એલિસબ્રિજ પોલીસે જનપથ કોમ્પ્લેક્સમાં ચેન્નઇ સુપર કિંગ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણને ઝડપી પાડી 6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે, મોબાઈલની દુકાનો ધરાવતા એવા જનપથ કોમ્પ્લેક્સમાં આઇપીએલ મેચ પર કેટલાક વેપારીઓ સટ્ટો રમી રહ્યા છે. જેથી પોલીસની ટિમ જનપથ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી દુકાન નંબર 119માં પહોંચી હતી. પોલીસ પાસે એવી માહિતી હતી કે, આ દુકાનમાં પ્રિન્સ શાહ નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવી પ્રોજેક્ટર પર ચેન્નાઇ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેચ પર સટ્ટો રમાડે છે. પોલીસ આ ઓફિસમાં ઘુસી ત્યારે એક કેબિનમાં ગુરુકુલ ખાતે રાધાસ્વામી સોસાયટીમાં રહેતો પ્રિન્સ શાહ બેઠો હતો આરોપીઓ જે પ્રોજેક્ટર પર મેચ જોઈને સટ્ટો રમતા હતા તે પણ પોલીસે કબ્જે લઈ આરોપી પ્રિન્સની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે, આ તમામ આઈડી તેણે તેના મિત્ર મનોજ પટેલ પાસેથી ખરીદ્યા હતા. અન્ય આઈડી પ્રહલાદ નગરમાં રહેતા અમિત સિહોરી પાસેથી 10 લાખની ક્રેડિટ લિમિટ સાથે લીધા હતા. આમ પોલીસે 5.55 લાખ રોકડા, ત્રણ ફોન, એક પ્રોજેક્ટર, એક લેપટોપ સહિત 6.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.
આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય બેની અટકાયત કરવા વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ-સરનામાં
- પ્રિન્સભાઇ પ્રકાશભાઇ શાહ (ઉ.42, 13 રાધાકુંજ સોસાયટી ગુરૂકુળ રોડ મેમનગર, અમદાવાદ)
- સુમીતભાઇ બાબુભાઇ પટેલ (ઉ.30, સી/16 ઉમીયા વિજય એપાર્ટમેન્ટ સરદારચોક કૃષ્ણનગર, અમદાવાદ)
- હાર્દિકભાઇ પ્રકાશભાઇ શાહ (ઉ.38, રાધાકુંજ સોસાયટી ગુરૂકુળ રોડ મેમનગર, અમદાવાદ)
- મનોજભાઇ પટેલ (રાણીપ, અમદાવાદ)
- અમિતભાઇ સિહોરી (પ્રગલાદનગર, અમદાવાદ)