*ભારતીય તટરક્ષક દળે જખૌ ખાતેથી 4 લાખની કિંમતનો નાર્કોટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો*
અમદાવાદ: ભારતીય તટરક્ષક દળે 25 ડિસેમ્બર 2020ના રોજ 1530 કલાકે જખૌ ખાતેથી રૂપિયા 4 લાખની કિંમતનો અંદાજે 3 કિલો ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ દ્વારા નિયમિત દેખરેખ દરમિયાન આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
ભારતીય તટરક્ષક દળ અન્ય હિતધારકો સાથે મળીને ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાજેતરમાં નાર્કોટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં સંકળાયેલી મુખ્ય એજન્સી છે. ICGએ જખૌ વિસ્તારની આસપાસમાં પોતાની ઇન્ટરસેપ્ટર બોટ, ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ્સ અને એર કુશિન જહાજોની મદદથી પેટ્રોલિંગમાં વધારો કર્યો છે જેથી ચુસ્ત દેખરેખ જાળવી શકાય.
આ પ્રદેશમાંથી અગાઉ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા શ્રેણીબદ્ધ રીતે નાર્કોટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જેમાં માત્ર ICG દ્વારા જ 3 કરોડ રૂપિયાની (અંદાજિત) કિંમતના નાર્કોટિક્સના 202 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને આગળ ધપાવતા ICG દ્વારા આ તાજેતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.