જીવનમાં દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારની સફળતા ઈચ્છે છે. કોઈને ભૌતિક સુખ-સાહિબી કે આર્થિક સફળતામાં રસ હોય છે. કોઈને સામાજિક એટલે કે સંબંધોની સફળતામાં જ્યારે કોઈના માટે સ્વાસ્થ્યસભર શારીરિક સફળતા વધુ મહત્વની હોય છે. ખૂબ થોડા અને વિશિષ્ટ પ્રકારના લોકોને આધ્યાત્મિક સફળતામાં રસ પડે છે. પરંતુ કોઈપણ પ્રકારની સફળતાપ્રાપ્તિ હંમેશા કઠિન લાગે છે. જીવનમાં ન તો પૈસો મેળવવો સહેલો છે કે ન સંબંધોમાં પ્રેમ અને મીઠાશ. વળી આજકાલ તો સામાન્ય તંદુરસ્તીની પ્રાપ્તિ પણ મુશ્કેલ બની ગઈ છે, તો પછી આધ્યાત્મિક સફળતા વિશે તો કહેવું જ શું? પ્રશ્ન એ છે કે જીવનપર્યંત પ્રયત્નો કરવા છતાં ઇચ્છિત સફળતા મળતી કેમ નથી?
સામાન્ય સમજણ પ્રમાણે સફળતા પ્રયત્નોને આધીન હોય છે એટલે કે પુરુષાર્થ વગર સફળતા પ્રાપ્તિ શક્ય નથી. પરંતુ પુરુષાર્થ કે હાર્ડવર્ક તો દુનિયાના બધા જ લોકો કરે છે. મજૂરો કાળી મજૂરી કરે છે, શેઠિયાઓ પણ નાના ટિફિન સાથે સવારથી પૈસા કમાવવાના ચક્કરમાં કઠિન પુરુષાર્થ જીવનપર્યંત કરે છે. ટૂંકમાં મોટેભાગે સંસારનો કોઈ જીવ મહેનત વગરનું જીવન જીવતો નથી અને જીવી પણ ન શકે, કારણ કે જીવંત અને સક્રિય રહેવું એટલે જીવન. પરંતુ સમસ્યા એ છે કે આપણે વર્ષોથી માત્ર હાર્ડવર્કને સફળતાની પૂર્વશરત સમજી લીધી છે. જ્યારે સફળતાનો આધાર માત્ર હાર્ડવર્ક નહીં પરંતુ શાર્પવર્ક અને સ્માર્ટવર્ક પર પણ છે. કોઈ કામ કેવી રીતે કરવું? ક્યારે કરવું? કઈ વ્યક્તિ કે સાધનની મદદથી કરવું? એની સમજણ એટલે શાર્પનેસ દાખલા તરીકે ગાર્ડનનું ઘાસ કે ઝાડપાન કાપવા હોય અને ધાર વગરની કાતરનો ઉપયોગ કરીએ તો આખા દિવસના સખત પરિશ્રમ છતાં ઉત્તમ રીઝલ્ટ ના મળી શકે, કે જે અધ્યતન સાધનસામગ્રીના ઉપયોગથી ઝડપથી અને ઓછી મહેનતે થઇ શકે. દસ કલાકનું કામ કદાચ એક કલાકમાં થઈ જાય અને તે પણ કોઈ થાક કે કંટાળ્યા વગર, જેથી બાકીના સમયનો વધુ productive ઉપયોગ કરી જીવનના બાકી રહેલા ધ્યેય હાંસલ કરી શકાય. શાર્પવર્કની સમજણ માટે યથાર્થ શિક્ષણની જરૂર રહે છે. પરંતુ આજે તો મેનેજમેન્ટ ભણાવતી મોટી-મોટી શૈક્ષણિક સંસ્થાઓના ગુરુ કે અધિકારીઓમાં જ મેનેજમેન્ટનો ગુણ જોવા મળતો નથી.
