Good Morning..
કળાકાર પોતાની કળા માટે જીવતો હોય છે, જ્યારે કારીગર પોતાના અને પરિવારના જીવનનિર્વાહ માટે કામ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં કારીગર અને કળાકારનું સુંદર ફ્યુઝન છે. આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય કે પ્રસંગોમાં પણ કળા ઉમેરી છે, આપણા માટલા હોય કે વર્ષો જૂનો બંબો. આપણા બળદગાડા હોય કે લગ્નની ચોરી, દરેક કારીગરીમાં કળાનો ઉમેરો થતો રહ્યો છે. મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો વેલ્યૂ એડિસન…
ભારતીય સંસ્કૃતિના મૂળમાં કળાનું શિક્ષણ રહેલું છે, એટલે તો આપણે અધધધ… ચોસઠ કળાઓની વાત કરીએ છીએ…
*મારા તમારા જેવા શિક્ષિત માણસને પૂછવામાં આવે કે ચોસઠ(64) પૈકી કેટલી કળાઓના નામ જાણે છે?* તો થોડી કળા યાદ આવે. જેમ કે, ગાયન ગાવું, ચિત્રકામ, સ્થાપત્ય કામ, તબલા, સિતાર જેવા વાધ્ય વગાડવા…. ઓકે પછી?
ધીમે ધીમે યાદ કરીએ… રસોઈ, વણાટ, ભરતકામ, વાસ્તુશિલ્પ, સ્વદેશી અને વિદેશી ભાષાજ્ઞાન, કસરત, ખેતી, સુથારી કામ, વાંચન, નાટ્ય, કોતરણી…. બસ થાકી ગયા?
હજી યાદ કરો….ચાલો યાદ કરાવું… ફૂલોનો ઉપયોગ કરી પથારી બનાવવાની કળા, અનાજની રંગોળી, તરવાની કળા, માળીકળા, હેર સ્ટાઇલ, સુગંધીદાર પદાર્થ બનાવવા કળા, શૃંગાર, અંતાક્ષરી રમવાની કળા, તત્કાળ કવિતા બનાવવી, સમસ્યા દૂર કરવાની કળા, રત્ન ઓળખવા, રત્નોની પરિક્ષા લેવી, વૃક્ષને ઓળખવા, યંત્રકલા, હાથી સુધીનાને તોલવાની કળા, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ, બાળકો સાથે રમવાની કળા, જાદુગરી, વેશપલટો, બાણ કે ગીલ્લિદંડા ચલાવવા, જમીનનો પ્રકાર ઓળખવો….બસ?…
ચોસઠ પૈકી કેટલીક વિશિષ્ટ કળાઓ પણ જાણવી છે? …
મંત્ર તંત્રથી પાગલપન દૂર કરવાની કળા, પાણીમાંથી સંગીત પેદા કરવાની, સામાને ઇન્દ્રજાળ રચીને ભ્રમમાં નાખવા, નશાવાળી ચીજો બનાવવી, ઉખાણા બનાવવા, ગલી-ગલી કરીને હસાવવાની કળા, ચોરી કરવાની કળા (ચોરીના સાધન ગણેશિયા કહેવાતા), ઝેર બનાવવાની કળા, છેતરવાની કળા, પોપટને બોલતા શીખવવા, મુઠ્ઠીમાં શું છે તે કહેવાની કળા, ઘેટા કૂકડા લડાવવાની કળા, ખાડા કે સંકળાશમાં ફસાઇ ગયેલા પ્રાણી કે મનુષ્યને કાઢવાની કળા… સૌથી મહત્વની કળા એટલે દલીલ કરવાની કળા…
ભલા માણસ, કોરોના વેકેશનમાં ઘરમાં દરેક વાતમાં દલીલ શું કામ કરો છો? એના બદલે નાહવાની તેમજ રસોઈ પારખવાની કળા પર ધ્યાન આપો….
( કૃષિ પછી ભારતમાં સૌથી વધુ રોજગાર આપતાં ક્ષેત્રના કળાકાર-કારીગર વર્ગ, જે કોરોનાને કારણે મુશ્કેલ પરિસ્થિતિમાં છે… આ વાતો તેમને સમર્પિત…)
Deval Shastri🌹