કોરોના વાયરસની સ્થિતીમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને રાજ્યભરમાં આવકારદાયક પ્રતિસાદ -રાજ્ય પોલીસ વડાશ્રી શ્રી શિવાનંદ ઝા

.
 લોકડાઉન દરમિયાન આવો જ સહકાર આગામી સમયમાં પણ મળતો રહે તેવી નાગરિકોને અપીલ કરતા રાજ્યનાં પોલીસ વડાશ્રી
 રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને સરળતાથી મળે તેવી વ્યવસ્થા માટે સંવેદનશીલતાથી વર્તવા પોલીસને સૂચના
 લોકડાઉન થયા બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં જાહેરનામા ભંગનાં ૪૯૦ અને ક્વોરંટાઇન કાયદાનાં ભંગ બદલ ૨૩૬ ગુના નોંધાયા : ૮૯૭ આરોપીઓની અટકાયત
*********
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ વ્યાપક થતું અટકાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાહેર થયેલા લોકડાઉનને રાજ્યભરમાં આવકારદાયક પ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ લોક ડાઉન હેઠળ રાજ્યનાં નાગરિકોને કોઇ પણ જાતની તકલીફ ન પડે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સ્થિતીમાં રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સહિતની આવશ્યક ચિજવસ્તુઓ સુચારૂ રીતે ઉપલબ્ધ થાય અને નાગરિકોને સરળતાથી આવશ્યક ચિજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા માટે સંવેદનશીલતાથી વર્તવા પોલીસને સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ રાજ્યનાં પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા એ જણાવ્યુ છે.

કોરોના વાયરસની સ્થિતીમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને રાજ્યભરમાં આવકારદાયક પ્રતિસાદ મળી રહ્યો છે જે ખુબ જ પ્રશંસનિય બાબત છે તેમ જણાવીને લોક ડાઉન દરમિયાન આવો જ સહકાર આગામી સમયમાં પણ મળતો રહે તેવી રાજ્યનાં પોલીસ વડાશ્રી એ નાગરિકોને અપીલ કરી છે.

શ્રી ઝા એ ઉમેર્યુ કે, હાલમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે તેવા સંજોગોમાં લોકડાઉનનો અમલ સુવ્યવસ્થિત રીતે થઇ રહ્યો છે, તેમ છતા જ્યાં હજુ પણ નાગરિકોનો સહકાર મળી રહ્યો નથી તે વિસ્તારોમાં સખતાઈથી અમલ કરાવાઈ રહ્યો છે અને તે માટે પોલીસ વિભાગ સંપુર્ણ સજજ છે.
રાજ્યમાં લોકડાઉન લાગુ થયા બાદ અત્યાર સુધીમાં કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે વિગતો આપતા શ્રી ઝા એ જણાવ્યુ હતુ કે, ગઇ કાલ તા.૨૪ માર્ચથી આજ સુધીમાં જાહેરનામા ભંગનાં ૧૯૧ ગુનાઓ અને ક્વોરંટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાનાં ભંગ કરવા બદલ ૮૯ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ ૩૫૩ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જાહેરનામા ભંગનાં કુલ ૪૯૦ ગુનાઓ અને ક્વોરંટાઇન કાયદાનાં ભંગ બદલ ૨૩૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ ૮૯૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
*******