તો પછી વિદ્યાર્થીઓની તો વાત જ શું કરવી? આપણે કોઈ કામ અન્ય કરતા કેટલું ભિન્ન રીતે એટલે કે ક્રિએટિવલી કરી શકીએ છીએ તેનું સફળતાપ્રાપ્તિમાં વિશેષ મહત્વ છે. કોઈપણ કામને યુનિક રીતે કરવાની આવડતને સ્માર્ટવર્ક કહેવાય. આવા સ્માર્ટવર્ક માટે આધ્યાત્મિક સમજણ એટલે કે કલ્યાણકારી ધ્યેય અને નિર્ણયની જરૂર પડે. આજના યુગને ટેકનોલોજીકલ ડેવલપમેન્ટના સંદર્ભમાં સ્માર્ટયુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બધા જ અવિરત સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ કેટલા સ્માર્ટ થયા છીએ તે એક પેચીદો પ્રશ્ન છે. આમ તો સ્માર્ટવર્ક એટલે ઊંડી સમજણ સાથેનો સાચી દિશાનો પ્રયત્ન. વ્યક્તિ જ્યારે goal oriented બની યોગ્ય દિશામાં પ્રયત્ન કરે (હાર્ડવર્ક અને શાર્પવર્ક સાથે) ત્યારે સફળતા અવશ્ય મળે.
પરંતુ સાચી દિશાનો અર્થ છે વિવેકપૂર્ણ નિર્ણય. સામાન્ય રીતે આપણા તમામ નિર્ણયો અતિ સ્વાર્થી અને લાલચી હોય છે. જેમાં અન્યના કલ્યાણની કલ્પના તો બહુ દૂરની વાત છે પરંતુ પોતાના કલ્યાણ અંગે પણ પ્રશ્ન હોય છે. કેમ કે સમગ્ર જીવન આપણે શ્રેય (શ્રેષ્ઠ) અને પ્રેય (પ્રિય) વચ્ચે નિર્ણય કરી જ શકતા નથી. આપણને જે પ્રેય લાગે છે તે આપણા માટે શ્રેય ક્યારેય હોતું નથી અને શ્રેય અને પ્રેય સમજવામાં જ સમગ્ર જીવન નીકળી જાય છે. શ્રેય અને પ્રેય વચ્ચે પસંદગી એ જ વ્યક્તિ ત્વરિત કરી શકે જેનુ અર્ધજાગૃતમન સક્રિય હોય. અર્ધજાગૃતમન એ વાસ્તવમાં આધ્યાત્મિકમન છે, ઇશ્વરીય અંશ છે, જે વ્યક્તિને કદી અયોગ્ય કે અકલ્યાણકારી નિર્ણય કરવા દેતું જ નથી. પરંતુ આપણે તેનો અવાજ સાંભળી શકતા નથી અથવા કહો કે સાંભળવા માગતા નથી. કારણ કે સાંભળવા માટે શાંત થવું પડે, જેની આપણી તૈયારી નથી. આપણને મરવું મંજૂર છે પરંતુ શાંત કે ધીમા પડવું મંજૂર નથી. હાલની ટ્રાફિકસેન્સ, ડ્રાયવીંગસેન્સ જોતા સ્પષ્ટ સમજાય છે કે દરેકને ઝડપથી નીકળી જવું છે, બીજાનું શું થાય છે તેની કોઈને પડી નથી. અકસ્માતમાં મરવું મંજૂર છે પરંતુ ગાડીને બ્રેક મારવી મંજૂર નથી. જીવનરૂપી ગાડીને યોગ્ય રીતે ચલાવવા વ્યાજબી સ્પીડ, યોગ્ય સમજણ અને યથાર્થ સમયે બ્રેક મારવી આવશ્યક છે. આજના સ્માર્ટયુગે ટેકનોલોજી દ્વારા દરેકને અકલ્પનીય ઝડપ આપી દીધી છે પરંતુ સાચી આધ્યાત્મિક સમજણ આપવાનું ચૂકી ગયા છીએ. વિચાર કરો કોઈ પક્ષીને બે ના બદલે વીસ પાંખો(સ્પીડ) આપી દઈએ અને તેની આંખો(સમજણ) લઈએ તો પક્ષીનું શું થાય? એવી જ હાલત આજના જનરેશનની છે. તેમની પાસે સ્માર્ટ ટેકનોલોજીરૂપી ખૂબ શક્તિશાળી પાંખો છે, બધું જ કામ અતિ ઝડપે શક્ય બન્યું છે પરંતુ તેમાં આંખો નથી એટલે કે સમજણ નથી.
