા, ત્યાંથી પાછા આવીને અમદાવાદમાં ગાંધીના આશ્રમની શરૂઆત થઈ. બીજી વાર ગાંધી ટાગોર 1917માં મળ્યા, એ જ વર્ષે ટાગોરની ફકીરની ભૂમિકા ધરાવતું ટાગોર અભિનીત નાટક ડાકઘર ભજવવામાં આવ્યું, જેમાં ગાંધી, માલવિયા તથા એની બેસન્ટ પ્રેક્ષક તરીકે હાજર રહ્યા હતાં.
ત્રીજી વાર બે એપ્રિલ, 1920ના રોજ ટાગોર અને ગાંધી અમદાવાદ ખાતે મળ્યાં. ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય સભામાં ટાગોરને વક્તવ્ય આપવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન અસહકારનુ આંદોલન થયું હતું જેમાં બંને વચ્ચે વૈચારિક મતભેદ હોવા છતાં ટાગોર હમેશા ગાંધી પ્રત્યે આસ્થા રાખવાની વાતનો ભાર મૂકતાં.
આજની પેઢી માટે મતભેદ અને મનભેદ વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. બંને વચ્ચે વૈચારિક મતભેદ હોવા છતાં સંવાદિતા અને એકબીજા પરત્વે આદરભાવ ક્યારે પણ ઓછો થયો નથી. નાની નાની વાતમાં લડી પડતી સોશિયલ મિડીયાની જનરેશન માટે આ બેસ્ટ લેશન છે.
ટાગોરના મતભેદ સાથેના પત્રો ગાંધીજીએ પ્રકાશિત કર્યા છે. ગાંધીજીના ઉત્તરની નોંધ ટાગોર સાહિત્યમાં મળે છે. ટીવી પર આવતી પ્રાઇમ ચર્ચાવાળાઓએ ગાંધી ટાગોરનો ફરજિયાત અભ્યાસ કરવો જોઇએ.
ગાંધીજીના ચરખા સાથે ટાગોરને મતભેદ હતો. ગાંધીજી શાંતિનિકેતન ગયા ત્યારે ચરખો કાંતવા જણાવ્યું હતું, ટાગોર સામી શરત મૂકી કે તમે કવિતાઓ લખો. કોઈ વિદેશી પત્રકારે બંનેને જીવનનો પાંચ શબ્દોમાં અર્થ પૂછ્યો, ત્યારે ગાંધીજીએ ઉપનિષદના શબ્દો કહયા હતાં… ત્યેન ત્યક્તેન ભૂંજીતા:, આ જ પ્રશ્નનો જવાબ આપતાં ટાગોરે rejoice and renounce કહ્યું હતું.
ગાંધીજી ચાર વાર શાંતિનિકેતન ગયાં હતાં, બે વાર એકલા અને બે વાર કસ્તુરબા સાથે. બંને વચ્ચે વિરોધાભાસ હતા, પણ જ્યારે 1935 ની આસપાસ ટાગોરની સંસ્થા આર્થિક તકલીફમાં આવતાં ટાગોર પોતાના વિદ્યાર્થીઓ સાથે દેશના વિવિધ ભાગોમાં નાટકો પ્રસ્તુત કરીને સંસ્થા પગભર કરવાની કોશિષ કરતાં હતાં, ગાંધીજીને ટાગોરની વૃદ્ધાવસ્થામાં આ હાલત જોઇને દયા આવતી અને તેમણે શાંતિનિકેતન સદ્ધર બને તે માટે સફળ પ્રયાસ કર્યો હતો.
ગાંધી ટાગોરની છેલ્લી મુલાકાત 17 ફેબ્રુઆરી 1940ના દિવસે થઈ હતી, ગાંધી ટાગોરને ગુરુદેવ કહેતા અને ટાગોરે તેમના અંત સમયે ગાંધી માટે કવિતા લખી હતી, જેનું શિર્ષક હતું ગાંધી મહારાજ….
નોંધ : અનેક સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કર્યો છે.
Deval Shastri🌹