સેવા કે પ્રચાર…- હેલિક.

આજ-કાલ જ્યાં જુઓ ત્યાં સેવાનાં નામે પ્રચાર પ્રસાર ચાલે છે.સેવાની શરૂઆત કરી નથી અને અઢળક ફોટા,વિડીયો,સોશિયલ મીડિયા મારફતે અઢળક લોકોને ધ્યાને ધરવાં,અઢળક લાઇકો મેળવવાં આ કાર્ય કરવામાં આવે છે.
આમ,આ સેવામાં પોતાનું કોઈ રતિભાર પણ યોગદાન હોતું નથી,આપનાર દાતા કોઈ અલગ હોય છે અને એમાં પોતાનું આગવું નામ દાખલ કરી દેવાય છે અને પોતાના નામે,પોતે જ બધુ કરે છે એવું સાબિત કરવામાં
એ લોકો આગળ હોય છે.ઘડીકભર તો પોતે આપનારના ભગવાન બની જાય છે.સારાં સારાં શબ્દોનો પ્રયોગ ક્યાં કરવો એમા એ લોકોની પાસે જાણે મોટી ડિગ્રીઓ હોય છે જે કોઈ યુનિવર્સિટી નથી આપતી પણ આ લોકો એમના જેવા બીજા લોકોની વચ્ચે રહી શીખી જાય છે અને એનો ખૂબ મીઠાશપૂર્વક ઉપયોગ કરે છે.
સેવા કરવાનો એમનો મુખ્ય હેતુ કોઈ માનવતા નથી પણ જેટલું સેવામાં વહેંચે છે એના કરતાં દસ ગણું એ પોતાના ઘરોમાં ભરે છે અથવા એને સારા દામમાં વેચી મારે છે જેના કોઈ ફોટા કે વિડીયો નથી હોતા અને આમ,આવા અમુક લોકોનાં લીધે ઘણો-બધો સમાજ બદનામ થાય છે પણ આવા લોકોમાં કોઈપણ સુધારો નથી થતો અને આ લોકો આ રીતે જ આગળ વધતાં રહે છે.
આવનારા સમયમાં આવાં અમુક લોકો આ જૂની સેવાનો લાભ લઇ પોતાને હીરો સાબિત કરનારાં ક્યારેક સરકાર ચલાવે છે અને આપણી પર આપણાં પૈસે રોંફ જમાવે છે અને મજબૂર થઈને આપણે એમને સલામ કરવા પડે છે અને બે હાથે એ લોકો આપણાં પૈસે આપણને જ લૂંટતાં રહે છે….
“હેલીક”…
અમદાવાદ…