નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશન 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ.
જિલ્લાના કુલ- 108 જેટલાં કેન્દ્રો ખાતે કોરોના વેક્શીનેશનની થઇ રહેલી કામગીરી
કોરોના વેક્સીનની રસીનો બીજો ડોઝ લેવો ખૂબ જ જરૂરી છે જે લોકો સંક્રમિત થયાં છે તેઓ વેક્સીનને લીધે ઝડપથી સાજા થયાં છે-અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિત.
રાજપીપલા, તા.21
વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આજે રાજપીપલના નગરપાલિકા વિસ્તારના દોલતબજાર, જૂની સબજેલ, નાગરિક બેન્ક, કાળાઘોડા સહિત જિલ્લાના ૧૦૮ જેટલાં કેન્દ્રો ખાતે કોરોના વેક્શીનેશનની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ખાતેથી આરટીપીસીઆર અને એન્ટીજન રેપીડ ટેસ્ટની કામગીરી થઇ રહી છે.રાજપીપલાની જૂની સબજેલ ખાતે કોવિડ-૧૯ ની રસીનો બીજો ડોઝ લેતાં કૃપાલીબેન રોનકભાઇ શાહે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના સામે રક્ષણ મેળવવાં કોરોના વેક્સીન ખૂબ જ જરૂરી છે. કોરોનાની રસી લેવાથી કોઇપણ પ્રકારની તકલીફ થતી નથી.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામિતે જણાવ્યું હતું કે, હાલમાં 45 થી વધુની વયના તમામ લોકોને જિલ્લાના 108 જેટલાં કેન્દ્રો ખાતે કોરોના વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે જેમાં 104656 લોકોને વેક્સીન રસી આપવાની સાથે જિલ્લામાં કોરોના વેક્સીનેશનની 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે. તેની સાથોસાથ આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ પણ થઇ રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેજો ખૂબ જ જરૂરી છે જે લોકો સંક્રમિત થયાં છે તેઓ વેક્સીનને લીધે ઝડપથી સાજા થયાં છે તેમજ 45 થી વધુની તમામ વ્યક્તિઓને વેક્સીન લેવા ડૉ.વિપુલ ગામિત તરફથી જિલ્લાના પ્રજાજનોને અપીલ કરાઇ છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા