હવે રિયલ એસ્ટેટમાં પણ આવી શકે છે મંદી. ફ્લેટો અને બંગલો થઈ જશે સસ્તાં.

કોરોનાના કારણે ગુજરાતમાં એપાર્ટમેન્ટ અને ઘરનું ઘર સસ્તું થાય તેવી સંભાવના છે. રાજ્યમાં એવી ઘણી સ્કીમો છે કે જ્યાં મકાનો તૈયાર છે પરંતુ લોકડાઉનના કારણે લોકો ખરીદી શકતા નથી. એટલું જ નહીં, રિયલ એસ્ટેટમાં મહામંદી આવી રહી હોવાનું મોટું કારણ શ્રમજીવીઓ તેમના વતન જતા રહ્યાં છે, તેમને પાછા લાવવામાં છ મહિનાનો સમય વિતી જશે. ક્રેડાઇ ગુજરાત એકમના એક હોદ્દેદારે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય આઠ શહેરોમાં તૈયાર સ્કીમોની સંખ્યા 2500 જેટલી છે. અધુરાં પ્રોજેક્ટની સંખ્યા તેનાથી બમણી એટલે 6200 કરતાં વધુ છે. જે પ્રોજેક્ટ અધુરાં છે તે પ્રોજેક્ટ શરૂ થવામાં પાંચ થી છ મહિનાનો સમય લાગી જશે પરંતુ જે તૈયાર છે તેનું ખરીદ-વેચાણ મે મહિનાની આખરમાં કે જૂન મહિનામાં શરૂ થાય તેવું લાગી રહ્યું છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં અત્યારે રિયલ એસ્ટેટ પ્રવૃત્તિ ઠપ્પ છે. બાંધકામ વ્યવસાયમાં કારીગરો નથી. મજૂરો નથી. કોરોનાના સંક્રમણને કારણે તેમજ લોકડાઉનના કારણે મજૂરી છુટી જતાં આ મજૂરો તેમના વતન જતા રહ્યાં છે. એકલા અમદાવાદમાંથી 50 હજાર જેટલા મજૂરો તેમના વતન જતા રહ્યાં છે. સૌથી ખરાબ હાલત સુરતની થઇ છે. સુરતમાં તો હીરાબજાર, કાપડ બજાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના મજૂરો તેમના વતનમાંથી ક્યારે પાછા આવશે તે નિશ્ચિત નથી. કોરોના મહામારીની સાઇડ ઇફેક્ટ સૌથી વધુ રિયલ એસ્ટેટમાં આવવાની છે. આ સેક્ટરમાં મહામંદી જેવી સ્થિતિ વર્તાઇ રહી છે. જે બિલ્ડરોએ બેન્કલોન લઇને તેમની સ્કીમો શરૂ કરી હતી તેમની હાલત સૌથી વધુ કફોડી બની ચૂકી છે. તૈયાર સ્કીમોના વેચાણ માટે બિલ્ડરો નવી નવી ઓફરો લાવી શકે છે. સરવાળે ગ્રાહકોને 20 ટકા જેટલા ઓછા માર્જીનથી મકાનો મળે તેવી સંભાવના છે. જો કે તેની સાથે સાથે મકાનોની ડિલીવરી મોડી થઇ શકે છે.

મહત્વની બાબત એવી છે કે જેમણે ચાલુ સ્કીમોમાં રોકાણ કર્યું છે તેમના રૂપિયા ફસાઇ ગયા છે. બેન્કલોનના હપ્તા શરૂ થઇ ચૂક્યાં છે પરંતુ સ્કીમ અટકી પડી છે. ત્રણ મહિનાની ભારતીય રીઝર્વ બેન્કની મર્યાદા હોવાથી બેન્કો ત્રણ મહિના સુધી હપ્તા લેશે નહીં પરંતુ તે હપ્તા વ્યાજસાથે લોનધારકોએ ભરવા પડશે. જે સ્કીમોમાં પજેશન આપવાનો સમય આવી ચૂક્યો છે તેમાં પણ પાંચ થી છ મહિનાનો વિલંબ થશે પરંતુ બેન્ક લોન લેનારા ગ્રાહકોને આ સમયગાળાનું વ્યાજ ચૂકવવાનું થશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ જેવા શહેરી વિસ્તારમાં તૈયાર થયેલી સ્કીમોમાં વિલંબના કારણે બિલ્ડરો પણ પરેશાન છે. લોકડાઉન પછી પણ રિયલ એસ્ટેટમાં તેજી આવતાં ઓછામાં ઓછો છ મહિનાનો સમય થાય તેવું લાગી રહ્યું છે. કોરોનાની અસર સરકારની એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમમાં પણ પડી રહી છે, કારણ કે સરકારની સ્કીમો બનાવતાં કોન્ટ્રાક્ટરો તેમજ બિલ્ડરો પાસે મજૂરોની સંખ્યા નથી.