કેન્દ્રીય આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારની સૂચનાથી_ *અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે COVID-19ની સારવાર લઈ રહેલા 932 દર્દીઓને આજથી હર્બલ ટીના વિતરણનો પ્રારંભ*

*સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે*_

Ø _સવાર-સાંજ ઉકાળો અને આહારમાં વિશેષ ડાયેટ પ્લાન પણ નિયમિત રીતે અનુસરાય છે_

Ø _રાજ્યના અન્ય નાગરિકો પણ આ હર્બલ ટીનું સેવન કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે છે_
************
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આ વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા COVID-19ની સારવાર લઈ રહેલા 932 જેટલા દર્દીને આજે સવારથી (તા.30 એપ્રિલથી) સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મહામારી COVID-19નો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં COVID-19ની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 1200 બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં હાલ 932 જેટલા દર્દીઓને નોવેલ કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે (દશમૂલ ક્વાથ + પથ્યાદિ ક્વાથ) 40 મિલી તેમજ એક ગ્રામ ત્રિકટુ મિશ્રિત ઉકાળો સવાર-સાંજ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દર્દીઓ માટે નિયત ડાયેટ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે. જેથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં શક્ય તેટલી ઝડપથી વધારો કરી શકાય. આ સિવાય, આજથી વધારાની તકેદારીના ભાગરૂપે હર્બલ ચાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યના અન્ય નાગરિકો પણ પોતાના ઘરે આ હર્બલ ટીનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે.

Ø તમારા ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી ચા માટે)
તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી.
આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
************