આપણે સૌ જાણીએ છીએ કે માત્ર પાંખો દ્વારા સફળતા મેળવી શકાય નહીં તેની સાથે સમજણપૂર્વકની દ્રષ્ટિ (એટલે કે શાર્પ અને સ્માર્ટવર્ક)ની આવશ્યકતા છે. શાર્પ અને સ્માર્ટવર્કની આવડત યોગ્ય શિક્ષણ, અંતરમનની શક્તિ દ્વારા મેળવી શકાય. કેમ કે સમજણ, યાદશક્તિ, અંતરાત્માનો અવાજ સાંભળવો, તકો ઉભી કરવી, ડહાપણ, આયોજન, પ્રેરણા, સમસ્યા ઉકેલ, સર્જનાત્મક શક્તિ, નિર્ણયશક્તિ વગેરે અર્ધજાગૃતમનના (subconscious mind) કાર્યો છે. સફળતાની સામાન્ય સમજણ એવી છે કે આપણને ગમતી અને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય એટલે સફળતા કહેવાય, પરંતુ તેના માટે પણ ઈચ્છાને સ્થિર તો કરવી પડે ને? સફળતા માટે ઈચ્છાની સ્થિરતા પણ ખૂબ જરૂરી છે. આજે આપણને એક ઈચ્છા થાય અને કાલે કોઈ બીજી, તો શું મેળવવાનું છે? એ જ ખબર ન પડે. વળી અર્ધજાગૃતમન જાણી જ ન શકે કે તમારે જોઈએ છે શું? જેના કારણે આજીવન સતત દોડ્યા જ કરવું પડે અને હાથમાં કંઈ જ ના આવે. આજના જનરેશનની સૌથી મોટી પીડા એ છે કે એમને શું જોઈએ છીએ તેની ખબર જ નથી. વિચારો જેને પ્રેયની ખબર નથી તેને શ્રેયની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણે માત્ર દેખાદેખીમાં, એકબીજાની હરીફાઈમાં, અન્યથી આગળ નીકળવા માટે દોડ્યા કરીએ છીએ પરંતુ અન્યથી આગળ નીકળીને પણ જવું છે ક્યાં? કેમ કે દરેકથી આગળ નીકળીને જ્યાં પહોંચાય ત્યાં માત્ર એકલતા હોય કેમ કે સફળતાના શિખરે કદી ભીડ ન હોય. આમ તો એકલતા કે એકાંત પણ આનંદ આપી શકે જો તે અંગેની પરિપકવતા પ્રાપ્ત કરી હોય, પરંતુ આપણે તો “સ્વ” સાથે રહેવા ટેવાયેલા જ નથી.
ટૂંકમાં સફળતા કઠિન નથી પરંતુ આપણી અણઆવડત, યથાર્થસમજણનો અભાવ, ધ્યેયની ગેરહાજરી, અતિ ચંચળ સ્વભાવ, હરીફાઈ અને દેખાદેખી તેને વધુ મુશ્કેલ અને કઠિન બનાવી દીધી છે. વાસ્તવમાં હાર્ડવર્ક, શાર્પવર્ક અને સ્માર્ટવર્કના ત્રિવેણી સંગમ દ્વારા ખૂબ સરળતાથી સફળતા પ્રાપ્તિ શક્ય છે. જેના માટે ઈશ્વરે દરેકને જરૂરી શક્તિ અને સમજણ આપેલી જ છે જરૂર છે માત્ર શાંતિથી તેને સમજવાની અને યથાર્થ ઉપયોગ કરવાની.